રાજકોટ સિટી ગોડાઉન તથા તરઘડીનાં ગોડાઉનની વિઝીટ કરી હાજર સ્ટોક લેવડાવાતા ફફડાટ
અન્ન અને નાગરિક પુરવઠા નિગમના રાજકોટ સ્થિત ગોડાઉનોમાં લોલંમલોલ ચાલતી હોવાના ગોડાઉન મેનેજર સ્ફોટક રિપોર્ટ બાદ આજે જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા ઈન્સ્પેકટરોની ટીમે સિટી અને તરઘડી ગોડાઉનની સરપ્રાઈઝ વિઝીટ કરી ફીઝીકલ સ્ટોક લેવાનું શરૂ કરતા લાંચીયા ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ ધણીધોરી વિનાના રાજકોટ જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં કરોડો રૂપિયાનો ઘઉં, ચોખા, ખાંડ સહિતનો જથ્થો પડયો હોવા છતાં તંત્ર દ્વારા બારીકાઈ રાખવામાં ન આવતા લાંચીયા ભ્રષ્ટાચારી કર્મચારીઓ દ્વારા પરવાનેદારો અને ખુલ્લા બજારના વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી ગરીબોના હિસ્સાનો જથ્થો બારોબાર વેંચી મારવામાં આવતા હોવાની વર્ષોથી મોડસ ઓપરેન્ડી ચાલે છે તેવામાં રાજકોટ પુરવઠા નિગમમાં નવા મેનેજર આવતા જ ફિઝીકલ સ્ટોક મેળવતા ઘઉંની ૨૩૦ ગુણીની ઘટ આવી હતી.
વધુમાં આ મામલે ગાંધીનગર સુધી રિપોર્ટ થયા બાદ આજે અચાનક જ જિલ્લા પુરવઠા અધિકારી જોશી, પુરવઠા નિરીક્ષક પરસાણીયા, રાદડીયા અને ઝાલા સહિતની ટીમ નિગમના સિટી ગોડાઉન તેમજ તરઘડી ગોડાઉનની મુલાકાતે દોડી ગઈ હતી અને ગુણીએ ગુણીનો હિસાબ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૧૫ દિવસ પૂર્વે ૨૩૦ ગુણીની ઘટ બાદ બીજા જ દિવસે ગોડાઉનના કર્તાહર્તાઓ દ્વારા જાદૂગરી કરી સ્ટોક યોગ્ય હોવાનો રિપોર્ટ પણ આપી દીધો હતો પરંતુ આમ તાં પુરવઠા અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાતા નવાજૂનીના એંધાણ મળી રહ્યાં છે