લીંબડી: બોરાણાનો શખ્સ 12 કિલો અફિણ સાથે ઝડપાયો

સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફે રૂા.6.50 લાખના અફિણનો જથ્થો કબ્જે કર્યો: રાજસ્થાનના ચિતોડગઢનો શખ્સ 15 દિવસ પહેલાં અફિણનો જથ્થો આપી ગયાની કબુલાત

 

લીંબડી નજીક આવેલા બોરાણા ગામના શખ્સ રાજસ્થાનથી અફિણ મગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફે ગતરાતે બોરાણા ગામે અફિણ અંગે દરોડો પાડી રુા.6.50 લાખની કિંમતના 12 કિલો અફિણ સાથે ગઢવી શખ્સની ધરપકડ કરી બોરાણા ખાતે અફિણનો જથ્થો મોકલનાર રાજસ્થાનના શખ્સની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોરાણા ગામના ભરત ઉર્ફે મુન્નો દાદુ પાલીયા નામના ગઢવી શખ્સ અફિણનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પી.આઇ. એસ.એમ.જાડેજા, એએસઆઇ મગનભાઇ રાઠોડ, ઘનશ્યામભાઇ , હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ મકવાણા, જયરાજસિંહ રાણા, બલભદ્રસિંહ રાણા, મહિપાલસિંહ રાણા, મહિલા કોન્સ્ટેબલ સંગીતાબા રાણા સહિતના સ્ટાફે લીુંબડી મામલતદારને જરુરી જાણ કરી વીડિયોગ્રાફરને સાથે રાખી દરોડો પાડયો હતો.

ભરત ઉર્ફે મુન્ના પાલીયાના મકાનના કોઠાર રુમમાં એસઓજી સ્ટાફે કરેલી તપાસ દરમિયાન અફિણ ભરેલી બે અલગ અલગ પ્લાસ્ટીકની કોથળી મળી આવી હતી. જેમાં એકમાં અફિણનો ગઠ્ઠો હતો અને બીજી પ્લાસ્ટીકની કોથળીમાં અફિણનો રસો હતો. બંનેનો વજન કરી એફએસએલ અધિકારી પાસે તપાસ કરાવતા અફિણ હોવા અંગેનો અભિપ્રાય આપતા ભરત ઉર્ફે મુન્ન્ના પાલીયાના મકાનમાંથી રુા.6.50 લાખની કિંમતનો 12 કિલો અફિણનો ગઠ્ઠો અને અફિણનો રસો કબ્જે કર્યા હતા.

ભરત ઉર્ફે મુન્નાની પૂછપરછ દરમિયાન તેને રાજસ્થાનના ચિતોડગઢના રામેશ ધાંકડ નામનો શખ્સ પંદર દિવસ પહેલાં આપી ગયાની કબુલાત આપી હતી. ભરત ઉર્ફે મુન્નો છેલ્લા પાંચ-છ વર્ષથી રાજસ્થાનથી અફિણનો રસો મગાવી તેમાં ભેળસેળ કરી સુરેન્દ્રનગર પંથકમાં વેચાણ કરતો હોવાની કબુલાત આપીતા પોલીસે રાજસ્થાનના ચિતોડગઢના રામેશ ધાંકડની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.