રાજકોટ પ્રાંત અને પડધરી મામલતદાર ટીમની કાર્યવાહી: ચૂસ્ત પોલિસ બંદોબસ્ત સાથે કરાયું ડિમોલીશન
કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ ફાળવવામાં આવી છે. તેના અનુસંધાને પડધરી તાલુકાના ખંઢેરી ગામના લોકો દ્વારા જે જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણને હટાવવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.આ કાર્યવાહીમાં રાજકોટ મદદનીશ કલેકટર, પડધરી મામલતદારને સાથે રાખીને ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સરકારી ખરાબાની આ જગ્યામાં સ્થાનિકો દ્વારા ગુલાબ, ગલગોટા સહિતના ફૂલોનો ઉછેર કરવામાં આવતો હતો. અગાઉ આ જગ્યા ખાલી કરી આપવા માટે દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી.
નોટીસનો સમયગાળો પૂર્ણ થતાં તંત્રએ આ જગ્યાનો કબજો મેળવવા બગીચાઓ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ સ્થળે ઉછેરવામાં આવેલા નાના મોટા વૃક્ષો પણ બુલડોઝરની મદદથી ઉખેડી નાખવામાં આવ્યા હતા. એક બાજુ સરકાર વૃક્ષો વાવવાનું અભિયાન કરોડો રૂપિયાનું આંધણ કરીને ચલાવે છે ત્યારે બીજી બાજુ લીલાછમ વૃક્ષોનું નિકંદન નીકળતા પર્યાવરણ પ્રેમીઓમાં કચવાટની લાગણી પ્રવર્તી રહી છે. તંત્ર દ્વારા આ વૃક્ષોને મૂળમાંથી ઉખેડીને અન્યત્ર વાવવમાં આવ્યા હોત તો કમસે કમ એઇમ્સનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધીમાં ઘણા વૃક્ષો ઉજરીને પ્રાણવાયુ આપતા થઈ ગયા હોત એવું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે. જો કે એઇમ્સના પરિસરમાં આ ચોમાસથી જ પ્રિપ્લાન કરીને સઘન વૃક્ષારોપણ કરવામાં આવે તો આ વિસ્તારની હરિયાળી જળવાય રહે અને હોસ્પિટલ બની રહ્યા બાદ આખું પરિસર વૃક્ષાછાદિત્ત બને એવું આયોજન પર્યાવર્ણવાદીઓ ઈચ્છી રહ્યા છે.