કાલાવડ શહેરમાં ગઈકાલે સવારે પાંચેક વાગ્યે છવાયેલા ધુમ્મસ વચ્ચે દોડી જતી એક મોટર આગળ એક જનાવર સાથે અથડાઈ પડતા પલ્ટી મારી ગઈ હતી તેમાં રહેલા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ચાલકને ઈજા થઈ છે. ઉપરાંત દિ. પ્લોટમાં એક વિદ્યાર્થીનીને મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો છે અને સત્યસાઈ સ્કૂલ પાસે એક તબીબને સ્કૂટરે ઠોકર મારી ઈજા પહોંચાડી છે.
કાલાવડમાં કૈલાશનગરમાં રહેતા દુષ્યંતસિંહ અનિરૃદ્ધસિંહ જાડેજા તથા શિવભદ્રસિંહ ઈન્દ્રસિંહ જાડેજા ગઈકાલે વહેલી સવારે જીજે–૧૦–સીએન ૫૦૭૪ નંબરની અલ્ટો મોટરમાં કાલાવડથી રાજકોટ તરફના રોડ પર જતાં હતા ત્યારે સેફરોન સ્કૂલ પાસે છવાયેલી ઝાકળના કારણે આગળ જતું કોઈ જનાવર મોટરના ચાલક દુષ્યંતસિંહને દ્રષ્ટિમાં નહીં આવતા મોટર તેની સાથે અથડાઈ પડી હતી જેના કારણે ચાલકના કાબૂ બહાર ગયેલું આ વાહન રોડની સાઈડમાં પલ્ટી મારી ગયું હતું. આ વેળાએ બાજુમાં બેસેલા શિવભદ્રસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેઓનું સારવાર કારગત નિવડે તે પહેલા મૃત્યુ થયું છે.
અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો તેમજ ઈજાગ્રસ્ત, મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે. જ્યારે કાલાવડના ભંગડા ગામના ચંદ્રસિંહ પથુભા જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્યંતસિંહ જાડેજા સામે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ–૪૯માં રહેતા કીર્તિબેન ભનજીભાઈ રાઠોડ ગઈકાલે બપોરે પોતાના ઘરેથી કોમ્પ્યુટર કલાસે જવા માટે નીકળ્યા ત્યારે દિ. પ્લોટ–પ૮માં તેણીને ૯૬૪૦ નંબરની એક મોટરે ઠોકર મારી ફંગોળતા કીર્તિબેનને ફ્રેકચર સહિતની ઈજા થઈ છે. પોલીસે તેણીની ફરિયાદ પરથી નાસી છૂટેલા મોટરચાલક સામે ગુન્હો નોંધી તેની શોધ શરૃ કરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ડો. ધારાબેન શૈલેષભાઈ ઉનડકટ ગઈકાલે રાત્રે સત્યસાઈ સ્કૂલથી શરૃ સેકશન તરફ જવાના માર્ગ પરથી સ્કૂટર પર જતાં હતા ત્યારે પાછળથી પૂરઝડપે ધસી આવેલા જીજે–૧૦–બીએ ૩૦૪૯ નંબરના અન્ય સ્કૂટરે તેઓને ઠોકર મારતા ડોકટરને ઈજા થઈ છે. પોલીસે તેણીની ફરિયાદ પરથી સ્કૂટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.