નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૮ મીટર: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૧૩૬.૫૮ મીટરે પહોંચી છે. નર્મદા ડેમનાં ૧૦ ગેટ ૧.૫ મીટર સુધી ખોલાયા છે. ડેમમાં પાણીની આવક ૧,૩૨,૪૯૮ કયુસેકની થઈ છે. જયારે કુલ જાવક ૧,૬૨,૪૭૦ કયુસેકની છે જેના પગલે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી ૧૮ ફુટે પહોંચી છે ત્યારે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશે તેવી વકી છે. હાલના તબકકે શહેરમાં કોઈ ચિંતાજનક બાબત નથી.
ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં પાણીની આવકના પગલે નર્મદા ડેમની સપાટી સતતને સતત વધી રહી છે ત્યારે નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૮ મીટરે પહોંચી છે. નર્મદા ડેમના ૧૦ ગેટ ૧.૫ મીટર સુધી ખોલીને ડેમમાંથી ૧,૬૨,૦૦૦ કયુસેક જેટલુ પાણી છોડાઈ રહ્યું છે. નર્મદાવાસીઓ પર ફરી મુસીબત આવે તેવી શકયતા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદી ૨૨ ફુટના વોર્નિંગ લેવલને પાર કરે તેવી શકયતા છે. ચોમાસાની સીઝનમાં આ બીજીવાર થયું છે જેમાં નર્મદા નદી ભયજનક સપાટી પર પહોંચી છે.
નર્મદા નદીનું લેવલ વધતા બરોડા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ૫૨ ગામને એલર્ટ કરાયા છે. નર્મદાકાંઠાના અંકલેશ્ર્વર, ભરૂચ અને વાગરા નદીનાં કાંઠાના ૨૩ ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ ખાતે ૫ ટર્બાઈન આરબીપીએચના ૬ ટર્બાઈન હાલ ચાલુ છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ ભારે વરસાદને પગલે સતત પાણીની આવક થઈ રહી છે.