વોર્ડ નં.૪માં જય જવાન જય કિશાન સોસાયટી પાછળનાં મફતીયાપરામાં અલગ-અલગ પ્રશ્ર્ને ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું: મ્યુનિ.કમિશનરને આવેદન અપાયું
મહાપાલિકાનાં ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયાનાં મતવિસ્તાર એવા વોર્ડ નં.૪માં આવેલી જય જવાન, જય કિશાન સોસાયટી પાછળનાં મફતીયાપરામાં સુવિધાઓનો અભાવ હોય આજે રોષે ભરાયેલા લોકો કોંગી કોર્પોરેટર રેખાબેન ગજેરાની આગેવાનીમાં કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા. મહિલાઓએ પાણી પ્રશ્ર્ને કોર્પોરેશનમાં માટલા ફોડયા હતા અને શાસકોનાં નામનાં છાજીયા લીધા હતા. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વોર્ડ નં.૪માં જય જવાન, જય કિશાન સોસાયટી પાછળનાં મફતીયાપરામાં ૪૦ વર્ષથી જે લોકો વસવાટ કરે છે તેને કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. ૩ વર્ષ પહેલા ટીપીનાં રોડ પરનાં મકાનો પાડી નાખવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી મકાન કે ભાડુ ચુકવવામાં આવ્યું ન હોય ૬૩ કુટુંબો ઝુપડામાં વસવાટ કરે છે. મફતીયાપરામાં રોડ-રસ્તાની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, ભુગર્ભ ગટરની સુવિધા નથી, શૌચાલયની સુવિધા છે પરંતુ તેમાં પાણીની કોઈ સુવિધા નથી. અંદાજે ૫૦,૦૦૦થી વધુ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્ટ્રીટલાઈટની પણ સુવિધા ન હોય આજે રોષે ભરાયેલા લોકો શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વોર્ડનાં કોંગી કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઈ ગજેરાની આગેવાનીમાં કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા. અહીં મહિલાઓએ માટલા ફોડયા હતા અને કોર્પોેરેશનનાં શાસકો તથા પદાધિકારીઓનાં નામના છાજીયા લીધા હતા. મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.