છેલ્લા ઘણા દિવસોથી ડ્રગ્સના મોટા કૌભાંડ સામે આવી રહ્યા છે. ખાસ કરીને બોલીવુડમાં મોટા-મોટા ચહેરાઓ સામે આવી રહ્યા છે. ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યાર બાદ સરકાર વધુ એક્શનમાં આવી છે. આર્યન ખાનના ડ્રગ્સ કેસની હજુ કાર્યવાહી ચાલી રહી છે. ગયા મહિને પણ મુંબઈમાં 25 કરોડનો હેરોઈન પકડાયો હતો ત્યારે મુંબઈમાં કરોડોનો હેરોઈનનો જથ્થો ઝડપાયો છે.
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીમાં એક કન્ટેનરમાંથી 25 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 125 કરોડ રૂપિયા છે. આ કન્ટેનર નવી મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી પકડાયું હતું. કરોડોના હેરોઈન સાથે જયેશ સંઘવી નામના વેપારીની ધરપકડ પણ કરવામાં આવી છે.
અહેવાલ મુજબ, નવી મુંબઈના 62 વર્ષીય બિઝનેસમેન ઈરાનથી મગફળીના તેલના કન્સાઈમેન્ટમાં 25 કિલો હેરોઈનની દાણચોરી કરી રહ્યા હતા. DRIના અધિકારીઓએ નવી મુંબઈના ન્હાવા શેવામાં ઈરાનથી આવેલા કન્ટેનરને કબ્જામાં લીધું હતું અને 4 ઓક્ટોબરે તેની તલાશી લેવામાં આવી હતી.
DRIની કસ્ટડીમાં છે આરોપી
DRIએ આરોપી સંઘવીની ધરપકડ કરી છે અને તેની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) હેઠળ કેસ નોંધ્યો છે. તેને આજ રોજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 11 ઓક્ટોબર સુધી DRIની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
ગયા મહિને, મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ લગભગ 5 કિલો હેરોઈન સાથે બે મહિલાઓની ધરપકડ કરી હતી. જપ્ત કરાયેલી દવાઓની અંદાજિત કિંમત આશરે 25 કરોડ રૂપિયા છે. કસ્ટમ્સ અધિકારીઓએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી આવેલી માતા અને પુત્રીને પકડી લીધા હતા. બંનેએ હેરોઈન પોતાની ટ્રોલી બેગના સાઈડ પોકેટમાં સંતાડી રાખ્યું હતું. તેમની પાસેથી 4.95 કિલો હેરોઈન મળી આવ્યું હતું.