ઓનલાઈન દવાના વેચાણ અંગે કેન્દ્ર સરકારે બહાર પાડેલા ડ્રાફટ પબ્લીક નોટીફીકેશન સામે કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનનો ઉગ્ર વિરોધ
બંધ દરમિયાન ઈમરજન્સી વ્યવસ્થા પણ ગોઠવાઈ
મેડિસીનનાં ઓનલાઈન વેચાણ સંબંધે કેન્દ્ર સરકારે બહાર પાડેલા ડ્રાફટ પબ્લીક નોટીફીકેશનના મુદાઓ સામે કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે એસોસીએશન દ્વારા આજરોજ ભારતભરની દવાબજારને બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે આજરોજ કેમીસ્ટોએ બંધ પાડયો છે. આ બંધમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરના ૨૪ હજારથી વધુ મેડિકલ સ્ટોર જોડાયા છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ અનુસંધાને ડ્રાફટ પબ્લીક નોટિફિકેશન પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું તેના વિરોધમાં એ.આઈ.ઓ.સી.ડી. દ્વારા આજરોજ એક દિવસ માટે સમગ્ર દેશમાં દવા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંસ્થામાં ૫૦ હજાર જેટલા સભ્યો જોડાયેલા છે. મેડિકલ બિઝનેસમાં ૭૦ લાખ લોકોને રોજગારી આપે છે. ઓનલાઈન દવાઓના વેચાણ અંગેના નોટીફીકેશનથી લાખો લોકોની રોજગારી સામે સવાલો ઉભા થયા છે. એ.આઈ.ઓ.સી.ડી. દ્વારા આપવામાં આવેલા દવાબજાર બંધના એલાનને સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા પણ ટેકો જાહેર કરીને બંધ પાડવામાં આવ્યો છે. આ સંસ્થામાં કુલ ૪૫ હજાર જેટલા સભ્યો છે. કુલ ૬ ઝોનમાં મળીને ગુજરાત ફેડરેશનની સભ્ય સંખ્યા ૨૪૦૦૦ જેટલી થાય છે. આજરોજ દવાબજાર બંધ હોય દર્દી કે નાગરિકને અસુવિધા ઉભી ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બંધ દરમિયાન રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, સીનરજી હોસ્પિટલ, એ.સી.જી. હોસ્પિટલ, સિવિલ અને દોશી હોસ્પિટલમાં સામાન્ય નાગરીકને ઈમરજન્સી દવા મળી રહેશે.