અબતક, નવી દિલ્હીઃ
21મી સદીના આજના આધુનિક યુગમાં મોટાભાગની તમામ સુવિધાઓ ઘેરબેઠા આંગળીના ટેરવે મળતી થઈ છે. અવનવી ટેકનોલોજી વિકસતા માનવ જીવન ઘણું સરળ બની ગયું છે. એમાં પણ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ થકી નેનો હેલિકોપ્ટર અને જો આપણી દેશીભાષામાં કહીએ તો “એક મચ્છર” એટલે કે બહુચર્ચિત બનેલા ડ્રોન… કે જેનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. દવા-દારૂ કે અન્ય કોઈ ચીજવસ્તુઓની ઘર કે ઓફિસના કામના સ્થળે ડિલિવરી, બોર્ડર પર તીસરી આંખ તરીકે મંડરાઈ રહેવુંથી માંડી દરેક ક્ષેત્રે ડ્રોન ઉપયોગી થઈ રહ્યા છે. એક મચ્છર નહીં…. પણ મચ્છર જેવા મનાતું આ ડ્રોન આગામી સમયમાં હવે દુનિયાને બદલી દે તો નવાઈ નહીં..!!
ડ્રોનને રિમોટ-કંટ્રોલ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ- (GPS) અને સેન્સર-સક્ષમ ફ્લાઇંગ રોબોટ્સ તરીકે વર્ણવી શકાય છે. પ્રથમ સંસ્કરણ, રેડિયો માર્ગદર્શનનો ઉપયોગ કરીને આવા ડ્રોન જેવા પાયલોટ વગરના વિમાનની શોધ 1916માં કરવામાં આવી હતી. જ્યારે આજે અદ્યતન ડેટા કેપ્ચર અને સંયુક્ત કાર્યવાહી માટે ડ્રોન તૈનાત કરવામાં આવી રહ્યા છે. જાણીને પણ ખુશી અને નવાઈ પણ થશે કે મુંબઈમાં ડ્રોને મેલેરિયાના 54% કેસ ઘટાડી દીધા છે. જણાવી દઈએ કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મચ્છરના ઉપદ્રવનો સામનો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જેનો ઉપયોગ 10 લિટરની ટાંકી અને કેમેરાથી સજ્જ દુર્ગમ સ્પેસ પર લાર્વા વિરોધી ઓલ સ્પ્રે કરવા માટે કરવામાં આવે છે. પરિણામે ડ્રોન મારફતે દવાનો છંટકાવ થતા આ ચોમાસાની ઋતુમાં મેલેરિયાના કેસમાં 54%નો ઘટાડો નોંધાયો છે.
આ અંગે મહાનગરપાલિકાએ વધુમાં જણાવતા કહ્યું કે આપત્તિ વ્યવસ્થાપન માટે ખાસ કરીને શોધ અને બચાવ કામગીરી દરમિયાન ચોકસાઈ સહાય માટે ડ્રોનનો ઉપયોગ કરવાની તેઓ યોજના ધરાવે છે. આ પ્રકારની સુવિધા અને ડ્રોનનો ઉપયોગ દરેક જિલ્લા અને શહેરોમાં કરવામાં આવે તો નવીનતમ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ શકે છે અને સાથે સાથે વિભિન્ન સમસ્યાઓમાંથી મુક્તિ પણ મળી શકે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં ઘણા બાંધકામ પ્રોજેકટમાં ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં અહીં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સના દૂરસ્થ નિરીક્ષણો માટે ડ્રોનનો ઉપયોગ થતો હતો.જેમાં 3 ડી ઇમેજિંગ સક્ષમ વોક થ્રુ સાથે અનેક ડ્રોનથી ફીડ્સ હોય છે.
ડ્રોન દ્વારા નિરીક્ષણો કરવામાં આવે છે. જે પ્રોજેક્ટને વેગ આપવાની સાથે કામની ગુણવત્તામાં વધારો કરે છે. ડ્રોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમારતોના નિરીક્ષણમાં પણ મદદ કરી શકે છે. વીજ વિતરણ કંપનીઓ હવે વીજ ચોરી રોકવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. આનાથી ગેરકાયદે લાઇન જોડાણો સરળતાથી જોઇ શકાય છે, અને સુધારાત્મક કાર્યવાહી ઝડપથી શરૂ કરી શકાય છે. એ જ રીતે, પાણી અને ગેસ પાઇપલાઇન્સનું લીકેજ ચેક કરવા માટે પણ પૂર્વ-એમ્પ્ટીવ ક્રિયાઓ પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત ઘણા સ્થળો પર સંપત્તિની ઓળખ અને નિરીક્ષણ માટે પણ ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિમોટ ઓઇલ પ્લેટફોર્મ અને ખાણો પર, તેઓ સલામતીના હેતુથી સર્વેલન્સમાં વધારો કરી રહ્યા છે.
આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે દવા કે અન્ય જરૂરિયાત ચીજ-વસ્તુઓના છટકાવ અને નિરીક્ષણ માટે પણ ડ્રોનનો ઉપયોગ વધુ વ્યાપક બન્યો છે. આમ સુરક્ષાથી માંડીને નાની નાની ચીજ વસ્તુઓમાં પણ ડ્રોનનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં અવનવી શોધ અને ડ્રોન ડિઝાઇનમાં નવા બદલાવથી હજુ પણ ડ્રોન “ડોન” બનીને નવી ઊંચાઈઓ સર કરે તો નવાઈ નહીં..!!