“દરેક અધિકારીમાં માનવ સહજ લાગણીઓ, માન્યતાઓ, ઈચ્છાઓ, વિચારો તથા તાબાના કર્મચારીઓ, રાજકારણીઓ, ગુનેગારો અને જનતા સાથે કામ પાડવાની ખાસ રીતો અને પધ્ધતિઓ હોય છે !
બાતમીદાર બેહાલ!
મહેસાણા જિલ્લાના પોલીસ વડાની બદલી થતા નવા પોલીસ વડા તો હાજર થઈ ગયા, અગાઉ જણાવ્યા પ્રમાણે પોલીસદળમાં પેલી કહેવત ‘નવી ઘોડી અને નવો દાવ’ મુજબ જીલ્લાનાં પોલીસ દળે કામ કરવાનું હોય છે. ભલે અધિકારી (થાણેદાર) પાસે પોલીસ સ્ટેશન અને જવાનો તો તેના તેજ હોય છે. પરંતુ નવા જીલ્લા પોલીસ વડા આવે એટલે શરૂઆતમાં થોડા દિવસો એ ધ્યાન રાખવાનું હોય છે કે નવા પોલીસ વડા કઈ રીતનું કામ ઈચ્છે છે. દરેક પોલીસ અધિકારીની પોતાની કામ કરવાની અને કામ લેવાની જુદીજુદી પધ્ધતી હોય છે. દરેક અધિકારીમાં એક વ્યક્તિ તરીકેની માનવ સહજ જે જુદી જુદી લાગણીઓ, માન્યતાઓ, ઈચ્છાઓ, વિચારો અને તાબાના કર્મચારીઓ ઉપરાંત રાજકારણીઓ, ગુનેગારો અને જનતા સાથે કામ પાડવાની અમુક ખાસ રીતો કે પધ્ધતી હોય છે તે પ્રમાણે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અધિકારીઓએ તે મુજબ એટલે કે નવા આવેલા ઉચ્ચ અધિકારીઓ સાથે કદમ મિલાવવા પડતા હોય છે.
જિલ્લામાં નવા પોલીસ વડા આવે એટલે સામાન્ય રીતે તેઓ જિલ્લાનાં તમામ પોલીસ અધિકારીઓની મીટીંગનું આયોજન કરી પોતાનો કામ કરવાનો અને તેની પધ્ધતીનો એજન્ડા જણાવી જ દેતા હોય છે. અને જો કોઈ ખાનગી એજન્ડા હોય તો ત્યાર પછી તે જીલ્લાની ખાસ શાખાઓ ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જી. ટાસ્ક ફોર્સ કે અન્ય સ્ત્રોત દ્વારા જાણવા મળી જાય છે!
મહેસાણામાં નીમાયેલા પોલીસ વડાનો આમતો ખાસ કોઈ એજન્ડા હતો નહી તેમ છતાં તેમણે ઉંઝા પીઆઈ જયદેવને ખાસ વર્ધી આપી મહેસાણા બોલાવી તેમની ચેમ્બરમાં ચર્ચા કરતા જણાવ્યું કે ‘સાંભળ્યું છે કે પોસ્ટ ગોધરા કોમી તોફાનો સમયે તમો એ ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ ઉપરાંત ક્રાઈમ ડીટેકશન અને સ્પેશ્યલ કામગીરી પણ તમારી ઉતમ છે. જે પધ્ધતી ચાલુ રાખશો અને મેં એવી વાત સાંભળી છે કે તમે મહેસાણા ઉંઝાથી બદલાઈને સૌરાષ્ટ્ર તરફ જવાના પ્રયત્નો કરી રહેલા છો? આથી જયદેવે પોતાના ઉંઝા પોલીસ સ્ટેશનના છેલ્લા અઢી વર્ષના સતત સંઘર્ષની વાત જણાવીને કહ્યું ‘સાહેબ હું સતત એક્ઝિક્યુટીવ (પોલીસ સ્ટેશનોમાં) નોકરી કરી કરીને હવે થાકી ગયો છું વળી અધૂરામાં પૂરૂ છેલ્લા એકાદ વર્ષથી આ કોમી તોફાની પરિસ્થિતિ અને વિધાનસભા મધ્યસત્ર ચૂંટણીઓ દરમ્યાન બંને કોમ અને બંને રાજકીય પક્ષો વચ્ચે સંતુલન રાખી રાખીને હવે મારો સ્વભાવ પણ ઉગ્ર થઈ ગયો છે. આથી ચૂંટણી અગાઉ પોતાનો જે ભાવનગર જિલ્લાનો થતો હુકમ ઉંઝાના વિધાયકે અટકાવેલ અને વચન આપેલ કે ચૂંટણી પછી પોતે ઈચ્છે તે જગ્યાએ બદલલી કરાવી આપશે તેવું વચન આપેલું તેની પણ વાત કરી અને વધુમાં જણાવ્યું કે વિધાયક આ તેમનું વચન પાલન કરવા પ્રયત્નશીલ છે. આથી નવા પોલીસ વડાએ જયદેવને સીધુ જ પુછી લીધું કે ‘તમને મારી સાથે કામ કરવામાં શું વાંધો છે?’ જયદેવે કહ્યું ‘સાહેબ વાંધો તોકાંઈ નથી પરંતુ ઉપર જણાવેલ સંજોગોને કારણે મનભરાઈ ગયું છે. સતત કોમી તોફાનોના અને તેના આનુસંગીક બંદોબસ્તો અને વ્યવસ્થા જાળવી જાળવીને મારો સ્વભાવ હવે સ્પીડ પકડી ગયો છે. તેના કારણે હવે શરીરને મૂશ્કેલી પડે તેમ લાગે છે. જોકે ડોકટર જાવીઆએ આ અંગે ચેતવેલ અને એફ.એસ.એલ. નિષ્ણાંત મોદીની સુચક વાત તેણે પોલીસ વડાને કહી નહી આથી પોલીસ વડાએ કહ્યું ‘દેખાવમાં તો તમે સંપૂર્ણ તંદુરસ્ત અને ફીટ દેખાવ છો. મારો તમને દરેક કાર્યમાં સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે.’ તેમ જયદેવને પોરસ ચડાવી પ્રોત્સાહન આપી હવે ઉંઝાથી બદલીની વાત માંડી વાળવા સુચન કર્યું. આથી જયદેવે કહ્યું ‘સાહેબ તે બાહ્ય દેખાવ અને શરીરની અંદરની વાત સાવ જુદી જ છે ઉંમરની અસર તો તમામને થાય જ, છતા આપે જે સાથ સહકારની વાત કરી તે બદલ ખૂબ ધન્યવાદ અને હું જયાં સુધી ઉંઝા પોલીસ મથકમાં છું ત્યાં સુધી હું મારૂ કાર્ય મારી અગાઉની પધ્ધતી મુજબ જ કરીશ તેનો વિશ્ર્વાસ રાખજો.
આ વાત થયા પછી બીજા ત્રણ મહિના વિતી ગયા આ દરમ્યાન મહેસાણાના આંગડીયા ખૂન સાથે લૂંટ તથા વિજાપૂર પેટ્રોલપંપ ઉપરની લૂંટની પણ તપાસો પૂર્ણ થઈ ગઈ. તે પછી પીઆઈ જયદેવની બદલી ઉંઝાથી રાજકોટ શહેરમાં થઈ ગયા બાદ લાંબા સમયે મધ્ય ગુજરાતનાં અન્ય ૧૨ (બાર) જેટલા અનડીટેકટેડ ખૂન લૂંટના ગુન્હા જે એકલો ઘાતકી હત્યારો એવો મુખ્ય આરોપી અને શાર્પશૂટર સુભાષ નીયર પોલીસના હાથે પકડાયો અને મધ્યગુજરાતના જેટલા ખૂન કેસો હતા તે ગૂન્હામાં વપરાયેલ હથીયાર પીસ્ટલ ૭.૬૫ એમએમ પણ પોલીસને મળી આવી એફએસએલનાં અભીપ્રાય મુજબ તમામ ગુન્હાઓતો ડીટેકટ થયા પરંતુ પોલીસ કસ્ટડી દરમ્યાન આ હાર્ડકોર ગુનેગાર સુભાષ નાયરે પોલીસ રેકર્ડમાં નહી નોંધાયેલા એવા ગંભીર ગુન્હા પણ કબુલેલા.
આ તપાસ દરમ્યાન સુરત શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈએ આ સુભાષ નાયરનો કબ્જો ટ્રાન્સ્ફર વોરંટ આધારે મેળવેલો અને રીમાન્ડ દરમ્યાન આ ક્રુર ક્રીમીનલ સુભાષ નાયરે કોઈ પોલીસ અધિકારીને પણ ઠંડા કલેજે ધમકી આપેલી કે ‘હું જયારે જામીન ઉપર કે જેલમાંથી છૂટીશ ત્યારે અવશ્ય પણે તમારૂ ખૂન કરી નાખીશ પરંતુ આ તપાસ ચાલુ હતી. દરમ્યાન જ આ સુભાષ નાયરે એક પોલીસ અધિકારીની રીવોલ્વર ઝૂંટવીને તેનું ખૂન કરી નાસી જવાની પેરવી કરતા ઝપાઝપી (એન્કાઉન્ટર) દરમ્યાન જ પોલીસના હાથે તે માર્યો ગયેલો અને રાજયમાં સમયાંતરે થતી આંગડીયા ખૂન લૂંટના ગુન્હાનાના સીલસીલાનો પણ અંત આવેલો અને સમગ્ર પ્રકરણનો પણ અંત આવી ગયેલો. જે સમાચારોએ સમગ્ર રાજયમાં ખૂબ ચકચાર મચાવેલી.
એક સામાન્ય બાતમીદારની બાતમી એક શહેર એક જીલ્લો જ નહિ સમગ્ર રાજય ને કેવી ઉપાધીમાંથી મૂકત કરી શકે તેનું આ બાતમીદાર રામોજી ઉદાહરણ છે. બાતમીદાર અંગે અગાઉ પ્રકરણ ૧૯૫માં વિગતે હકિકત જણાવેલ છે. પરંતુ હાલમાં સીસીટીવી કેમેરા આવી જતા તથા મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ તથા ફોન લોકેશન જીપીએસ વિગેરે સાધનોથી પોલીસદળનું ગુન્હાઓ શોધવાનું કામ ઘણુ સહેલુ થઈ ગયેલ છે. તેમ છતા જયાં આ ત્રીજુ નેત્ર સીસીટીવી કેમેરા નથી પહોચતા તેવા ગુન્હાઓ અને ગુનેગારો માટે તો બાતમીદારો જ પોલીસનું અમોધ શસ્ત્ર છે. આમ જોઈએ તો બાતમીતંત્રએ પોલીસનું મુખ્ય અંગ જ ગણી શકાય. જેને માટે સરકાર ભંડોળ પણ ફાળવે છે. વળી કાયદામાં પણ જે જોગવાઈ ‘તાજના સાક્ષી’ની છે તેમ ગુન્હામાં ઓછામાં ઓછો ભાગ લીધેલ આરોપી પણ જો સાક્ષી બની શકતો હોય તો જેનો ભૂતકાળ ભલે જે હોય તે પણ હાલમાં પોલીસ અને તે રીતે સરકાર અને જનતાને ઉપયોગી એવી બાતમી આપતો હોય તો તેને ખોટી રીતે કે અન્ય ગુનેગારના કહેવાથી ગુન્હામાં ફીટ કરી દેવો તે ન્યાય નથી, જાહેરહીતમાં નથી કે પોલીસની વિશ્ર્વસનીયતા માટે પણ વ્યાજબી નથી પરંતુ આ કિસ્સામાં આવું બન્યું !
જયદેવ જયારે રાજકોટ ખાતે ફરજ બજાવતો હતો ત્યારે એક દિવસ ઉંઝાના રાયટર જમાદાર પુનાજીનો જયદેવ ઉપર ફોન આવેલો કે આપણા બાતમીદાર (રામોજી)ને મહેસાણા પોલીસ વારંવાર મહેસાણા બોલાવીને હેરાન કરે છે અને છેલ્લા એક અઠવાડીયાથી કનડગત વધી ગઈ છે. તો તમે મહેસાણા પીઆઈને કાંઈક કહો કે આ બાતમીદાર વ્યકિત આ ગુન્હામાં તો શું બીજા કોઈ ગુન્હામાં સંડોવાયેલો નથી પરંતુ પકડાયેલા અને જેલમાંથી જામીન ઉપર નહી છૂટતા આરોપીઓની ચડામણીથી મહેસાણા પોલીસ આ બાતમીદારને જ દરરોજ બોલાવીને ખોટી રીતે હેરાન કરે છે. મહેસાણાનો ગુન્હો ફકત ખૂન અને લૂંટનો હતો ધાડનો (ડેકોઈટી)તો ગુન્હો નહતો કેમકે જેજે ધાડનો ગુન્હો હોય તો તેને પ્રીપરેશન ઓફ ડેકોઈટી ક્રાઈમ (તૈયારી ગુન્હાની) કલમો હેઠળ આઈપીસી, ૩૯૯, ૪૦૧ વિગેરેમાં ફીટ કરી શકાય પરંતુ આ લૂંટના ગુન્હામાં બાતમીદારતો ખાલી મળવા માટે બોલાવેલો તેથી મળવા જ ગયેલો કોઈ તૈયારીમાં કે રેકીમાં પણ નહતો તો શા માટે હેરાન કરે છે.તેમ કહ્યું.
ભૂતકાળમાં નિવૃત કે બદલાઈ ગયેલા પોલીસ અધિકારીઓને માન આપવામાં આવતું તેમના સૂચનો ધ્યાને લેવાતા તથા તેમના બાતમીદારતો ઠીક જૂના સંપર્કવાળી વ્યકિતઓને પણ ધ્યાનથી અને માનથી આવકાર અપાતો. પરંતુ હાલમાં ગમે તે કારણ હોય ગ્લોબલાઈમેશન કે ઝડપી યુગ કે ગમે તે પરિવર્તનનું કારણ હોય પણ હવે ‘બીત ગઈ સો બાત ગઈ’ વાળો વ્યવહાર થઈ ગયો જણાય છે. નિવૃત તો ઠીક બદલી પામેલાનો પણ પાછળથી પડછાયો પીટાતો હોય છે લીટી લાંબી કરવાને બદલે ભૂસવાની પધ્ધતી શરૂ થયેલ જણાય છે. દરેકની લાયકાત કે કાર્યદક્ષતા સમાન ન હોય તે કુદરતી નિયમ છે. પરંતુ લીટી ભુંસવાવાળાએ પણ પહેલી પંકતી પીપળપાન ખરંતા અને હંસતી કુંપળીયા; અમવિતી તૂમ વિતશે ધીરી બાપુડીયા યાદ રાખવાની જરૂરત છે. કેમકે કવિએ ખૂબ અનુભવે આ પંકતી તૈયાર કરી હશે આમાં કોઈક અપવાદરૂપ પણ હશે.પરંતુ જયદેવના અનુભવે એવું જણાયેલું કે જનતા તો ઠીક પરંતુ ગુનેગારો પણ બદલી બાદ અને લાંબા સમયે નિવૃતી બાદ પણ સારા પોલીસ અધિકારીઓને ખૂબજ માન સન્માન આપી પ્રેમ દર્શાવી આગતા સ્વાગત કરતા તે જયદેવને પંદર વર્ષ પછી ઉંઝા ગયો હોય કે પચ્ચીસ વર્ષ પછી પોરબંદર, જસદણ કે મૂળી ગયો હોય જનતા માન સન્માન આપતી જ હોય છે.જુઓ પ્રકરણ ૯૮ ‘પોરબંદરના અનુભવો’ પરંતુ આ માટેની શરત એ કે પોલીસ અધિકારીની કામગીરી ન્યાયપૂર્ણ અને જીવન ધોરણ બિન વિવાદસ્પદ હોવું જોઈએ.
જયદેવને પોતાના ખાતાના જ પોલીસ અધિકારીનો ખરાબ અનુભવ થયો. તપાસ કરનાર અધિકારીઓ (હવે તો જોકે ચાર્જશીટ પણ થઈ ગયા હતા છતા) જયદેવને કહ્યું ‘મારે તો સાહેબ કહે તેમ કરવાનું હોય ને? તેમ કહી હાથ ઉંચા કરી દીધા. જયદેવના ટેલીફોન ગયા પછી તો આ મહેસાણાના અધિકારીએ પોલીસ બાતમીદાર (રામોજી)ને મહેસાણાની આંગડીયા લૂંટ ખૂન કેસમાં મદદગારીમાં ફીટ કરી દીધો ! જે ગુન્હામાં તે જરાપણ સામેલ ન હતો. તે ઉપરાંત તેને આ ગૂન્હો કરવાનું આમંત્રણ મળેલ તેથી તે બાતમી ઉંઝા પોલીસને આપી આરોપીઓને પકડાવેલ જેના ઉપરથી છેલ્લા બાર વર્ષથી ખૂન લૂંટના ગુન્હાઓ જેમાં વડોદરા ડીસીબી તેમજ મકરપૂરાના બે બોરસદ આણંદ ટાઉનના બે, મકરપૂરા વડોદરાના બીજા બે, ગોધરા ટાઉન, ભરૂચ અને નડીયાદ ટાઉનના બે એ રીતેના મોટી રકમની લૂંટો સાથે ખૂનના ગુન્હા શોધાયેલા મહેસાણા ટાઉન ઉપરાંત વિજાપૂર અને વિરમગામના ગુન્હાઓ પણ શોધાયેલા આ બાતમીદાર રામોજીએ અગાઉ જયદેવને ઉંઝા ખાતે જ બનાસકાંઠાના ડીસાના ધાનાવાડા આગબાઈ માતા મંદિર ઘાડની બાતમી ખંડણી અને અપહરણના ગુન્હામાં અમદાવાદની લતીફ ગેંગના માણસોની બાતમી તેમજ બીજી દારૂ જુગારની મોટા કેસોની બાતમી આપીને પોલીસની સફળતાને ચાર ચાંદ લગાડી દીધેલા.
આથી જયદેવને ભારોભાર અફસોસ થયો કે પોલીસનો બાતમીદાર તો ખરો જ પણ અસંખ્ય ગંભીર ગુન્હાઓની બાતમીઓ આપી પોલીસને તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થયેલો પણ સમાજના દુશ્મન એવા ખૂંખાર ગુનેગારો જેલમાં ધકેલાતા કે એન્કાઉન્ટરમાં મૃત્યુ પામતા પરોક્ષ રીતે જનતાનો પણ આ વ્યકિત (બાતમીદાર રામોજી) મદદગાર કહી શકાય તેને જ એક અધિકારીની અંગત ઈચ્છા, અપેક્ષાને કારણે ખૂન જેવા ગંભીર ગૂન્હામાં ખોટી રીતે પૂરી દીધો! જોકે આ બાતમીદાર રામોજીને ટુંક સમયમાં જામીન મળી ગયેલા (પૂરાવાના અભાવે) અને બેચાર મહિનામાં કેસ ચાલ્યે નિદોર્ષ પણ છૂટી ગયો. પરંતુ હવે રામોજી પોલીસને બાતમી આપવા તો ઠીક પણ પોલીસનો પડછાયો પણ ન લે તેવી તેની હાલત કરી સમાજમાં એવું ખરાબ ઉદાહરણ આવા પોલીસ અધિકારીને કારણે ગયું કે ખાતાને ખૂબજ નુકશાન થાય. બીજુ તો ઠીક બાતમીદારને જગજાહેર કરી ખાતાની નીતિમતા અને પરંપરાનો પણ ભંગ કર્યો આથી જયદેવને ખૂબજ રંજ અને દુ:ખ થયું પણ શું થાય? સૌ હાલનું મારૂ શું ? મારે શું ? અને વ્યકિતગત અહમ અને અપેક્ષા માટે ખાતાની કોઈને પડી નથી ! ખાતુ બીચારૂ કયાં જીવંત વ્યકિત છે કે તેની નોંધ લ્યે ?(ક્રમશ:)