ગઢવી યુવાનને ઘરે આવવાની ના કહેતા છરીથી તૂટી પડયો: સામસામે નોંધાતો ગુનો
પાલિતાણાની સર્વોદય સોસાયટીમાં આડા સંબંધના કારણે ગઢવી યુવાનને ઘરે આવવાની ના કહેતા વિપ્ર પરિવાર પર છરીથી ખૂની હુમલો કરતા ઘવાયેલા ચારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાલિતાણાની સર્વોદય સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ શિવપ્રસાદ દવે, પુત્ર વિવેક ઉર્ફે વીકી દવે, નિહાર દવે અને કુમુદ દવે પર દિલુ કનુભાઇ લાંગાવદરા નામના ગઢવી શખ્સે છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રવિણભાઇ દવેની પુત્રી એકતા સાથે દિલુ કનુ લાંગાવદરાને આડો સંબંધ હોવાથી તેને ઘરે આવવાની ના કહેતા બોલાચાલી થતા ચારેય પર છરીથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. જ્યારે દિલુ કનુ લાંગાવદરા પર પ્રવિણભાઇ દવે, વિવેક ઉર્ફે વીકી અને નિહારે પાઇપ અને ધોકાથી હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. દિલુ લાંગાવદરાના કર્મચારીની પત્નીને ઝઘડો થતા સમજાવવા જતા હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પાલિતાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. આર.પી.ચુડાસમા સહિતના સ્ટાફે દિલુ કનુ લાંગાવદરા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.