ગત વર્ષની તુલનાએ ખોળ અને ઘાસચારાનો ભાવ વધ્યો સામે દુધનો ભાવ ઘટયો, પશુપાલકો આર્થિક ભીંસમાં સપડાયા.
કોડીનાર પંથકના પશુપાલકોની હાલત દયનીય બની છે. ગત વર્ષની તુલનાએ દુધનો ભાવ ઘટયો છે. ત્યારે સામે ખોળ અને ઘાસચારાનો ભાવ વધ્યો છે. જેના કારણે પશુપાલકો આર્થિક ભીંસમાં સપડાયા છે. હાલ ઘણા પશુપાલકો પશુઓ ઓછા કરીને બીજા ધંધા તરફ વળવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કોડીનાર પંથકમાં પશુપાલકોની સ્થિતિ દિન પ્રતિદિન કથડી રહી છે. વર્તમાન સમય પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે કપરો સાબીત થઈ રહ્યો છે. ગત વર્ષે દુધનાં એક ફેટની કિંમત ૬ થી ૬.૫૦ રૂપીયા જેવી હતી જે આ વર્ષે ૫.૫૦ રૂપીયા એ પહોચી છે. જયારે બીજી તરફ ખોળની કિંમતમાં રૂ.૨૦૦નો વધારો નોંધાયો છે. અગાઉ જે ખોળ રૂ. ૭૦૦માં મળતો તે હવે રૂ. ૯૦૦થી ૧૧૦૦માં મળતો થયો છે. આમ ખેડુતોની હાલત કફોડી બની છે.
કોડીનારનાં દેવલી ગામે રહેતા ખેડૂત સંજયભાઈ મોરીએ કહ્યું કે તેઓ ખેતીની સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. ગત વર્ષે તેઓ પાસે ૨૭ જરસી ગાય હતી ત્યારે રોજનું રૂ. ૫ હજારની કિમંતના દુધનું ઉત્પાદન થતુ હતુ પરંતુ હવે ૧૭ જ જરસી ગાય તેઓએ રાખી છે. વધારે પશુ રાખીએ તો વધારે ખોરાકની જરૂર પડે છે. હાલ ખોળ અને ઘાસચારાનો ભાવ પરવડે તેમ નથી જેથી પશુ ઘટાડવાની નોબત આવી છે.
ખેતી સાથે દુધની ડેરી ચલાવતા બાલુભાઈ દાહીમાએ કહ્યું કે દુધમાં સતત ભાવ ઘટી રહ્યા છે. એક સમયે પશુપાલનના વ્યવસાય માટે દોડાદોડી થતી હતી પરંતુ આજે આ વ્યવસાયથી લોકો ભાગી રહ્યા છે. ઘણી વખત એવું પણ બને છે પશુપાલકોને મોટી ડેરીના દુધના ભાવ ખબર ન હોય જેથી સ્થાનિક લેવલે ઓછા ભાવ આપીને વચેટીયાઓ પશુપાલકોનું શોષણ કરી રહ્યા છે.