ગુજરાત, દિલ્હી, તેલંગણા સહિતના રાજ્યોમાં ડ્રોન દ્વારા લોકડાઉન સમયે લોકોની ગતિવિધિ ઉપર રાખવામાં આવતી બાજનજર
કોરોના વાયરસની સંક્રમણની પેટર્નને તોડવાના હેતુસર દેશભરમાં લોકડાઉનની અમલવારી થઈ રહી છે. પરંતુ લોકડાઉન તોડીને કેટલાક લોકો આંટાફેરા કરતા હોવાનું પણ અવાર-નવાર સામે આવે છે. કોઈપણ કારણ વગર શેરી-ગલીઓમાં લટારો મારતા લોકોને પકડવા સર્વેલન્સ માટે ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. લોકોને પકડવાની સાથો સાથ એક સ્થળેથી બીજા સ્થળે સેનિટાઝેશન સહિતની સુવિધાઓ પહોંચાડવા માટે પણ ચાવીરૂ પ ભૂમિકા ભજવી રહ્યાં છે. ગુજરાતમાં ૨૦૦ જેટલા ડ્રોન લોકોની ગતિવિધિઓ પર નજર રાખવા તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે પણ એશિયાની સૌથી મોટી શાકમાર્કેટ આઝાદપુર મંડી પર નજર રાખવા ડ્રોનનો સહારો લીધો હોવાનું ખુલ્યું છે.
માત્ર સરકાર જ નહીં પરંતુ મીડિયા સંસ્થાઓ પણ ડ્રોનનો ભરપુર ઉપયોગ વર્તમાન સમયમાં કરી રહી છે. આંકડા મુજબ ૨૦ હજાર જેટલા ડ્રોન સરકાર સાથે રજિસ્ટર્ડ થયા છે. ૪૫૦ થી ૫૦૦ ડ્રોન વર્તમાન સમયે વિવિધ એજન્સીઓ ઉપયોગમાં લઈ રહી છે. સરકારને મદદરૂપ થવા માટે કેટલીક સંસ્થાઓ દ્વારા ડ્રોન અપાયા છે. આ ડ્રોનની સર્વિસ માટે કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી. ગત તા.૨૫ માર્ચથી શરૂ થયેલ લોકડાઉન અમલમાં આવ્યા બાદ લોકોની અવર-જવર ઉપર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. તાજેતરમાં તેલંગણામાં ડ્રોનની જેમ યુએવી જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પણ શરૂ થયું છે. બે વ્યક્તિઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની અમલવારીમાં રોબોટીકસ સંશાધનોનો ફાળો વધ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવાના હેતુસર અમલમાં મુકાયેલા લોકડાઉનમાં ડ્રોનનો ઉપયોગ વધુ સસ્તો છે. કર્મચારીઓની નિયુક્તિની જગ્યાએ ડ્રોનથી વધુ એરિયાને કવર કરી શકાય છે. તાજેતરમાં એફઆઈસીસીઆઈને ડ્રોનના ઉત્પાદન માટે ગૃહ મંત્રાલય દ્વારા ઓડર આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.