- ‘ઉડતા ગુજરાત’ બનાવવાનો હીન પ્રયાસ
- જખૌ પાસેથી રૂ. 4.50 કરોડની કિંમતના વધુ 10 ચરસના પેકેટ ઝડપાયા : દ્વારકા અને કચ્છની દરિયાઈ પટ્ટીમાંથી સતત ઝડપાતો નશીલો પદાર્થ
ગુજરાતને ’ઉડતા ગુજરાત’ બનાવવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયાં હોય તેવા અહેવાલો સતત સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને 1600 કિમી લાંબા દરિયાકાંઠાની કુદરતની ભેંટનો ગેરફાયદો ઉઠાવવા ડ્રગ્સ માફિયાઓ રઘવાયા થયાં હોય તેમ સતત દરિયાઈ વિસ્તારમાંથી નશીલો પદાર્થ ઝડપાઈ રહ્યો છે. અગાઉ કચ્છના ખારીરોહર ગામેથી રૂ. 800 કરોડની કિંમતનો કોકેનનો જથ્થો ઝડપાયા બાદ છેલ્લા સાત દિવસમાં કચ્છ અને દ્વારકામાંથી રૂ. 161 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. દરમિયાન વધુ એકવાર જખૌ ખાતેથી રૂ. 4.50 કરોડની કિંમતનો ચરસ પકડી પાડવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ડ્રગ્સનો કાળો કારોબાર કરાતો હોય તેવા અહેવાલો અનેકવાર સામે આવી ચુક્યા છે. ત્યારે ડ્રગ્સ માફીયાઓના કાવતરાને નિષ્ફ્ળ બનાવવા સ્થાનિક પોલીસથી માંડી કોસ્ટગાર્ડ, એટીએસ સહીતની એજન્સીઓ પણ સતર્ક હોય ડ્રગ્સનો મોટો જથ્થો છાસવારે ઝડપી લેવામાં આવતો હોય છે. થોડો સમય પૂર્વે કચ્છના ખારી રોહર ગામે ઝાડી-ઝાખરામાંથી રૂ. 800 કરોડનો કોકેનના 80 પેકેટ મળી આવ્યા બાદ એટીએસએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા વધુ 130 કરોડની કિંમતનો કોકેનનો જથ્થો ખારીરોહર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ દ્વારકાના મોજપ ગામેથી બિનવારસી રૂ.11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું હતું. 21 કિલો ચરસ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ગત શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી 16 કરોડ રૂપિયાની કિંમતના ઉચ્ચ ગુણવત્તાવાળા અફઘાની ચરસ (હશીશ) (અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવતી જીવંત ભાંગથી બનાવેલ) જપ્ત કર્યા હતા.
જે બાદ ફરી એકવાર કચ્છમાં બિનવારસુ માદક પદાર્થનાં પેકેટ મળી આવ્યો છે. કડુલી-પિંગલેશ્વર વચ્ચે દરિયાકિનારેથી 10 ચરસનાં પેકેટ મળ્યાં બાદ ફરી આવાં જ નવ પેકેટ સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી જખૌ મરીન પોલીસને મળ્યા છે અને આ ચરસ પણ પેકેટ પ્રમાણે કડુલી પાસેથી મળેલા ચરસના જથ્થા જેવું જ પ્રથમ શ્રેણીનું હોવાથી તેની કિં. રૂ. 4.50 કરોડ હોવાની સંભાવના દર્શાવાઇ છે.દ્વારકા પાસે પણ આવા જ પેકેટસ મળી રહ્યાં છે. આમ, આ એક જ જથ્થો હોવાની પૂરી સંભાવના છે. મંગળવારે જખૌ મરીન પોલીસ અને એસઆરડીના સભ્યો પેટ્રોલિંગમાં હતા ત્યારે સૈયદ સુલેમાનપીર ટાપુ પર દરિયાકાંઠે વિખરાયેલી હાલતમાં માદક પદાર્થના નવ પેકેટ મળ્યાં હતાં. એક પેકેટ આશરે એક કિલોગ્રામનો છે. આ માદક પદાર્થ ક્યા પ્રકારનો છે તેનું પૃથક્કરણ કરવાનું બાકી છે, પરંતુ મળેલા આ પેકેટ થોડા દિવસ પૂર્વે કડુલી પાસેથી મળેલા ચરસ જેવા પેકિંગવાળા છે. આમ, આ જથ્થો પણ તેમાંનો જ હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે.
કોઠારા પોલીસે એફ.એસ.એલ. કરાવતાં તે જથ્થો અફઘાની ચરસ પ્રથમ શ્રેણીનું ખુલ્યું હતું અને તેની એક કિલોની આંતરરાષ્ટ્રીય બજાર કિં. રૂ. 50 લાખ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા બાજુ પણ થોડા દિવસ પૂર્વે અને બે દિવસ પહેલાંય આવા જ મોંઘેરા ચરસનાં પેકેટ દરિયાકિનારે આ રીતે મળ્યાં હતાં. આમ અરબસાગરમાં ઠલવાયેલા આ માદક પદાર્થના પેકેટ દરિયાનાં મોજાં સાથે તરીને અલગ-અલગ કાંઠે આ રીતે મળી રહ્યાની શક્યતા સામે આવી રહી છે. આ માદક પદાર્થની હેરાફેરીએ અરબસાગરમાં ફરી માથું ઊંચક્યાનું સામે આવ્યું છે અને આવનારા દિવસોમાં વધુ જથ્થો મળવાની પણ સંભાવના જોવાઇ રહી છે.
ડ્રગ્સ પકડવા મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની પીઠ થાબડી
ગુજરાતમાંથી ડ્રગ્સ પકડવા મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને શાબાશી આપી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન આપ્યા છે. સાથે જ કહ્યુ કે, યુવાનો સુધી ડ્રગ્સ ન પહોંચે તે માટે પોલીસ રાત દિવસ કામ કરે છે. ડ્રગ્સ નાબૂદ ન થાય ત્યાં સુધી પોલીસની ઝૂંબેશ ચાલુ રહેશે. ગુજરાત પોલીસ અને એટીએસને વિશેષ અભિનંદન પાઠવું છું. શહેર અને જિલ્લાઓમાં આ દુષણ અટકાવીએ નહીં ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.
દ્વારકામાંથી 27 કરોડની કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો
દ્વારકામાંથી સતત ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે. દ્વારકા પાસેના મોજપ ગામેથી ફરી બિનવારસી ચરસ મળ્યું હતું. રૂ.11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું હતું. 21 કિલો ચરસ બિનવારસી હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. બિનવારસી ચરસ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી બાજુ 4 દિવસમાં દ્વારકાના દરિયા કિનારેથી કરોડોનું ચરસ મળ્યું છે. ચરસના બિનવારસી જથ્થા મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે અને દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા છે.ગુજરાત પોલીસે શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી 16 કરોડ રૂપિયાની કિંમતના ઉચ્ચ ગુણવત્તાવાળા અફઘાની ચરસ (હશીશ) (અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવતી જીવંત ભાંગથી બનાવેલ) જપ્ત કર્યા હતા.
ખારીરોહરથી રૂ. 800 કરોડના કોકેઈન બાદ વધુ 130 કરોડનો નશીલો પદાર્થ ઝડપાયો’તો
ગાંધીધામ નજીક ખારીરોહરથી એટીએસ અને પોલીસની સંયુક્ત ટીમે અંદાજિત રૂ. 130 કરોડનો કોકેઈનનો જથ્થો ગત તા. 4 જુનના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક કંડલાથી ખારીરોહર બાજુ આવતાં માર્ગની ડાબી બાજુએ આવેલી બાવળની ઝાડીમાંથી ગુજરાત એટીએસની ટીમે કોકેઈનના 13 પેકેટ ઝડપી પાડયા હતા. આ માદક પદાર્થની આંતર રાષ્ટ્રીય બજારમાં 130 કરોડની કિંમત હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ મીઠીરોહર પછવાડે દરિયાની ખાડીમાંથી મળી આવેલા અને ગઈકાલે મળી આવેલા પેકેટમાં સમાનતા જોવા મળી હતી. બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજ્યની એટીએસની ટીમ સોમવાર રાતથી જ કચ્છમાં આવી ગઈ હતી. આ ટીમએ રાતથી અહીં ધામા નાખ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. એટીએસની ટીમએ શોધખોળ કર્યા બાદ કંડલાથી ખારીરોહર બાજુ જતાં માર્ગ પર ક્રિકેટ મેદાનની પાછળ માર્ગની ડાબી બાજુએ આવેલા બાવળની ઝાડીમાં તપાસ હાથ ધરી હતી. અહીં બાવળની ઝાડીમાં જુદી-જુદી જગ્યાએ ફેંકી દેવાયેલા 13 પેકેટ મળી આવ્યા હતા. પ્લાસ્ટિકના પેકિંગમાં મળેલા આ પેકેટ તથા અગાઉ મીઠીરોહર પછવાડે દરિયાની ખાડીમાંથી મળેલા 800 કરોડની કિંમતના કોકેઇનના 80 પેકેટમાં સમાનતા જોવા મળી હતી.