- રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચ્યું હોવાના પરિણામે દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો છે: જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા:-
- રાજ્યમાં જળસંચય માટે સુજલામ્ સુફલામ્ યોજના, સૌની યોજના, અટલ ભૂજલ યોજના જેવી અનેક યોજનાઓ કાર્યરત
- પાંચમાં ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ અંતર્ગત ગુજરાતને ત્રીજુ સ્થાન
- આદિજાતિ વિસ્તારોનાં મહત્તમ ઘરોમાં નળ ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા 4616 ગામોને આવરી લેતી રૂ.5845 કરોડની 104 યોજનાના કામો પ્રગતિ હેઠળ
- પાણી સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગ્રામ પંચાયત દ્વારા 1916 હેલ્પલાઇન નંબર કાર્યરત્
- 6500 ગ્રામ પંચાયતો, 363 જૂથ યોજના હેઠળના 2000 હેડવર્કસ/ પાણી વિતરણનાં સ્થળોનું ઓડિટ પૂર્ણ કરીને સામૂહિક વોટર ઓડિટ અંગે જાગૃતિ લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
- વર્ષ 2025-26 માટેની નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની કુલ રૂ. 17,364.16 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં પસાર
વિધાનસભા ગૃહમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની માગણીઓ રજૂ કરતાં મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યમાં પાણી પુરવઠાના માળખાને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના દરેકે દરેક જિલ્લા અને તાલુકામાં જરૂરિયાત મુજબની પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ માટે વિભાગ દ્વારા વિવિધ ચાલું તેમજ નવીન યોજનાઓ અને આયોજનો કરવામાં આવી રહ્યાં છે.
મંત્રી બાવળિયાએ રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વર્ષ 2025-26 માટેની કુલ રૂ. 17,36.16 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં રજૂ કરી હતી.
જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરતાં મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે આજે આપણો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સ્વરાજ્યમાંથી સુરાજ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે વિકાસ માત્ર શહેરો પુરતો સિમિત નહીં પરંતુ છેવાડાનાં માનવી સુધી પહોંચ્યો છે. આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રીનાં ‘વિકસીત ભારત-2047’ નાં સંકલ્પને સાકાર કરવા, રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. ગુજરાત દેશનું એવું રાજ્ય છે કે, જેણે ‘વિકસિત ભારત 2047’ ને અનુરૂપ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે, અને તે મુજબ વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ‘વિકસીત ગુજરાત’ તરફ આગળ વધી રહ્યું છે.
મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે આપણું રાજ્ય ભૂતકાળમાં સામાન્ય રીતે અછત અને અર્ધઅછતવાળું રાજ્ય રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના શાસનની ધુરા સંભાળી ત્યારે પાણીના પ્રશ્નને ટોચ અગ્રતા આપી અનેક યોજનાઓ થકી રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચે તે માટે ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે. જેના પરિણામે દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો છે. હાલમાં જળસંચય બાબતે ઉત્તર ગુજરાત માટે સુજલામ્ સુફલામ્ યોજના, સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, કચ્છ વિસ્તાર માટે નર્મદાના વધારાના વહી જતા પૂરના પાણીમાંથી એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાની યોજના, અટલ ભૂજલ યોજના, ઉપરાંત નાની મોટી અનેક યોજનાઓ કાર્યરત છે.
મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજનાઓના ઝડપી અમલીકરણ થકી ઉનાળાનાં દિવસોમાં પણ ગુજરાતની જનતાને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર સતત કરી રહી છે. જળવ્યવસ્થાપન ક્ષેત્રે ઇન્ટ્રા બેઝિન ટ્રાન્સફર હેઠળ, સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને ટ્રાયબલ વિસ્તારમાં મોટી પાઇપલાઇનો તેમજ વનબંધુ કલ્યાણ યોજના થકી નોંધપાત્ર અને અપેક્ષિત પરિણામ મળ્યા છે અને ખેત ઉત્પાદનમાં મોટા પાયે વૃધ્ધિ થઈ છે. આજે પાંચમાં ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ અંતર્ગત ગુજરાતે ત્રીજુ સ્થાન મેળવેલ છે અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હી ખાતે પુરસ્કાર એનાયત થયું છે, એમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે વર્ષ 2025-26ના બજેટમાં સૌની યોજના માટે રૂ. 813 કરોડ, સુજલામ્ સુફલામ્ પાઇપલાઇન યોજના માટે રૂ.1334 કરોડ તથા કચ્છની યોજના માટે રૂ.1400 કરોડની જોગવાઇ કરીને દરિયામાં વહી જતા નર્મદાના જળને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવાની, યોજનાઓને આગળ ધપાવવામાં આવી રહી છે.
વિસ્તાર પ્રમાણે સિંચાઈની વિગત રજૂ કરતા મંત્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના એક મિલીયન એકર ફીટ પાણીથી, સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની સૌની યોજનામાં ત્રણ ફેઝની કામગીરી પૈકી ફેઝ-1 અને ફેઝ-2 પુર્ણ થઈ ગઈ છે અને ફેઝ-3 ની કામગીરી પૂર્ણતાના આરે છે, આ કામગીરી પૂર્ણ થયે 8,25,000 એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ થશે તેમજ સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે.
સૌની યોજના હેઠળ રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધારી જળાશયને અંદાજિત રૂ. 181 કરોડના ખર્ચે જોડવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી આશરે 6,000 હેક્ટર ખેતીની જમીનને સિંચાઇનો લાભ મળશે. વિંછીયા, જસદણ અને ચોટીલા તાલુકાના આશરે 3500થી વઘુ ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના 11 ગામો, સૌની યોજનાની પાઇપલાઇનથી જોડવાની રૂ 54.54 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેના દ્વારા 405 હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ પુરો પાડી શકાશે.
સૌની યોજના મારફત સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના 25 ગામો, વઢવાણ તાલુકાના 6 ગામો અને ઘાંગધ્રા તાલુકાના 14 ગામો આમ કુલ મળીને 45 ગામોને સિંચાઇનો લાભ આપવા માટેની રૂ. 293 કરોડની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જેના દ્વારા 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ પુરો પાડી શકાશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ કહ્યું કે વર્ષ 2025-26 માટે સૌની યોજનામાં બાકી રહેતી કામગીરી માટે રૂ.813 કરોડની જોગવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્ષાર પ્રવેશ નિવારણની કામગીરી માટે રૂ. 85 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ જળ સિંચઈની વિવિધ કામગીરી માટે રૂ. 194 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અંદાજે રૂ. 131 કરોડના 100 ચેકડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અંદાજે 3900 હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ થશે તેમજ અંદાજે રૂ. 103 કરોડના ચાર નવિન વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા 19 ગામોના અંદાજે 15,000 હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ અને 100 એમ.સી.એફ.ટી. જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થશે. આ ઉપરાંત વર્ષોથી પૂરની સમસ્યાથી ત્રસ્ત ઘેડ વિસ્તાર માટે નદીઓ-વોંકળાની સફાઇ અને ઉંડા પહોળા કરવા અને નદી-વોંકળાના પાળા મજબૂતીકરણ અને પુર નિકાલની કામગીરી તેમજ નદીઓ સાફ કરવા માટે રૂ. 170 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં જળસંચયની કામગીરી વિશે મંત્રીએ જણાવ્યું કે આ ઉત્તર ગુજરાતના નર્મદાના પાણીના લાભથી વંચિત રહેલ બનાસકાંઠા જીલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકાઓના ગામો માટે નવીન બે પાઈપલાઈન યોજનાઓની રૂ. 2,213 કરોડની કામગીરી માટે રૂ. 665 કરોડની જોગવાઈ, આ યોજનાઓ થકી 32,000 હેકટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે લાભ થશે. બનાસકાંઠાના વડગામ તાલુકાના કરમાવત તળાવને, પાઇપલાઇનથી જોડાણ માટેની પ્રગતિ હેઠળની રૂ. 650 કરોડની કામગીરી સામે રૂ. 400 કરોડની જોગવાઈ, સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજ અંતર્ગત કુલ 14 બેરેજ બાંધી જળ સંગ્રહ તેમજ ભુગર્ભ જળના રીચાર્જની મોટી યોજના રાજ્ય સરકારે હાથ ધરી છે. જે પૈકી પાંચ બેરેજની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
વધુમાં મંત્રીએ કહ્યું કે ગાંધીનગર જિલ્લાના અંબોડ ખાતે રૂ. 190 કરોડના ખર્ચે અને મહેસાણા જીલ્લાના ફતેપુરા ખાતે અંદાજીત રૂ. 210 કરોડના ખર્ચે બેરેજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત અન્ય રૂ. 1,200 કરોડના અંદાજીત ખર્ચે છ બેરેજો હાલમાં આયોજન હેઠળ છે. જેના માટે કુલ રૂ. 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તદ્પરાંત મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ માટેની અંદાજીત રૂ. 251 કરોડની કામગીરી માટે રૂ. 62 કરોડની જોગવાઈ કરાઈ છે, જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાને પૂરક સિંચાઇનો લાભ મળશે. ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની અંદાજીત રૂ. 1079 કરોડની કામગીરી માટે રૂ. 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર ગીફટસીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશન અને રીવરફ્રન્ટ ડેવલપમેન્ટની અંદાજીત રૂ. 636 કરોડની કામગીરી માટે રૂ. 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
કચ્છ વિસ્તાર વિશે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી 1 મીલીયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો રૂ. 4118 કરોડના ખર્ચે તથા બીજા તબક્કે બે પાઈપલાઈન યોજનાના રૂ. 2,306.39 કરોડના ખર્ચે કામો પ્રગતિ હેઠળ છે. જેનાથી કુલ મળીને 79 જેટલા ડેમોમાં નર્મદાનું પુરનુ વધારાનું પાણી પહોંચાડાશે, જેથી 130 ગામના 1,72,411 હેકટર વિસ્તારને સિંચાઇના લાભ મળશે. આ કામો માટે બજેટમાં રૂ. 1400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત અટલ ભૂજલ યોજના અંતર્ગત કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરે જળસંગ્રહના કામો માટે રૂ. 68 કરોડની જોગવાઈ કરાઈ છે.
મધ્ય ગુજરાતમાં જળસંચયની સુવિધાઓ વિશે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે અંદાજિત રૂ. 456 કરોડના ખર્ચની મહી નદી ઉપર પોઇચા ગામ પાસે વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે રૂ. 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અંદાજિત રૂ. 794 કરોડના ખર્ચની કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના, સિંચાઇથી વંચિત વિસ્તારમાં વણાકબોરી વીયર આધારીત ઉદ્વહન સિંચાઇ યોજનાઓની, કામગીરી માટે રૂ. 205.57 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે રૂ.196 કરોડના ખર્ચની હાથમતી અને વાત્રક જળાશય આધારિત ઉદ્વહન સિંચાઇ યોજનાઓ માટે રૂ. 16 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે વાત્રક અને ખારી નદી ઉપર સીરીઝ ઓફ ચેકડેમ તેમજ માજમ નદી પર બે, વારાંણસી, મોહર, વાત્રક નદી અને લોકલ કોતર એમ કુલ મળીને આઠ ચેકડેમ પંચમહાલ જિલ્લામાં આવેલ નદી અને લોકલ કોતર ઉપર મળી કુલ આઠ નવીન ચેકડેમ આમ કુલ રૂ. 96.36 કરોડની કામગીરી માટે રૂ. 56.69 કરોડની જોગવાઈ કરાઈ છે, જેના થકી સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લાના કુલ મળીને 1,148 હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે. તાજેતરમાં વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે પૂરના પાણી વડોદરા શહેરમાં ભરાવવાની સમસ્યા ઉદ્ભવી હતી, જે અન્વાયે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરના પ્રશ્નો બાબતે પૂર નિયંત્રણ અન્વવયેની તબક્કાવાર કામગીરી હાથ ધરવા માટે અંદાજીત રૂ. 2750 કરોડની રકમના કામો છ તબ્બકામાં શરુ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં પ્રગતિ હેઠળના કામે વિશે જણાવતા મંત્રીએ કહ્યું કે નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં અંદાજિત રૂ. 250 કરોડના ખર્ચની વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર માટે રૂ.32 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રગતિ હેઠળની નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે અંદાજિત રૂ. 110 કરોડના ખર્ચની પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર માટે રૂ. 36 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ સિંચાઇ સુવિધા વિશે મંત્રીએ કહ્યું કે રૂ. 5,436 કરોડના ખર્ચે 18 મોટી ઉદ્વહન સિંચાઇ યોજનાઓ હાથ ધરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી 9 યોજનાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને 9 યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો-બેરેજો-વિયર બનાવવા માટે રૂ. 375 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અંદાજે રૂ. 651 કરોડના ખર્ચની તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકામાં તાપી નદી આધારીત બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાની કામગીરી માટે રૂ. 100 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે અંદાજીત રૂ. 415 કરોડના ખર્ચની સુરત જિલ્લાના, માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા, ઉદવહન પાઇપલાઇન યોજનાની કામગીરી માટે રૂ. 100 કરોડની બજેટ જોગવાઇ પ્રગતિ હેઠળની અંદાજિત રૂ. 711 કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે રૂ. 100 કરોડની જોગવાઇ કરાઈ છે, જેનાથી સુરત અને નર્મદા જિલ્લામાં સિંચાઇનો લાભ થશે. પ્રગતિ હેઠળની સુખી સિંચાઇ યોજનાની, જમણા કાંઠા મુખ્ય નહેર તથા ખોડસલ અને છાનતલાવડી ડિસ્ટ્રીબ્યુટરી નહેર તેમજ આયોજન હેઠળની જબુગામ ડિસ્ટ્રીબ્યુટરી તથા તેની માઇનોર કેનાલની મરામત અને આધુનિકરણના કામગીરી માટે રૂ. 107 કરોડની જોગવાઇ તેમજ ડાબા કાંઠા મુખ્ય નહેર માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરાઈ છે.
મંત્રીએ કહ્યું કે પનીરવેલ તળાવની કામગીરી તાજેતરમાં પૂર્ણ થઇ છે અને અંદાજીત રૂ. 79 કરોડના ખર્ચથી કનેવાલ તળાવ ડિપનીંગ કામગીરી માટે રૂ. 79 કરોડની જોગવાઈ કરાઈ છે. અંદાજિત રૂ.132 કરોડના ખર્ચથી વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના 22 ગામોના 41 વોટર બોડીને ઉદ્વહન મારફતે ભરી આશરે 1950 હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે. જે માટે વર્ષે 2025-26 માટે 80 કરોડની જોગવાઈ કરી પૂર્ણ કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રગતિ હેઠળની અંદાજિત રૂ.280 કરોડના ખર્ચની પંચમહાલ જિલ્લાની પાનમ જળાશય આધારિત, ઉદ્વહન સિંચાઈ યોજના ચાલુ વર્ષે પૂર્ણ કરવામાં આવનાર છે, જેનાથી પંચમહાલ જિલ્લાના 85 ગામના 126 તળાવોને આવરી લઈ, કુલ 35,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવાની યોજના કાર્યન્વીત કરવામાં આવશે. હાથમતી, હરણાવ, પનારી અને સાઇ નદી ઉપર સીરીઝ ઓફ ચેકડેમ માજમ અને વાત્રક નદી પર બે, ઓરસંગ નદી પર છ, કરા, હેરણ અને સાપણ નદી પર ચાર ચેકડેમ તેમજ દાહોદ જિલ્લાના નદી અને લોકલ કોતર ઉપર મળી કુલ-પાંચ નવીન ચેકડેમ એમ મળીને કુલ રૂ. ૫૫.૭૬ કરોડની કામગીરી માટે રૂ. 35.30 કરોડની જોગવાઈ કરાઇ છે, જેના થકી સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના કુલ મળીને 1022 હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે.
મંત્રીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં જળસ્રોતના સંગ્રહનો વ્યાપ વધારવા છેલ્લા 7 વર્ષથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જળ સંચયમાં વધારો થાય તેવા કામો લોકભાગીદારીથી હાથ ધરવામાં આવે છે. જે અન્વયે કુલ 1,07,608 કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી, તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના 36,973 કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના 24,066 કામો તથા ચેકડેમ રીપેરીંગના 6422 કામો કરવામાં આવેલ છે. કુલ 66,213 કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવેલ છે.
ચાલુ વર્ષે ભારત સરકારના માનનીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 – કેચ ધી રેઇન’ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં 10 લાખની મર્યાદામાં એક એવા ચાર કામો જળ સંચય માટે સૂચવી શકશે. આ ઉપરાંત CSR ફંડ હેઠળ જળ સંચયના કામો કરવા માટે, રાજ્ય સરકાર 80:20ની યોજના હેઠળ કામો કરવા રાજ્યની NGO ઔધોગિક ગૃહોને પ્રોત્સાહન આપે છે. રાજ્ય સરકાર દ્વારા બંધ પડેલ બોર/ટ્યુબવેલને પુન: જીવિત કરવા માટે પણ, 90:10ની યોજના જાહેર કરવામાં આવેલ છે જેનાથી રાજ્યના 8000 જેટલા બંધ પડેલ બોર/ટ્યુબવેલને પુન: જીવિત કરવાનું આયોજન છે.
દેશમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ઘણું જ નીચે ઉતરી ગયેલું છે, અને ભૂગર્ભ જળના રીચાર્જ કરતા, પાણી ખેંચવાનું પ્રમાણ ઘણું વધારે છે, તેવા વિસ્તારો માટેની કેંદ્ર સરકારની ’અટલ ભૂજલ યોજના’ માં ગુજરાતના 6 જીલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો. આ યોજનામાં કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં પાંચ જીલ્લા ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણનાં 36 તાલુકાની 1873 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ જણાવ્યું છે.
તેમણે કહ્યું હતું કે નવેમ્બર-2024 સુધીમાં જળસંપત્તિ વિભાગના કુલ 94,844 ચેકડેમો અને રાજ્યના અન્ય વિભાગોના 92,557 ચેકડેમો મળીને,કુલ 1,87,401થી વધુ ચેકડેમોથી આશરે 4,55,236 હેક્ટર વિસ્તારને સીધી અને આડકતરી રીતે સિંચાઈનો લાભ મળે છે. આમ, આવી મહત્ત્વકાંક્ષી યોજનાઓના પરિણામો, આજે આપણી સમક્ષ છે અને ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
જળસંપત્તિ પ્રભાગ હેઠળ કુલ 1115 ડેમો તેમજ તેનું કેનાલ નેટવર્ક આવેલ છે. ગુજરાત સરકાર હયાત સિંચાઇ યોજનાની કાર્યક્ષમતામાં પણ વધારો થાય,અને સુચારૂ સિંચાઇ વહિવટ કરી શકાય, તે માટે પ્રયત્નશીલ છે. આ માટે ડેમ સેફટીના સદર માટે રૂ. 501 કરોડની જોગવાઇ તથા હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકરણ માટે રૂ. 1522 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલાં પરિવર્તન વિશે વાત કરતાં મંત્રી બાવળિયાએ જણાવ્યું કે અઢી દાયકા અગાઉ રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ટેન્કરરાજ, બેડા યુદ્ધ, દુષ્કાળ, લોકોનું સ્થળાંતર જેવી પીડાથી રાજ્યની જનતા ત્રાહિમામ હતી. આવા કપરા સમયે રાજ્યના ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિથી રાજ્ય સરકારે ત્રણ આયામી વ્યવસ્થા દ્વારા પીવાના પાણીના ક્ષેત્રે અભૂતપૂર્વ કામ શરૂ કર્યું હતું. જેને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પીવાના પાણીની વિવિધ યોજનાઓના ઝડપી અમલીકરણ માટે કટિબદ્ધ છે.
મંત્રીએ કહ્યું કે રાજ્યમાં છેલ્લાં 23 વર્ષથી પીવાના પાણીના ક્ષેત્રમાં ખૂબ કામ થયાં છે. રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં 20,000 કરોડથી વધુ રકમના ખર્ચે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ થયું છે. જે થકી 3250 કી.મી.બલ્ક પાઇપલાઇનનું નિર્માણ કરાયું છે. આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના 18,152 પૈકી 15,687 ગામો તેમજ 251 શહેરોને નર્મદા તથા અન્ય સરફેસ સ્રોતથી જોડ્યા છે. જેના દ્વારા સમગ્ર રાજ્યમાં 372 જૂથ યોજનાઓ હેઠળના ૧૪૩૨ હેડ અને સબહેડવર્ક થકી 4.36 કરોડ લોકોને દૈનિક 3200 મિલિયન લીટર પાણી પૂરું પાડે છે. ચાલુ વર્ષે 23 જૂથ યોજનાઓનાં કામો પૂર્ણ કર્યા છે, જેમાં 804 ગામોનો સમાવેશ થયેલ છે.
રાજ્યના નાગરિકોને ગુણવત્તાવાળુ પાણી મળે તેના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પાણી ગુણવત્તાની ચકાસણી માટે રાજ્યકક્ષાએ–1, જિલ્લા કક્ષાએ-33 અને તાલુકા કક્ષાએ-41 એમ NABL દ્વારા માન્યતા પ્રાપ્ત કુલ 80 લેબોરેટરી છે. જેમાં ચાલુ વર્ષે કુલ ચાર લાખ પાણીના નમૂનાઓની ચકાસણી કરવામા આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
પાણી પુરવઠા વિભાગના ડિપોઝિટ વર્ક તરીકે શહેરી વિસ્તારની ભૂગર્ભગટર યોજનાઓ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં 97 ભૂગર્ભ ગટર યોજનાઓ અને 89 એસ.ટી.પી.નાં કામો પૂર્ણ કરાયાં છે, જ્યારે 28 એસ.ટી.પી.નાં કામો પ્રગતિ હેઠળ છે.
વર્ષ 2025-26 માટે મંજૂર કરવામાં આવેલી વિવિધ યોજનાઓની વિગતો આપતાં બાવળિયાએ જણાવ્યું કે જલજીવન મિશનના રાજ્ય ફાળા માટે રૂ. 2239.08 કરોડ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂ. 1911.90 કરોડ, નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂ. 950.00 કરોડ, ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપના માટે રૂ. 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
જ્યારે ચાલુ વર્ષે પાણી પુરવઠા વિભાગ દ્વારા સૂચવાયેલી નવી બાબતોની માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પીવાના પાણીની ગુણવતા અને નિયમનને વધુ સુદૃઢ કરવા તાલુકા કક્ષાએ 10 નવીન લેબોરેટરીઓની સ્થાપના કરવામાં આવશે. આ માટે નવીન મહેકમ તથા તથા નિયમિત સ્ટાફની ભરતી કરવામાં આવશે. જ્યારે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 તાલુકાના ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની સુચારુ મરામત અને નિભાવણી થાય તે માટે પ્રોત્સાહન પુરસ્કારરૂપે રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું કે પાણી પુરવઠા વિભાગના પમ્પિંગ સ્ટેશનોનો ખર્ચ ઘટાડવા ઉપલબ્ધ ખુલ્લી જગ્યા તેમજ સ્ટ્રક્ચરો પરની જગ્યાઓમાં સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઘરોમાં નળકનેક્શન મારફત પાણીની વ્યવસ્થા માટે માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવામાં આવેલ છે. આ ગ્રામ્ય પાણીપુરવઠા યોજનાઓનું સંચાલન અને જાળવણી ગ્રામપંચાયત/પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ માટે ગ્રામ પંચાયત પાણીવેરા પ્રોત્સાહક યોજના માટે રૂ. 53 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ વિકસિત ભારત @2047 ના વિઝનને અનુરૂપ પાણી પુરવઠા પ્રભાગે વિકસિત ગુજરાત @2047 માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી, રૂ. 808 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
‘જલ જીવન મિશન’ – ‘હર ઘર જલ યોજના’ વિશે વાત કરતાં મંત્રી બાવળિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દેશના મહત્તમ ઘરોમાં શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય, તે માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ‘હર ઘર જલ’યોજના જાહેર કરેલ છે અને ‘જલ જીવન મિશન’ હેઠળ ‘નલ સે જલ’ કાર્યક્રમ અતર્ગત ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 91 લાખથી વધુ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટેના જોડાણ કરવાની કામગીરી પ્રગતિમાં છે તેમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીએ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની માહિતી આપતાં કહ્યું કે વલસાડ અને નવસારી જિલ્લાનાં 395 ગામો અને એક શહેરનો સમાવેશ કરતી ‘દમણગંગા બલ્ક પાઇપલાઇન’ યોજના, દાહોદ અને મહીસાગર જિલ્લાના 287 ગામોનો સમાવેશ કરતી ‘કડાણા બલ્ક પાઇપલાઇન’ યોજના, સુરત તથા નવસારી જિલ્લાના 264 ગામ અને છ શહેરનો સમાવેશ કરતી ‘સુરત-નવસારી બલ્ક પાઇપલાઇન’ યોજના હાલ પ્રગતિ હેઠળ છે.
બાવળિયાએ જણાવ્યું કે ડાંગ જિલ્લામાં પીવાના પાણીની જરૂરિયાત મુજ્બ ડેમ, તળાવ જેવાં રિલાયેબલ સરફેસ સોર્સ નથી પરિણામે, તાપી નદી આધારિત સરફેસ સોર્સ દ્વારા કાંકરાપાર વિયર આધારિત, ડાંગ જિલ્લાના આહવા, સુબીર તેમજ વઘઇ તાલુકાના કુલ ૨૭૬ ગામ તથા ૩ શહેરનો સમાવેશ કરતી, રૂ.866 કરોડની ડાંગ જૂથ પાણી પુરવઠા યોજનાનું કુલ ત્રણ પેકેજમાં કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાંથી બે કામ પ્રગતિમાં છે તથા એક પેકેજનું કામ શરૂ કરવામાં આવનાર છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, બનાસકાંઠા જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત વાવ, થરાદ અને લાખાણી તાલુકાનાં 121 ગામો માટે સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓ આયોજન હેઠળ છે. જ્યારે નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના ઢાંકી અને નાવડા આધારીત સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડની કેપેસીટી વધારવા માટે ઢાંકીથી નાવડા સુઘીની, 500 એમ.એલ.ડી ક્ષમતાની, 97 કિ.મી પાઇપલાઇનની કામગીરી, અંદાજીત રકમ રૂ.1044 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે. આ કામ પૂર્ણ થતાં મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 500 એમ.એલ.ડી દૈનિક પાણીનો વધુ જથ્થો ઉપલબ્ઘ બનશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આદિજાતિ વિસ્તારોનાં મહત્તમ ઘરોમાં નળ ઉપલબ્ધ બને તે આશયથી રાજ્યસરકાર દ્વારા હાલ 4616 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત રૂ.5845 કરોડની 104 યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, તેમજ 256 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત રૂ.256 કરોડની 7 યોજનાના કામો ટેન્ડરપ્રક્રિયા હેઠળ છે.
રાજ્યમાં ચાલુ વર્ષે કુલ 13700 ઓપરેટરોને ગ્રામીણ પાણીપુરવઠાની મરામત અને નિભાવણી માટે તાલીમ આપી તમામને ટુલકીટ પણ ફાળવવામા આવી છે.
મંત્રીએ કહ્યું કે પાણી સંબંધિત કોઈ સમસ્યા હોય, તો ગ્રામ પંચાયત દ્વારા 1916 હેલ્પલાઇન નંબર પર કોલ કરી રજૂઆત કરવામાં આવે છે તથા રિપેરિંગ કરવામાં આવે છે.
મંત્રીએ કહ્યું કે પીવાના પાણીનું માળખુ યોગ્ય અને સક્ષમ રીતે ચાલે, તે સુનિશ્ચિતકરવા ફલોમીટરથી રિયલ ટાઇમ મીટરીંગ માટેના, પ્રોજેક્ટનુઅમલીકરણ હાથ ઘરવામાં આવેલ છે, જે માટે ગાંધીનગર ખાતે સેન્ટ્રલમોનીટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઇમ મોનીટરીંગ કરવા માટે કુલ 2263 સ્માર્ટ વોટર ફ્લોમીટર અને ૫૦૦ ઓનલાઇન કવોલીટી એનાલાઇઝર લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં ગટરનાં પાણીને શુદ્ધ કરી પુનઃ ઉપયોગમાં લેવા માટે-રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વૉટર માટેની નીતિ અંતર્ગત તા. 28 મે, 2018 ના રોજ ગટરનાં શુધ્ધિકરણ કરાયેલા પાણીના પુન:ઉપયોગ અંગેની નીતિ જાહેર કરવામા આવી છે. આ પાણીનો પીવા સિવાયના અન્ય હેતુ જેવા કે ઔદ્યોગિક વપરાશ, બાગ-બગીચા, બાંધકામ જેવા હેતુસર ઉપયોગ કરી શુધ્ધ પાણીનાજળસંસાધનો પરની નિર્ભરતા ઘટાડવાનો છે. આ માટે 829 એમ.એલ.ડી. ના આઠ પ્રોજેક્ટ પૂર્ણ થયેલ છે. જ્યારે 642 એમ.એલ.ડી. ક્ષમતાના પ્રોજેક્ટ પ્રગતિ/ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે તેમજ 50 એમ.એલ.ડી. ની ક્ષમતાના પ્રોજેક્ટ આયોજન હેઠળ છે.
રાજ્યમાં દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી પીવાલાયક બનાવવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટસની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાનાં ગામોમાં પીવાના પાણીનો વૈકલ્પિક સોર્સ ઊભો કરવા ડિસેલિનેશન પ્લાન્ટની કામગીરી પ્રગતિમાં છે. જેમાં ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે 7 કરોડ લીટર, ગિરસોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ગામે 3 કરોડ લીટર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંઘવી ગામે 7 કરોડ લીટર અને કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે 10 કરોડ લિટર એમ કુલ 27 કરોડ લીટર દૈનિક ક્ષમતાના આ પ્રોજેક્ટ પૂર્ણ થયે અછતની પરિસ્થિતિમાં પાણીની સુરક્ષાની બાબતમાં આ સરકારનું એક નિર્ણાયક કદમ છે.
રાજ્યમાં 6500 ગ્રામ પંચાયતોએ/ગામોએ વોટર ઓડીટનાં કામ પૂર્ણ કર્યા છે. આ જ પ્રકારે, પાણી પુરવઠા તંત્ર દ્વારા કુલ 363 જૂથ યોજના હેઠળના 2000 હેડવર્કસ/ પાણી વિતરણનાં સ્થળોનું વોટર ઓડિટ પૂર્ણ કર્યા છે. આટલા મોટા પ્રમાણમાં વોટર ઓડીટની જાગૃતિ લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ મંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.
આમ, રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વર્ષ 2025-26 માટેની કુલ રૂ. 17,364.16 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.