રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 183 તાલુકાઓ થયા પાણી-પાણી છે.
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 183 તાલુકાઓમાં મેઘમહેર, જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયામાં 12 ઇંચ પડ્યો છે, જ્યારે સોનગઢ અને વ્યારામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદી પરનો ઉકાઇ ડેમ છલકાયો છે, ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ મૉડમાં રાખવામાં આવ્યુ છે.
માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સુરત જિલ્લા અને ઉપરવાસમાં વરસાદથી હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઇ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે. ખાસ વાત છે કે, સતત વરસાદ થવાના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઇ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા 1.63 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. કૉઝ-વેમાંથી તાપી નદીમાં 1.98 લાખ ક્યૂસેક પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદથી તાપી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા
બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડયુ છે. નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો
સારા વરસાદને કારણે રાજ્યના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના 9, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ થયો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ પર છે. 80 થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70 થી 80 ટકા ભરાયેલા 6 જળાશયો વોર્નિંગ પર છે.
આ સિઝનમાં ક્યાં વરસ્યો વધુ વરસાદ
છેલ્લા 4 વર્ષની તુલનામાં આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ 17.68 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ તાલુકામાં સિઝનનો સૌથી વધુ 128.68 ઈંચ વરસાદ વરસ્યો છે. તો 6 તાલુકાઓમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.