રામનગર, કણકોટ, વાગુદડ અને જસવંત પુરની જમીનો અને રસ્તાઓ પર કેડ સમા પાણી: ખેડુતોનું કલેકટરને આવેદન

મહાનગરપાલિકાએ ન્યારી સિંચાઈ યોજના-૧ની સંગ્રહશકિત વધારવા ડેમની ઉંચાઈ વધારી હતી. જેથી રામનગર, કણકોટ, વાગુદડ અને જસવંતપુર ગામની જમીનો ડેમના પાણીમાં ડુબી ગઈ છે અને રોડ ઉપર પણ ડેમના પાણી ભરાયા છે. જે સંદર્ભે ગામના ખેડુતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.ચોમાસાની સીઝનમાં સંપૂર્ણ ડેમ ભરતા આ ડેમના સંગ્રહશકિત વિસ્તારમાં સર્વે કે સંપાદન કરેલ જમીન સિવાય રામનગર ગામની ૧૦૦ એકર, કણકોટ ગામની ૫૦ અને વાગુદડ ગામની ૧૦૦ એકર જમીન તેમજ જસવંતપુર ગામની જમીનમાં હાલ ન્યારી ડેમના પાણી ફરી વળ્યા છે અને ચાલુ ચોમાસા સીઝનમાં ડુબમાં જવાથી ખેડુતોના પાકો નિષ્ફળ ગયેલ છે. અમો મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના ઈજનેર, મ્યુ.કમિશનર સહિતનાઓને અવાર નવાર રજુઆત કરવા છતા ખેતીની જમીન સંપાદન વગર ડેમના પાણીના સંગ્રહ એરીયામાં સમાવિષ્ટ કરીને ખેડુતોને લાખો ‚પિયાનું નુકસાન પહોંચાડયું છે. જેના માટે તાત્કાલિક ન્યાય આપવા આર્થિક નુકસાની આપવા કોર્પોરેશનને વારંવાર રજુઆત કરવા છતા કોઈપણ જાતના પગલા લીધેલ નથી.ડેમ ભરાવવાથી કણકોટથી રામનગર જવાનો ગ્રામ્ય કક્ષાનો ડામર મેઈન રોડ પાણીમાં ડુબી ગયો છે. અવર-જવર બંધ થઈ છે. તેજ રીતે ખેડુતોને ખેતરમાં જવાના પણ ગાડા માર્ગો ડેમના પાણીમાં ડુબી ગયેલ છે. તેમજ રામનગરથી વાગુદડ જવાનો મેઈન રોડ ઉપર આવેલ માખીયાળો પુલ ઉપર પાણી ભરાઈ ગયા છે. જેથી અવર-જવર બંધ થઈ ગયો છે. ખેતરે બળદગાડા લઈને જવામાં પારાવાર મુશ્કેલીઓ થાય છે.હાલ ખેડુતો ડામર રોડ ઉપર જીવના જોખમે કેડસમા પાણીમાં થઈને પસાર થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.