હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો દોડી આવ્યા: કાર ઝાડ સાથે અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો: રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સીક નિષ્ણાંત દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું
હળવદ-ઘનશ્યામગઢ વચ્ચે વેગનઆર કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પાસના ક્ધવીનર પંકજભાઇ ગોપાણીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં પાસના આગેવાનો એકઠા થઇ ગયા હતા. હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનોએ ઘટના અકસ્માતની નહી રાજકીય હત્યા હોવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી ગઇ હતી. પોલીસે એફએસએલની ટીમ બોલાવી હતી અને ફોરેન્સીક નિષ્ણાંત દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઘનશ્યામગઢના વતની અને પાસના ક્ધવીનર પંકજભાઇ મનજીભાઇ ગોપાણી નામના ૨૭ વર્ષના પટેલ આગેવાન વેગનઆર કારમાં હળવદથી ઘનશ્યામગઢ તરફ જઇ રહ્યા હતા ત્યારે કાર રસ્તા નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા કારનો આગળનો ભાગનો બુકડો બોલી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા પંકજભાઇ ગોપાણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.
તાલુકા પંચાયતના સભ્ય અને પાસના ક્ધવીનર પંકજભાઇ ગોપાણીનું કાર અકસ્માતમાં મોત નીપજ્યાની જાણ થતા મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પંકજભાઇ ગોપાણીની કારને અકસ્માત નહી પણ રાજકીય હત્યા હોવાનો આક્ષેપ કરી સમગ્ર ઘટના ષડયંત્ર હોવાનું પરિવારજનોએ કહી પાટીદાર આગેવાન હાર્દિક પટેલને જાણ કરી હતી.
હાર્દિક પટેલ, મનોજ પન્નારા, નિલેશ એરવાડીયા અને રેશ્મા પટેલ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મૃતક પંકજભાઇ ગોપાણી પર અનેક દબાણ આવ્યું તેમ છતાં હાર્દિક પટેલના અનામત આંદોલનને સમર્થન આપી તેની સાથે જોડાયેલા રહ્યા હતા અને તે ઘણાને આંખના કણાની જેમ ખૂચતા હોવાથી ષડયંત્ર રચી હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા.
મૃતક પંકજભાઇ ગોપાણીએ હળવદ પંથકમાં ગેર કાયદે થતી ખનિજ ચોરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખનિજ ચોરી અટકાવવા પ્રયાસ કરતા હોવાથી ખનિજ માફિયાઓએ હત્યા કરી હોવાથી મૃતકના પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હળવદ પી.એસ.આઇ. ભોજાણી અને હેડ કોન્સ્ટેબલ મનુભાઇ ડાંગર સહિતના સ્ટાફે ઘટના સ્થળે એફએસએલની ટીમ બોલાવી તપાસ કરાવી હતી તેમજ લાશનું ફોરેન્સીક નિષ્ણાંત દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલી હતી.