“ખાટલે મોટી ખોટ !”
વર્ગ ખંડોની તંગીને લઈને સરકાર ચિંતીત: સૌરાષ્ટ્ર-કચ્છની ૧૪૯૦ શાળાઓમાં ૩૫૧૨ વર્ગ ખંડોની તંગી
એકબાજુ સરકાર શાળાઓમાં અદ્યતન ટેકનોલોજી વિકસાવવાની વાત કરે છે તો બીજી બાજુ શાળાઓમાં બાળકોને પુરતા ઓરડાઓ પણ નશીબમાં નથી. ગુજરાત સરકારે મંગળવારે એસેમ્બલીને જણાવ્યું હતું કે, રાજ્યની ૬૭૭૬ સરકારી શાળાઓમાં ૧૭૩૫૦ વર્ગ ખંડોની તંગી જોવા મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા એક પ્રશ્ર્નનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, વર્ગ ખંડોની તંગીને પહોંચી વળવા માટે નવા ૫૦૦૦ વર્ગ ખંડોની રચના તબકકાવાર કરવા માટે રૂા.૪૫૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે ધારાસભ્ય પુંજાભાઈ વંશે નવા વર્ગ ખંડ માટે વધુ રૂપિયાની ફાળવણીની માંગ કરી છે. કેમ કે, નવા કલાસરૂમોના બાંધકામમાં ૩ ગણો વધારે ખર્ચ થાય તેમ છે.
મળતી માહિતી મુજબ સરકારે રજૂ કરેલા આંકડામાં દાહોદ જિલ્લામાં ૭૨૦ શાળાઓમાં ૨૦૮૨ વર્ગ ખંડની તંગી છે ત્યારબાદ બનાસકાંઠામાં ૪૧૦ શાળાઓમાં ૧૦૭૧ વર્ગખંડની તંગી છે. ગાંધીનગરમાં ૧૦૪ શાળાઓમાં ૨૫૯ વર્ગ ખંડોની તંગી છે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો ૧૪૯૦ શાળાઓમાં ૩૫૧૨ વર્ગ ખંડની તંગી હોય તેવું જાણવા મળી રહ્યું છે.
શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શાળાઓમાં બે વર્ગોના વિધાર્થીઓને સાથે મળીને બેસાડવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં ૧૭૩૫૦ કલાસરૂમોની તંગી હોય સરકારે આ બાબતે તાત્કાલીક ધ્યાન આપવાની આવશ્યકતા છે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર વર્ગખંડોની તંગી વિશે ચિંતીત છે અને પ્રારંભમાં જ વર્ગ ખંડ બનાવવા માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે અને આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ થાય તે માટે સરકાર કાર્ય કરી રહી છે.