બંધક બનાવેલા કર્મચારીઓનો છૂટકારો: મોકડ્રીલ જાહેર થતા રાહત

દેવભૂમિ દ્વારકામાં નયારા એનર્જી પ્લાન્ટ પર ડ્રોન હુમલો થતા એલ.પી.જી. ગેસ લીકેજ થતા તંત્ર દોડતું થયું હતું. જ્યારે હુમલાખોરોએ કર્મચારીઓને પણ બંધક બનાવતા પોલીસ કાફલો એક્શન મોડમાં આવ્યો હતો અને બંધકોને છોડાવ્યા હતા. પરંતુ આખરે તમામ ઘટના મોકડ્રીલ હોવાનું સામે આવતા રાહતનો શ્વાસ લેવાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ ટેબલ ટેપ એક્સરસાઈઝના અનુસંધાને મોટી દુર્ઘટના સામે તૈયારીના ભાગરૂપે જિલ્લા વહિવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા નયારા એનર્જી રિફાઇનરી – ખંભાળીયામાં ઓઈલ લીકેજ અંગેની એક ઓફસાઈટ – મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ડ્રોન હુમલાને કારણે લીંકવીડ પેટ્રોલિયમ ગેસ લીકેજ થવાની ઘટનામાં આગ અને હુમલો કરનારાઓએ બંધક બનાવેલા કર્મચારીઓને છોડાવવાની ઘટનાને આકાર આપી સુરક્ષા વ્યવસ્થા સાથે સંકડાયેલા સમગ્ર તંત્રની સતર્કતાની ચકાસણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ ઓફસાઈટ  મોકડ્રિલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મોકડ્રિલમાં અજાણ્યા શખ્શોએ ડ્રોન મારફતે હુમલો કરતા કંપનીના લીકવીડ પેટ્રોલિયમ ગેસ સંગ્રહ ટેન્કમાંથી ગેસ લીક થવાથી આગ લાગવી અને એ દરમિયાન અજાણ્યા શખ્શો કર્મચારીઓને બંધક બનાવી લે છે એવી બે ઘટનામાં કઈ રીતે આગને કાબુમાં લેવી અને તેની સાથે કર્મચારીઓને કઈ રીતે છોડાવવા તે અંગેની સતર્કતા ચકાસાણી કરવામાં આવી હતી. આ ત્તકે આવી ઘટનામાં રિફાઇનરીમાં આંતકી હુમલો થયા બાદ સુરક્ષા એજેન્સી, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ, સ્થાનિક પોલીસ તંત્ર, સ્પેશ્યલ ઓપેરેશન ગ્રુપ વગેરેએ કઈ રીતે કામગીરી કરી તેની ચકાસણી કરવામાં આવી હતી. આ  મોકડ્રિલના અંતે ઉચ્ચ અધિકારીઓએ તમામ બચાવ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ ઓફસાઈટ  મોકડ્રિલમાં મ્યુચ્યુલ એઇડ હેઠળના સભ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિ., ટાટા કેમિકલ્સ લિ., ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., દિગ્વિજય સિમેન્ટ કંપની, સલાયા-નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો હતો. ખંભાળીયા પ્રાંત અધિકારી સંજય કેશવાલા, નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી(હેડ ક્વોર્ટર), (ખંભાળીયા વિભાગ)  નાયબ પોલીસ અધિક્ષક હિરેન ચૌધરી, નયારા એનર્જીના રિફાઇનરી હેડ અને ડાયરેક્ટર પ્રસાદ પાનીકર, સી.આઇ.એસ.એફ.ના આસી. કમાન્ડર જશવંતસિંહ અને રમેશચંદ્ર, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર મોહિત સીસોદીયા, ફેક્ટરી ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર પ્રજાપતિ, ઇન્ડસ્ટ્રીઅલ સેફટી હેલ્થ વિભાગના ડાયરેક્ટર બી.એચ.પટેલ સહિત નયારા એનર્જીનો સ્ટાફ અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.