કોરોનાના સંક્રમણને અટકાવવા રાજય સરકાર દ્વારા રાત્રી કફર્યુ જાહેર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર એસ.ટી બસ સ્ટેન્ડ ઉપરથી રાત્રીના આઠ વાગ્યાથી આવતીને જતી તમામ બસોના રૂટો કેન્સલ કરી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

એસ.ટી.બસ સ્ટેન્ડ ઉપરથી સામાન્ય રીતે જુદી-જુદી રૂટોની એસ.ટી.બસની અવર-જવર આખી રાત રહેતી હોય છે. જેને કારણે બસ સ્ટેન્ડ રાતભર ધમધમતુ રહે છે. પરંતુ જામનગરમાં રાત્રીના આઠ વાગ્યાથી જ કરફયુ જાહેર કરી દેવામાં આવ્યો છે.

જેની સીધી અસર એસ.ટી.બસ સ્ટેન્ડ ઉપરથી જતી આવતી એસ.ટી.બસ ઉપર પડી છે અને બસ સ્ટેન્ડ સુમસામ રાત્રીના સવા આઠ વાગ્યાથી જ થઇ જાય છે. જામનગર એસ.ટી.બસ સ્ટેન્ડ ઉપરથી રાતના આઠ વાગ્યા પછી લાંબા રૂટની 30 થી વધુ રૂટો ઉપરની બસોની અવર-જવર બંધ કરી દેવાઇ હતી.

સાથે-સાથે બહારથી આવતી અને જતી એસ.ટી. બસોને પણ જામનગરના બસ સ્ટેન્ડની અંદર આવવા ઉપર પણ પ્રતિબંધ જાહેર કરી દેવાયો હતો. વહેલી સવારે જે પાંચ વાગ્યાથી જુદા-જુદા લાંબા રૂટ ઉપરની બસો વહેલી સવારે ઉપડવાને બદલે સવારે છ વાગ્યા પછી રવાના કરવામાં આવી હતી. એસ.ટી.ની બસોના રૂટો બંધ થવાની સાથે ખાનગી ટ્રાવેલ્સની બસો પણ કરફયુને લીધે બંધ કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે.

એસટી અધિકારી શું કહે છે?

એસ.ટી. વિભાગના વિભાગ પરિવાહન અધિકારી વી.વી.ડાંગરે જણાવ્યું હતું કે જામનગર એસ.ટી.વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા દ્વારકા, ધ્રોલ, જામનગર, જામજોધપુર અને ખંભાળિયા મળીને કુલ 5 એસ.ટી.ડેપો આવે છે. જેમાં કુલ 58 શેડીયુલોની 244 ટ્રીપ એસ.ટી.ની બંધ કરવામાં આવેલ છે. જેને લીધે રાત્રીની 58 શેડીયુલની એસ.ટી.બસોના 34,905 કિલો મીટર કંટ્રોલ કરાશે. રાજય સરકારની વખતો વખતની કોરોના અંગેની ગાઇડ લાઇન મુજબ 30 એપ્રિલ 2021 સુધીમાં શેડીયુલ અને ટ્રીપો તદન હંગામી ધોરણે કંટ્રોલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.