- વિશ્વનું સૌથી મોટું એન્ટી ડ્રગ્સ ઓપરેશન
- છ અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશનના અંતે કોલંબિયન નાર્કોટિક્સ બ્યુરોની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓએ 128 ટન મારીજુઆના અને 225 ટન કોકેઈન સહિત 1400 ટન ડ્રગ્સ ઝડપ્યું
વિશ્વના ડ્રગ્સ ઝડપવાના સૌથી મોટા ઓપરેશનમાં કોલંબિયાની આગેવાનીમાં કરાયેલા ઓપરેશનમાં 1400 ટન ડ્રગ્સ ઝડપી લેવાયું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 85 અબજ ડોલર (લગભગ રૂપિયા 7.14 લાખ કરોડ) છે. 6 અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશનના અંતે કોલંબિયન નાર્કોટિક્સ બ્યુરોની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓએ 128 ટન મારીજુઆના અને 225 ટન કોકેઈન સહિત 1400 ટન ડ્રગ્સ ઝડપ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે 400 કરતાં વધારે લોકોની ધરપકડ પણ કરાઈ છે. કોલંબિયન સત્તાવાળાઓએ કોકેઈન અને મારીજુઆના સિવાય બીજાં ક્યાં ડ્રગ્સ ઝડપાયાં તેની વિગતો આપી નથી. પરંતુ કોકેઈન કરતાં પણ મોંઘા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું તેમણે સ્વીકાર્યું છે. આ ડ્રગ્સ છ સેમી સબમર્સિબલ વેસલ્સમાં ભરીને દક્ષિણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયા લઈ જવાતું હતું. કોલંબિયાના પેસિફિક દરિયાકાંઠે આવેલા બંદર શહેર તુમાકોથી આ બોટ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ત્યારથી તેના પર સત્તાવાળાઓની નજર હતી. પહેલી ઓક્ટોબરથી 14મી નવેમ્બર સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન પકડાયેલા ડ્રગ્સની કિંમત ગણવામાં જ 15 દિવસનો સમય લાગી ગયો છે. ‘ઓપરેશન ઓરિયન’ નામના 6 અઠવાડિયાના ઓપરેશન માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સ્પેન, નેધરલેન્ડ, સહિતના દેશોએ હાથ મિલાવ્યા હતા. આ દેશોનાં હેલિકોપ્ટર્સ, ફાઈટર પ્લેન અને ફ્રીગેટ્સને કામે લગાડાઈ હતી. કોલંબિયન નૌકાદળના અધિકારીઓના જણાવ્યાનુસાર, કોલંબિયાથી ડ્રગ્સની હેરાફેરી કરનારા સામાન્ય રીતે કાર્ગો જહાજોમાં છૂપાવીને 50 કિલોગ્રામ સુધી કોકેઈન ઓસ્ટ્રેલિયા મોકલવાની હિંમત કરે છે. આ વખતે તેમણે જંગી પ્રમાણમાં કોકોઈન મોકલ્યું કેમ કે તેમણે નવો રૂટ વિકસાવ્યો હતો. કાર્ગો જહાજના બદલે તેમણે સબમર્સિબલ વેસલ્સનો ઉપયોગ કર્યો. સામાન્ય રીતે દરિયામાં સબમર્સિબલ વેસલ્સની તપાસ નથી થતી કેમ કે એ બહુ ધીમાં ચાલે છે તેથી અપરાધ માટે તેમનો ઉપયોગ નથી કરાતો.
ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલાં સબમર્સિબલ વેસલ્સ અત્યંત અત્યાધુનિક છે અને વધારે બળતણની જરૂર નથી પડતી. એક વાર ફ્યુઅલ ભરો પછી રિફ્યુઅલિંગ વિના 10,000 માઇલ (લગભગ 16,500 કિમી) સુધી મુસાફરી કરી શકે છે. ડ્રગ્સ માફિયાઓએ સેમી સબમર્સિબલ્સની ડિઝાઇનમાં સુધારો કરીને વધારાની ફ્યુઅલ કેપેસિટી આપી હતી.
ઓપરેશન ઓરિયનમાં 62 દેશો સામેલ
ડ્રગ્સની વૈશ્વિક બજારમાં અલગ અલગ કિંમતો હોય છે તેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત વિશે અલગ અલગ અહેવાલો છે. પરંતુ કોલંબિયન સત્તાવાળાઓએ ડ્રગ્સની કિંમત 85 અબજ ડોલર હોવાની વાતને સમર્થન આપ્યું છે. ખુદ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું કે, ’કોલંબિયા દ્વારા ઈતિહાસમાં કોકેઈનનો આ સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. ઓસ્ટ્રેલિયામાં એક કિલોગ્રામ કોકેઈન 2.40 લાખ ડોલર (લગભગ રૂપિયા 20 કરોડ) સુધીના ભાવે વેચાય છે. અમેરિકામાં કોકેઈનની કિંમત કરતાં ઓસ્ટ્રેલિયામાં કોકેઈનની કિંમત ત્રણથી છ ગણી વધારે છે. હોલિવૂડની થ્રીલરમાં જોવા મળે એવા ઓપરેશન ઓરિયનમાં 62 દેશો સામેલ થયા હતા અને ગુપ્તચર માહિતીની આપલે કરી હતી. છ અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશન ઓરિયનમાં ડ્રગ્સ લઈને 6 કોલંબિયન સબ મર્સિબલ વેસલ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયાં ત્યારથી તેમના પર નજર રખાઈ હતી. ડ્રગ્સ માફિયા ચાલાકી વાપરીને ડ્રગ્સની હેરાફેરી માટે વપરાતા પરંપરાગત રૂટથી અલગ રૂટ પર ડ્રગ્સ લઈ જઈ રહ્યા હતા. પરંતુ નેવી અને એરફોર્સનાં વિમાનીનો મદદથી તેમના પર સતત નજર રાખીને છેવટે મધદરિયે તેમને ઝડપી લેવાયાં હતાં.