માર્કેટમાં ઠંડીનો માહોલ ગત વર્ષૈ પણ નોટબંધીના કારણે ૯૦ ટકા માલ પરત લઇ જવો પડયો હતો
દર વર્ષે શિયાળાના આગમન સાથે જ રાજકોટમાં ભુતખાના ચોકમાં તિબેટીયન બજાર ગરમ વસ્ત્રોથી ધમધમવા મંડે છે. માર્કેટમાં બાળકોથી લઇ તમામ વયના લોકો માટે વુલનના વસ્ત્રો એક જ છત નીચે ઉપલબ્ધ હોય છે. શિયાળાના ચાર મહિનામાં ૭૦ ટકા કમાણી થઇ જાય છે. પરંતુ થોડા વર્ષોથી ઠંડી મોડી પડવાના કારણે તથા ગયા વર્ષે નોટબંધીને કારણે ૯૦ ટકા જેટલો માલ પરત લઇ ગયા હતા. આ વર્ષે ધંધા માટે ૨૦ થી ૨૫ જેટલા તિબેટીયનોએ રાજકોટમાં ધામા નાખ્યા છે. જે ચાર મહીના જેટલા સમયગાળાનું રોકાણ કરશે.હજુ શિયાળાની ઠંડીનો ચમકારો દેખાયો નથી આથી ધરાકી ઓછી જોવા મળી રહી છે. ગયા વર્ષે નોટબંધીના કારણે રોકડ રકમની અછત થતા લોકોએ પોતાની ખરીદી પર કાપ મુકયો હતો જેથી ૯૦ ટકા જેટલો માલ પરત લઇ જવો પડયો હતો. તેમજ આ વર્ષે જીએસટીને કારણે વુલન વસ્ત્રોમાં પ ટકાનો ભાવ વધારો ઝીકાયો છે. જેને કારણે પણ આ વર્ષે તીબેટીયનને નુકશાન વેઠવુ પડે તેવી સંભાવના છે.