શહેરમાં કરણપરા વિસ્તારમાં જૂની અદાવતના કારણે કોર્પોરેશન ગાર્ડન શાખાના કર્મચારી અને તેના ભાઇ પર ભાજપના કાર્યકર પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ ધોકાથી સરા જાહેર ખૂની હુમલો કરતા સનસનાટી મચી ગઇ છે. અગાઉ અનેક વખત મારામારી સહિતના વિવાદમાં સંડોવાયેલા ભગત ગ્રુપથી જાણીતા ચાર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
કોર્પોરેશનની ગાર્ડન શાખાના કર્મચારી હુમલામાં ગંભીર રીતે ઘવાયા: ધોકાથી હુમલો કર્યાનો ચાર સામે નોંધાતો ગુનો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કરણપરા શેરી નં.6માં રહેતા અને કોર્પોરેશન ગાર્ડન શાખામાં હેડ માળી તરીકે ફરજ બજાવતાં આશિષભાઇ ચંદ્રકાંતભાઇ પંડ્યા અને તેના ભાઇ રાજેશભાઇ પંડ્યા પર રણજીત ભૂપત ચાવડીયા, મનિષ ચાવડીયા અને અમિત ઉર્ફે બપો ચાવડીયા નામના શખ્સોએ ધોકાથી હુમલો કરતા બંને ભાઇઓને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. એ-ડિવીઝન પોલીસે આશિષભાઇ પંડ્યાની ફરિયાદ પરથી રણજીત ચાવડીયા સહિત ચારેય સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
રણજીત ચાવડીયાને તેના કૌટુંબિક નરેશભાઇ સાથે મનદુ:ખ ચાલતું હોવાથી નરેશ સાથે સંબંધો અને મિત્રતા ન રાખવા અંગે રણજીત ચાવડીયા આશિષભાઇ પંડ્યાને અવાર-નવાર ધમકાવતો હોવાથી બંને વચ્ચે છેલ્લાં ત્રણેક વર્ષથી મનદુ:ખ ચાલી રહ્યું છે.
ગઇકાલ સાંજે આશિષભાઇ પંડ્યા નોકરી પરથી પોતાના ઘેર આવી રહ્યા હતા ત્યારે કરણપરા શેરી નં.9ના ખૂણા પાસે આવેલ અશોક સાયકલ સ્ટોર્સ પાસે બેઠા હતા ત્યારે રણજીત ચાવડીયાએ સામું કેમ જોવે છે તેમ કહી ગાળો દેવાનું શરૂ કર્યું હતું. આથી તેને ગાળો ન દેવા અંગે સમજાવતા રણજીત ચાવડીયાએ મોબાઇલમાં વાત કરી પોતાના પુત્ર હાર્દિકને બોલાવતાં તે મોહિત અને અમિત સાથે લાકડાના ધોકા સાથે અશોક સાયકલ સ્ટોર્સ નામની દુકાને ઘસી આવ્યા હતા. આશિષભાઇ કંઇ સમજે તે પહેલાં તેમના પર હુમલો કરતાં તેમને બચાવવા તેમના ભાઇ રાજેશભાઇ પંડ્યા વચ્ચે પડ્યા હતા ત્યારે તેમને પણ ચારેય શખ્સોએ માર માર્યો હતો. હુમલા દરમિયાન ત્રણેય શખ્સો પૈકી કોઇની લાકડી હુમલાના ગુનામાં સંડોવાયેલા મોહિતને લાગી જતાં તે પણ ઘવાયો હતો.
એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઇ. ડી.એમ. હરીપરા, રાઇટર અશ્ર્વિનભાઇ આહિર, એએસઆઇ ભરતસિંહ ગોહિલ અને એમ.વી.લુવા સહિતના સ્ટાફે આશિષભાઇ પંડ્યાની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.