સ્ટેટ અને સેન્ટ્રલથી એસ.ટી.ની ટેક્ષ લેવાની પળોજળમાં વેપારીઓનો મરો: ૩-બી રિટર્ન ભરવાની છેલ્લી તા.૨૦ માર્ચ છતાં હજુ પોર્ટલ પર નોટિફીકેશનના ફેરફારો અપડેટ ન થતાં વેપારીઓ અને વકીલો દ્વિધામાં: વ્યાપક નાણાભીડ વચ્ચે આંતર રાજય વેપાર કઈ રીતે કરવો ? વેપારીઓની મુંઝવણ
જીએસટીના તાજેતરમાં બહાર પડેલા નવા નોટિફીકેશનમાં ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ આ ફેરફારો હજુ પોર્ટલ ઉપર થયા નથી. આ ફેરફારોના કારણે સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીની ટેકસ લેવાની પળોજણમાં વેપારીઓનો મરો થયો છે અને ભારે દેકારો મચી ગયો છે.
આ અંગેની જીએસટીના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીમાં ભરવાપાત્ર વેરો સરભર કર્યા બાદ વધતો વેરો આઈજીએસટીમાંથી સરભર કરવાનો થતો હતો. નવા નોટિફીકેશન મુજબ હવે ભરવાનો થતો એસકેસીજીએસટીનો વેરો આઈજીએસટી સામે સરભર થશે. ત્યારબાદ સી અને બાદમાં એસજીએસટીમાં લેવાનો થશે. જેથી આંતર રાજય ખરીદ-વેંચાણ કરતા વેપારીઓને પારાવાર મુશ્કેલીઓ પડશે.વેપારીની એસ અથવા સીજીએસટીની ક્રેડીટ જમા રહેશે. અથવા એસ તથા સી જીએસટીમાં વેરો ભરવાનો થશે. એટલે ક્રેડીટ જમા હોવા છતાં વેપારીઓએ વેરો ભરવાનો થશે.
હાલની વ્યાપક નાણા ભીડમાં વેપારીઓને આંતર રાજય વેપાર કરવો કે નહીં તેની સામે હાલ મોટો પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જીએસટીના નવા નોટિફીકેશનના ફેરફારો હજુ પણ પોર્ટલ પર થયા નથી અને ૩-બી રીટર્ન ભરવાના દિવસો એકદમ નજીક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૩-બી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૨૦ માર્ચ છે. આથી વેપારી તથા વકીલ આલમમાં ભારે દ્વિધાની લાગણી છવાઈ છે. જો જૂની સીસ્ટમ પ્રમાણે રીટર્ન ભરે તો ભવિષ્યમાં જે વેરો ભરવાની પરિસ્થિતિ આવે તો તેના માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ને ઉઠયો છે અને વેરો ન ભરે તો વેપારીએ વ્યાજ અને દંડ પણ ભરવા પડશે. આમ ફરી એકવાર સરકારના નોટિફીકેશન અને પોર્ટલ ઉપર વિરોધાભાસ સર્જાયો છે. જેથી વેપારી આલમને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે અને આ પ્રશ્ને ભારે દેકારો સર્જાયો છે.