ઝાલાવાડમાં શિયાળાની ઠંડક વચ્ચે થોડા દિવસ પેહલાઆવેલ ઓખી વાવાઝોડાથી વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમાં વાદળછાયા વાતવરણ સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે થોડા દિવસના ઉઘાડ બાદ ફરી હવામાના અચાનક પલ્ટો આવ્યો અને રવિવારે ફરી વાતાવરણમાં અચાનક પલટા સાથે પાટડી, ધ્રાંગધ્રા, મૂળીમાં વરસાદ પડ્યો હતો. આમ અચાનક શિયાળામાં માવઠાથી ખેડૂતના શિયાળુ પાકને નુકશાનની ભીતી સર્જાઇ છે.
જિલ્લાના પાટડી પંથકમાં શનિવારે મોડી રાત્રે અને રવિવારે બપોરે વિસાવડી, નગવાડા, વડગામ અને આદરીયાણા સહિતના ગામડાઓમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાસ વરસાદી ઝાપટાં પડતા ખેતીમાં નુકશાનની આશંકાએ ખેડૂતોનો અને રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓનો રણમાં આવવા-નવાનો રસ્તો ઠપ્પ થવાની દહેશતે જીવ તાળવે ચોંટ્યોં હતો. જ્યારે રણકાંઠામાં કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જયારે ધ્રાંગધ્રા પંથકમાં સવારથી ધીમીધારે વરસાદ પડ્યો હતો. ફરી હવામાન ના પલ્ટા સાથે ઝરમર વરસાદ સાથે વરસાદી માહોલ જણાતા કપાસ, વરીયાળી, જીરૂ, એરંડા, રાયડો, અને શાકભાજી ના પાકને નુકસાન નો ભઈ સતાવી રહયો છે .
ભર શીયાળામાં ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો છે. વાતાવરણ પલટાને લઈને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂળી પંથકમાં બે દિવસથી સમગ્ર મૂળી તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે રવીવારે સવારથી ભેજવાળા વાતવરણ બાદ મૂળીનાં ખાખરાળા, વગડીયા, માનપર સહિત આસપાસનાં વિસ્તારમાં વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી.
વાદળિયા વાતાવરણના લીધે રવિ પાકમાં અસર થવાની સંભાવના છે.ખાસ કરીને જીરુના પાકમાં ફુગજન્ય રોગ થવાની શક્યતા સેવાઈ રહી છે.જે ખેડૂતે જીરુંનું વાવતેર કર્યું હોય અને જમીનમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય તેમને સમયસર ફુગનાશક દવાનો છટકાવ કરવા સલાહ છે. બાકી એકાદ દિવસમાં વાતાવરણ સામાન્ય બની જશે તો વાંધો નહીં આવે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.