કોથમીર, લસણ, ઈસબગુલ સહિતના પાકોમાં જોવા મળશે ઘટાડો
અપુરતા વરસાદને કારણે રવિ પાકમાં ઉપજ ઓછી આવતા ડુંગળી, કોથમીર, લસણ, ઈસબગુલ સહિતના અન્ય પાકોમાં ઘટાડો જોવા મળશે અને સાથો સાથ તેના ભાવમાં પણ વધારો જોવા મળે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં રવિ પાકને ઉપજ ખુબજ ઓછી આવી છે. જેથી ચાલુ ઉનાળાની સીઝનમાં આ તમામ પાકોના ભાવમાં વધારો પણ જોવા મળે તેવી સંભાવના સેવાઈ રહી છે.
કોથમીર પાકની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં ૫૭ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જયારે લસણમાં ૪૯ ટકાનો ઘટાડો સામે આવ્યો છે. તેવી જ રીતે ડુંગળીમાં પણ ૩૭ ટકાનો ઘટાડો ગત વર્ષની સરખામણીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષમાં ઓગસ્ટ મહિના દરમિયાન ડુંગળીનો ભાવ ૫૦ રૂપિયા કિલોને પાર કરે તો પણ નવાઈ નહીં. ત્યારે મે માસમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પાકમાં ભાવ વધારો થતાની સાથે જ સરકાર ઉપર ચિંતાના વાદળો ઘેરાયા હોવાનું સામે આવી રહ્યું છે.
તમામ રવિ પાકની ઉપજ ગુજરાત રાજયમાં ૩૧.૩૫ લાખ હેકટર જેટલી રહેતી હોય છે જે આ વખતે ઘટીને ૨૮.૩૭ લાખ હેકટર રહેવાની સંભાવના સેવાઈ રહી છે. વિશેષજ્ઞો દ્વારા મળતી માહિતી મુજબ અપુરતા વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું પણ સામે આવી રહ્યું છે. અપુરતા વરસાદને કારણે પાણીમાં પણ કટોતી જોવા મળી રહી છે. ત્યારે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ત્રણ મુખ્ય પાકોને અપુરતા વરસાદને કારણે તેના પર માઠી અસર પડશે તે વાત પણ સામે આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ હોવાના કારણે પાણી સ્તર ખુબજ નીચુ રહ્યું છે જેથી પાકને ખુબજ મોટી અસર પડી છે અને ઉપજમાં પણ ઘણો કાપ જોવા મળ્યો છે. ત્યારે સરકાર દ્વારા રવિ પાક માટે નર્મદાના પાણી ઉપયોગ કરવાની વાત કરી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે, ખરા અર્થમાં રવિ પાકના ભાવ ઉંચા જશે કે શું ? આ વર્ષે ડુંગળી રડાવશે કે કેમ?