સુરતને ડાયમંડ સીટી તરીકેની નામના તો મળી છે પરંતુ હવે તે ક્રાઈમ સીટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. કોઈને કોઈ ઘટનાને લીધે તે લાઇમ લાઈટમાં રહે જ છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે જ્યાં સુરત SOGએ કરોડના ગાંજા સાથે 2 આરોપીને ઝડપી પાડયા હતા.
લોકો પાન-ફાકી ખાવા માટે પાનના ગલ્લા પર આવતા હોય છે ત્યારે ડ્રગ ડીલરે ગાંજો સપ્લાય કરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. ઓકટોબર મહિનામાં ભરૂચમાં પકડાયેલો 1.33 કરોડ રૂપિયાના ગાંજાના ગુનામાં વોન્ટેડ બે સૂત્રધારોને સુરત એસઓજીએ ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતાં અત્યંત ચોંકાવનારી હકીકતો પોલીસને જાણવા મળી હતી. બન્ને નશીલા પદાર્થોના સૂત્રધારો ગાંજાની ગોળી બનાવી સુરતમાં છુટક પાનના ગલ્લાઓ અને કરિયાણાની દુકાન પર વેચાણ કરતા હતા.
બન્ને આરોપીઓમાં ઉદયલાલ છગુજી પ્રજાપતી(20)(રહે,બાલાજીનગર સોસા,નવાગામ,ડિંડોલી) અને અંબાલાલ રારૂજી કલાલ(53)(રહે,રત્નપ્રભા સોસા,લિંબાયત) કરિયાણાની દુકાન ચલાવતા હતા અને બન્ને આરોપી પાનના ગલ્લા પર ગાંજાની ગોળી સપ્લાય કરતા હતા ત્યારે સુરત SOGએ ગુપ્ત રીતે તપાસ શરુ કરી હતી અને કરોડોનો મુદ્દામાલ પકડી પડ્યો હતો.
ઓકટોબર મહિનામાં ભરૂચ SOGએ હાઇવે પરથી 1334 કિલો ગ્રામ ગાંજો રૂ.1.33 કરોડનો પકડી પાડી 3 શખ્સોને પકડી પાડયા હતા. પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે રાજસ્થાનના બે યુવકોને ડિલિવરી આપવા જવાના હતા. આથી રેલો સુરત આવે તે પહેલા આરોપી અંબાલાલ અને ઉદયલાલ સુરત છોડી રાજસ્થાન ભાગી ગયા હતા. મંગળવારે સાંજે બન્ને જણા રિંગરોડ સહારા દરવાજા અશોકા હોટેલની પાસે ભેગા થવાની હકીકતો મળતા એસઓજીએ બન્ને દબોચી લીધા હતા.