સૌરાષ્ટ્રમાં સોમવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતો અને સમીસાંજે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર ઉતરતા જગતાતમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. આખીરાત કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે વરસ્યા બાદ આજે સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

રાજકોટમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મેઘમહેર બાદ લોકોને પરસેવો રેબજેબ કરતા બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જોકે હજુ સુધી સૌરાષ્ટ્ર પર મેઘરાજા મન મુકીને વરસવામાં કરકસર રાખી રહ્યા છે.

દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં જ સારો વરસાદ થઈ ગયો છે. જેની સરખામણીમાં સૌરાષ્ટ્રનો હજુ સુધી વાવણીલાયક વરસાદ પણ થયો નથી. સોમવારે બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને ભાવનગર, જુનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં અડધાથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. રાતભર મેઘરાજાએ ઝરમર હેત વરસાવવાનું ચાલુ રાખ્યું હતું.

રાજકોટમાં આજે સવારથી શ્રાવણ માસના સરવડાની માફક મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. આકાશમાં સુર્યનારાયણ વાદળો વચ્ચે સંતાકુકડી રમી રહ્યા છે. સમયાંતરે શહેરમાં વરસાદના જોરદાર ઝાપટા પડી રહ્યા છે અને રાજમાર્ગો પરથી વરસાદી પાણી વહેવા લાગ્યા છે.

આગામી ત્રણ દિવસ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. સૌરાષ્ટ્રવાસીઓ અનરાધાર મેઘમહેરની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. સોમવાર બપોર બાદ વાતાવરણ પલટાતા અને ઝરમર વરસાદ વરસવાનું સતત ચાલુ રહેતા લોકોને પરસેવે રેબજેબ કરતા બફારામાંથી રાહત મળી છે. આ લખાય રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.