શહેરમાં મહિલા અત્યાચારોના બનાવમાં વધારો થયો હોય તેમ નશાખોર પતિ દ્વારા પત્નીને ઢોરની જેમ માર મારવાના  બનાવો બનતા હોય છે આવા તત્વોને કાયદાનો ભય રહ્યો ન હોય તેમ પોતાની ગૃહ લક્ષ્મી પર જ નશાની હાલતમાં ઝગડા કરી પીટાઈ કર્યાના દાખલા બનતા હોય છે ત્યારે શહેરના આંબેડકર નગર વિસ્તારમાં વધુ એક આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં  આંબેડકર નગરમાં નશામાં ધૂત પતિએ પત્ની સાથે તકરાર કરી કુકરના ઢાંકણું માથામાં મારી માથું ફોડી દેતા લોહીલુહાણ હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

નશામાં ધૂત બનેલા પતિ પત્ની સાથે રકઝક કરી માર મારતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના આંબેડકર નગરમાં પતિ દીપક પરમારે નશાની હાલતમાં પત્ની શારદાબેનન સાથે  માથાકૂટ કરી ઉશ્કેરાઇને કુકરનું ઢાંકણ ઝીંકી માર માર્યો છે.આ બનાવમાં શારદાબેન ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સિવિલ ચોકીના સ્ટાફે આ બનાવની નોંધ કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી  તપાસ હાથ ધરી છે જેમાં પતિ કલરકામ કરે છે અને પત્ની પણ કારખાનામાં કામ કરી ઘરમાં મદદ કરે છે.પતિને  વર્ષોથી દારૂ પીવાની ટેવ છે. નશાખોર પતિ વારંવાર દારૂ પી પત્ની સાથે બોલાચાલી કરી માર મારે છે. ગઈકાલ સાંજે  6 વાગ્યાના સુમારે પણ નશાની હાલતમાં આવી ઘરે રકઝક કરી હતી અને પત્નીને કુકરનું ઢાંકણું માથામાં ઝીંકી દઈ માથું ફોડી નાખ્યું હતું આ બનાવમાં  શારદાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં  સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં સ્થાનિક  પોલીસે નશાખોર પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.