ડીઝલ પૂરું થતા જહાંજ મુંબઈને બદલે અલંગ ઉતારવાનો હોવાનો ઘટસ્ફોટ
પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા ૪૨૦૦ કરોડના ડ્રગ્સ મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ કેસમાં દેશની ૭ એજન્સીઓ તપાસમાં લાગી છે. પુછપરછ દરમિયાન ઘટસ્ફોટ થયો છે કે, ઈજીપ્તથી નીકળેલું જહાંજ પાકિસ્તાનના બલુચીસ્તાન પ્રાંતમાં આવેલા ગ્વાદર બંદરેથી ડ્રગ્સ ભરીને મુંબઈ જવાનું હતું. પરંતુ રસ્તામાં ડિઝલ ખૂટી જતાં તેને અલંગ લાંગરવાની મજબૂરી ઉભી થઈ હતી.
તપાસનીશ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જહાંજના કેપ્ટન સુપ્રીત તિવારીને મુંબઈ પહોંચવા જેટલું ડિઝલ ન હોવાનો ખ્યાલ આવતા ઉત્તરપ્રદેશના બીજનોરના વિશાલ યાદવનો સંપર્ક કર્યો હતો. વિશાલ યાદવે ડોંગરીના ઈરફાન શેખ અને સુપ્રીતનો સંપર્ક કરાવ્યો હતો. જેમાં શેખે સુપ્રીતને અલંગ જહાંજ લાદવા કહ્યું હતું. ત્યાંથી રાત્રીના સમયે શેખ જહાંજને મુંબઈ લઈ જવાનો હતો.
જો કે, આ તપાસમાં સૌથી મોટુ રહસ્ય આઈએસઆઈ એજન્ટની સંડોવણીનું છે. તપાસમાં જહાંજના ખલાસીઓ કહી રહ્યાં છે કે, ઈજીપ્તથી આઈએસઆઈ એજન્ટ ખાલીદ મહોમ્મદ અને મુસ્તફા ગ્વાદર બંદરે લઈ આવ્યા હતા. જયાં ડ્રગ્સને જહાંજમાં લાદવામાં આવ્યું હતું. જો કે, આ બન્નેની હત્યા કરી લાશને દરિયામાં ફેંકી દેવામાં આવી હોવાનું નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
જહાંજના કેપ્ટન સુપ્રીત તિવારી પોતાના નિવેદનો સતત બદલી રહ્યો છે ત્યારે આ બાબતે હવે સચોટ વિગતો ઓકાવવા માટે અધિકારીઓએ કવાયત આદરી છે. વધુમાં ૧૫૦૦ કિલો ડ્રગ્સના મામલે સંડોવણી બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે, ઈરફાન શેખ કે જેણે સુપ્રીતને અલંગનો માલ બતાવ્યો હતો તે મુળ ડોંગરી વિસ્તારનો છે અને આ ડોંગરી વિસ્તાર ડ્રગ્સ માફીયા અને દાઉદ ઈબ્રાહીમનો મુખ્ય અડ્ડો ગણવામાં આવે છે.