ઢેબર રોડ સ્થિત “સ્માર્ટ પાર્કિંગ” વિઝિટ બાદ મ્યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત
રાજકોટ શહેરને સ્માર્ટ બનાવવા માટે સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહ્યુ છે. શહેરમાં અલગ અલગ 25 સ્થળોએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. જેમાંનું એક સ્માર્ટ પાર્કિંગ ઢેબર રોડ, નાગરિક બેંક પાસે હાલ બની ગયેલ છે. જેની આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વિઝિટ કરી હતી.
સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ પાર્કિંગમાં સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેમાં પાર્કિંગ કરેલ વાહનોનું સ્ટેટસ ઓનલાઈન જાણી શકાશે. સ્માર્ટ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે જગ્યા છે કે નહી તેની પણ માહિતી મેળવી શકાશે. વાહન પાર્ક કરવા માટે ઓનલાઇન અને ઓફલાઈન (સ્થળ પર) પણ સ્લોટ બુક કરી શકશે. વાહન પાર્ક કરવા માટેનો ચાર્જ પાર્કિંગ પોલીસી મુજબ ઓનલાઈન અને ઓફલાઈન પે કરી શકાશે. ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, અન્ય થર્ડ પાર્ટી દ્વારા પણ ઓનલાઈન ચાર્જ ભરી શકાશે.
સ્માર્ટ પાર્કિંગ ખાતે એલ.ઇ.ડી. સ્ક્રીન રાખવામાં આવશે તેના પરથી પણ સ્માર્ટ પાર્કિંગમાં જગ્યા છે કે નહી તે જાણી શકાશે. રાજકોટ શહેરને સ્માર્ટ, સુંદર અને રળિયામણું બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સુવિધાથીઓનો ઉપયોગ કરી શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટેની કામગીરી તરફ આગળ ધપી રહ્યું છે.
મ્યુનિ. કમિશનરની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, રાજકોટ રાજપથ લી.ના જનરલ મેનેજર જયેશ કુકડિયા, ડાયરેક્ટર આઈ.ટી. સંજય ગોહીલ, આસી. મેનેજર વત્સલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.