નશાની લત વ્યક્તિને નહીં સમાજને દિશાહિન બનાવી દે છે. આધુનિક જીવન શૈલી અને પશ્ર્ચિમી અનુકરણના અવળા પરિણામોના પરિપાકરૂપે દેશની યુવા પેઢી નશાની ચુંગાલમાં ફંસાઇને દિશા વિહીન બની રહી છે. જાતજાતના નશાના કારણે દેશનું ભવિષ્ય કંઇ તરફ જઇ રહ્યું છે તે કેવું મુશ્કેલ બની ગયું છે. આજે સમાજમાં વ્યાપક પ્રમાણમાં યુવાવર્ગ નશાની ઝપટે ચડી ચુક્યું છે. જો યુવાધનને સાચી દિશા તરફ વાળવામાં નહીં આવે તો આવનારી પેઢી સંપૂર્ણપણે નશાને કારણે જ બરબાદ થઇ જશે.
સામાજીક બદી સામે અનેકવાર સામાજીક જાગૃતિ અને નશીલા પદાર્થોના ઉત્પાદન, વેંચાણ અને વિનીમયને કાબૂમાં લેવા માટે પ્રયાસો થયા પરંતુ કેટલીક વિપરીત પરિસ્થિતિને લઇને સમાજને સંપૂર્ણપણે નશાયુક્ત મુક્ત કરી શકાતું નથી. માનવ જાત માટે ભારે ભયંકર આફતરૂપ બની રહેલી વ્યસનની લત જ્યારે અતિરેકમાં બદલાઇ જાય ત્યારે કેફી દ્રવ્યોની નશાખોરીનો ખૂબ જ કરૂણ અંજામ આવે છે.
આજે સમગ્ર વિશ્ર્વમાં તમામ સરકારો માટે કેફી દ્રવ્યોનો કારોબાર સામાજીકની સાથેસાથે રાજદ્વારી અને સુરક્ષાની દ્રષ્ટિએ મોટો પડકાર બની ચુક્યો છે. વિશ્ર્વસ્તરે જોવા જઇએ તો સરકારની સમાંતર ડ્રગ માફીયાઓનો કારોબાર ફાલ્યો ફૂલ્યો છે. ભારતમાં સૌથી નશાકારક સામાજીક બદી માટે પંજાબ વગોવાઇ રહ્યું છે. ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં નશાની બદીનું વરરૂ ચિત્રાંકન થયું છે. સરહદીય રાજ્ય અને જીંદા દિલ યુવા પેઢી ધરાવતાં પંજાબમાં નશો ઘેરઘેર પહોંચી ચુક્યો છે. હવે આ પરિસ્થિતીનું મંડાણ ગુજરાત જેવા સંસ્કૃત રાજ્યમાં પણ ધીરેધીરે આકાર લઇ રહ્યું છે.
અગાઉ અફીણના કસુંબા, કાલાનું પાણીના નશાની જગ્યાએ દેશી-વિદેશી શરાબ અને હવે હેરોઇન, બ્રાઉન સુગર, મેન્ડ્રેસ જેવા આઘાત પદાર્થોનું સેવન કરવાનું સામાન્ય બની રહ્યું છે. આ એવા પ્રકારના નશા છે કે જે એકવાર લાગૂ પડી જાય પછી મૃત્યુ સુધી પીછો છોડતા નથી. નશો સામાન્ય રીતે મનોરંજન અને આનંદના અનુભવના અખતરા અને દેખાદેખીથી શરૂ થાય છે. પછી નશાને મગજ હજમ કરી લે છે.
મગજના જ્ઞાનતંતુઓ, શિથીલ થવા લાગતા નશાનું પ્રમાણ વધારવું પડે છે. દારૂ પીનારને દારૂની અસર ન થાય પછી તે ડ્રગ્સના રવાડે ચડી જાય છે. નશાની આ લત દેશની ભાવિ પેઢીની દિશા અને દશા બદલી નાખશે. યુવા પેઢીની સાવચેતી માટે કાયદા અને આકરા બંદોબસ્તના બદલે સામાજીક જાગૃતિ,પારીવારિક દરકાર અને યુવાનોમાં સાચી સમજણના બીજ રોપાઇ તો જ વધતી જતી નશાની બદીને અટકાવી શકાય. જો નશીલા પદાર્થોના વપરાશને અંકુશમાં નહિં લેવાય તો ભાવિ પેઢીની દશા અને દિશા બદલાઇ જશે.