ભારતીય સેનાએ ચીનની નજીક આવેલી બોર્ડર પર ભારે બરફવર્ષાના કારણે ફસાયેલા અંદાજિત 2500 ટૂરિસ્ટ્સને શનિવારે રેસ્ક્યૂ કરી લીધા. સિક્કિમમાં એક દિવસ પહેલાં જ બરફવર્ષા શરૂ થઇ હતી. જેના કારણે નાથૂ લા દર્રા અને 27 કિમી વિસ્તારની વચ્ચે મહિલાઓ અને બાળકો સહિત અનેક યાત્રીઓ ફસાઇ ગયા હતા. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ અનુસાર, નાથૂ લાથી પરત ફર્યા બાદ 300થી 400 વાહનો 27 કિમીના વિસ્તારની નજીક ફસાઇ ગયા હતા. ભારતીય સેનાએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું.
1500 લોકોને 27 કિમીના શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોને 37 કિમી વિસ્તાર પર પહોંચાડવામાં આવ્યા છે. પર્યટકોને ભોજન, દવાઓ અને કપડાં આપવામાં આવ્યા છે.
ભારતીય સેનાએ રસ્તામાંથી બરફ સાફ કરવા માટે બે જેસીબી અને બુલડોઝર લગાવ્યા છે. સેનાનું કહેવું છે કે, જ્યાં સુધી તમામ ટૂરિસ્ટ્સ સુરક્ષિત ગંગટોક સુધી નથી પહોંચી જતાં ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.
સિક્કિમમાં શુક્રવારે સિઝનની પહેલી બરફવર્ષા થઇ. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના ઉંચા વિસ્તારોમાં બરફની મોટી ચાદર ફેલાઇ ગઇ. અમુક સ્થળો પર હળવો વરસાદ પણ થયો, ત્યારબાદ ગંગટોકમાં ન્યૂનતમ તાપમાન 6 ડિગ્રી સુધી પડી ગયું.