આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
રાજકોટ વોર્ડ નં ૧૧
શું કહે છે ભાજપ?
વોર્ડ નંબર ૧૧ ના ભાજપના નેતાઓ જેવા કે, રાજુભાઇ બોરીચા સહિતના નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસની એક પછી એક હાર ધીમેધીમે તેને પતન તરફ લઈ જઈ રહ્યું છે. કોંગ્રેસના સ્થાપના સમયે જે મૂલ્યો હતા, જે ગાંધીજીની વિચારધારા હતી તેનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ હાલ કોંગ્રેસની બની છે. કોઈ કાર્યકરો નહીં ફક્ત નેતાઓની કોંગ્રેસ ભૂતકાળ બની જાય તે દિવસો પણ હવે દૂર નથી. કોંગ્રેસની જે પરિવારવાદનું રાજકારણ છે તે હવે પ્રજા સાંખી નહીં લે અને દરેક ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો જ પડશે. કોઈ પણ પક્ષની તાકાત તેના કાર્યકરોની સંખ્યા અને તેમનો ઉત્સાહ હોય છે ત્યારે કોંગ્રેસ પાસે કાર્યકરોના નામે કશું બચ્યું નથી. લોકોના ઘરે ઘરે પહોંચી શકે તેવા કાર્યકરોની તાકાતથી જ કોઈ પક્ષ મજબૂત બનતું હોય છે પણ કોંગ્રેસની પાસે તેવા કાર્યકરો નથી. ભાજપ બૂથ લેવલના પ્લાનિંગમાં માનનારો પક્ષ છે. જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પેજ સમિતિની રચના કરવા આહવાન કર્યું ત્યારે તેમણે સૌપ્રથમ તેમણે તેમના બૂથ પર પેજ સમિતિનું ગઠન કર્યું ત્યારબાદ તેમણે રાજ્યમાં આહવાન કર્યું. જ્યારે કોંગ્રેસ પાસે કાર્યકરો નથી તો બૂથ લેવલનું કામ થશે કેમ તે સવાલ ઉઠ્યો છે. કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ગયું છે પણ વિરોધ પક્ષની ભૂમિકા અંગે કોંગ્રેસને લગભગ જાણકારી જ નથી એટલા માટે જ કોંગ્રેસ સરખો વિરોધ પણ કરી શકતી નથી. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, રાજકોટની જ જો વાત કરવામાં આવે તો જ્યારે કોંગ્રેસ કોઈ કાર્યક્રમ કરવાનો હોય ત્યારે કોંગી કાર્યકરોની સાપેક્ષે મીડિયાકર્મીઓની સંખ્યા વધી જતી હોય છે જેને ધ્યાને રાખીને કલ્પના કરી શકાય કે, કોંગ્રેસની પરિસ્થિતિ હાલ શું હોઈ શકે. ભાજપના નેતાઓએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં હાલ જૂથવાદ સિવાય કંઈ રહ્યું નથી. કોંગ્રેસના તમામ કહેવાતા નેતાઓ સ્વતંત્ર રીતે દોડ્યા કરે છે તેમાં પક્ષ કઈ રીતે ફાવી શકે ? વોર્ડ નંબર ૧૧માં કોંગ્રેસ એવું તો શું કરે છે ભાજપ ફાવી નથી શકતું તેના જવાબમાં ભાજપના નેતાઓએ પાટીદાર અનામત આંદોલનનો હવાલો આપતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૫ આંદોલનને કારણે સરકાર વિરોધી વાતાવરણ બનતા વોર્ડમાં પાટીદાર સમાજના મતનું પ્રભુત્વ હોય ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો પણ આગામી ચૂંટણીમાં ફરીવાર ભાજપ ફાવી જશે અને કોંગ્રેસ ઘરભેગું થઈ જશે. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું હતું કે, પાંચ વર્ષમાં કોંગ્રેસે પ્રજાના કોઈ કાર્યો કર્યા જ નથી. કોંગ્રેસના કોર્પોરેટર પરેશ હરસોડા અંગે હાલમાં જ સમાચારપત્રોમાં જ અહેવાલ વહેતો થયો હતો કે, તેમની ગ્રાંટ વપરાઇ જ ન હતી તો આવા સંજોગોમાં પ્રજા કોંગ્રેસને બીજી વાર મત આપવાનો વિચાર પણ નહીં કરે.
શું કહે છે કોંગ્રેસ?
વોર્ડ નંબર ૧૧ નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસના મૂલ્યો અગાઉ જે હતા આજે પણ એ જ મૂલ્યો છે અને કોંગ્રેસનો દરેક કાર્યકરો આજે પણ તે જ મૂલ્યોને વરેલાં છે. કોંગ્રેસનો ઇતિહાસ જેવો ભવ્ય છે તેનું ભવિષ્ય પણ તેટલું જ ઉજ્જવળ છે. પરિવર્તન સંસારનો નિયમ છે. કોંગ્રેસે હાલ સતાવિમુખ થઈ છે તો ફરીવાર સતારૂઢ થાય તેવો સમય પણ પરત ફરશે. જેવી રીતે કોંગ્રેસનું પ્રદર્શન વોર્ડ નંબર ૧૧માં તમામ ભાજપના નેતાઓને ઘર ભેગી કરી દે છે તેવી જ રીતે આગામી દિવસોમાં કોંગ્રેસ ભાજપને સમગ્ર રાજ્ય અને દેશમાં ઘરભેગી કરી દેશે. કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિતે હું ચોક્કસ કહી શકું કે, આગામી મનપાની ચૂંટણી કબ્જે કરીને કોંગ્રેસ ફરીવાર એક મજબૂત સંગઠન અને શાસન સાથે કમબેક કરશે અને ત્યાંથી ભાજપની પડતી શરૂ થશે. મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં જ્યારે ભાજપ હાર ભાળશે તો સમગ્ર રાજ્યમાં ભાજપનું મનોબળ તૂટશે અને જુઠાણું ફેલાવી પ્રજાને ભ્રમિત કરનારા રાજકારણનું અંત આવશે. કોંગી નેતાઓએ કહ્યું હતું કે, ભાજપ હાલ વિકાસની વાતો કરે છે, કોંગ્રેસે શું કર્યું તેવો સવાલ કરે છે ત્યારે હું પણ ભાજપને સવાલ કરું છું કે, તેમણે આજ દિન સુધી પ્રજા હિતમાં એવા તો ક્યાં નિર્ણયો કર્યા ? ભાજપ એક પ્રજાહિતનો નિર્ણય બતાવે. ફક્ત મોટા માથાઓને રીઝવવા તઘલકી નિર્ણયો કરતી આવી છે જેમાં પ્રજા પીસાય છે. તેમણે કહ્યું હતું કે, વોર્ડ નંબર ૧૧ માં કોંગ્રેસ લહેર વર્ષ ૨૦૧૫માં હતી અને ૨૦૨૧માં પણ યથાવત જ રહેશે. ભાજપ ગમે તેટલા ફાંફા મારી લ્યે પણ અહીં તેમની કાળી દાળ બિલકુલ રંધાશે નહીં. મારી ભાજપને સલાહ છે કે, તેઓ ફરીવાર ઘરે બેસવાની તૈયારીઓ શરૂ કરી દે.
શું કહે છે પ્રજા?
વોર્ડ નંબર ૧૧ની પ્રજાએ મત રજૂ કર્યો હતો કે, કોંગ્રેસ હાલ મૃતપાય થઈ છે. જૂથવાદ, વિખવાદ અને વર્ચસ્વના જંગે કોંગ્રેસની અધોગતિ કરાવી છે. લોકો કોંગ્રેસની આવી વિચારધારાથી કંટાળી ગઇ છે. રાજકોટ શહેરની
જ જો વાત કરીયે તો ખરા અર્થમાં કોંગ્રેસનો ચહેરો કોણ ? તે અંગે હજુ સુધી અમે કોઈ સ્પષ્ટ તારણ કાઢી શકતા નથી. અમારા વોર્ડની જો અમે વાત કરીયે તો અમે વર્ષ ૨૦૧૫માં કોંગ્રેસના ચારેય ઉમેદવારોને વિજયી બનાવ્યા કારણ કે, સરકારની નીતિ અમને સુવર્ણવિરોધી લાગી. ખરા અર્થમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજયવ્યાપી મુદ્દાઓ કે દેશવ્યાપી મુદ્દાઓની સાપેક્ષે લોકલ નાના મોટા મુદાઓ જેવા કે, પાણી, વીજ, રોડ – રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતના મુદ્દે લડાતી હોય છે પણ તે સમયે સુવર્ણોને અનામત આપવાનું આંદોલન ચાલી રહ્યું હતું તે સમયે પોલીસ ફક્ત પટેલ હોવાથી દંડો ઉગામે તે બાબત યોગ્ય ન હોય તેને ધ્યાને રાખીને કોંગ્રેસને મત આપ્યો હતો. અમે જે નેતાઓને ચૂંટીને મોકલ્યા હતા તેમણે અમારા કાર્યો કરવામાં કચાસ છોડી નથી પરંતુ ભાજપ જેવા પ્રબળ નેતૃત્વના અભાવે કોંગ્રેસની દશા દુર્દશામાં પરિવર્તિત થઈ રહી છે. હાલ લોકો મોદી સરકાર અને તેમના નિર્ણયોને ધ્યાને રાખીને મતદાન કરે છે ત્યારે કોંગ્રેસ તેનું નેતૃત્વ પ્રબળ બનાવે તે જરૂરી છે. વોર્ડ નંબર ૧૧ના અમુક લોકોએ એવું પણ કહ્યું હતું કે, કોંગી નગરસેવકની ગ્રાંટ આવી એવી પરત ગઇ તેવા અહેવાલ અમે જોયા છે તે બિલકુલ યોગ્ય ગણી શકાય નહીં. અમે તેમને કાર્યો કરવા મોકલ્યા હતા નહીં કે, બાંકડા અને પિંજરાના વિતરણ માટે મોકલ્યાં હતા. હાલ વોર્ડમાં પ્રજાને કંઈપણ સમસ્યા થાય તો તેઓ કોંગી નગરસેવકની જગ્યાએ રાજુભાઇ બોરીચના કાર્યાલયે જવાનું વધુ પસંદ કરીએ છીએ.