ગુજરાતભરમાં સર્વ પ્રથમ વખત રાજકોટ જીલ્લાની આશરે 500 સ્વનિર્ભર શાળાના આચાર્યોને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-રાજકોટ દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે.
રાજ્યમાં સૌ પ્રથમવાર આચાર્યોના સન્માનનું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું સરાહનીય પગલું
વિદ્યાર્થીના ઘડતરમાં શાળા, શિક્ષક અને આચાર્યની ભૂમિકા સૌથી મોટી હોય છે. બાળકમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરી એક સારા નાગરિક બનાવવાથી માંડી જીવનમાં સફળતાના શિખર સર કરાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહતપૂર્ણ હોય છે. ત્યારે આ પ્રકારના 500 જેટલાં શાળાના આચાર્યોને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત તા. 12 જાન્યુઆરી 2024ને શુક્રવારના રોજ રાજકોટના રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ જિલ્લાની 500 જેટલી ખાનગી શાળાઓના પ્રિન્સિપાલોને મહાનુભાવોના હસ્તે દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ સમારંભમાં ગુજરાત રાજ્યના શિક્ષણ જગત, સામાજિક જગત, રાજકીય જગત, ઔદ્યોગિક જગત, રમત ગમત ક્ષેત્ર અને મેડિકલ ક્ષેત્ર જેવા અનેકવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અપૂર્વમુનિ, રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ગુલાબભાઈ જાની, અરવિંદભાઈ પટેલ, ડી કે શાહ, પ્રતાપભાઈ પટેલ, બાન લેબ્સમાંથી રાધાબેન ઉકાણી, બિલ્ડર એસોસિએશનમાંથી પરેશભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ નીલામ્બરીબેન દવે, મનસુખભાઇ પટેલ, આઈએમએના પ્રમુખ ડો ભરત કાકડિયા, પૂર્વ પ્રમુખ ડો. પારસ શાહ, મારવાડી યુનિવર્સીટીના જીતુભાઇ ચંદારાણા, ડેનિશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ હેરભા, સીએ પ્રવીણ ધોળકિયા સહીતના અનેક મહાનુભાવો ખાસ આ તમામ સન્માનીત થતા આચાર્યોને પ્રોત્સાહીત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તમામ આચાર્યોને એવોર્ડની સાથે આકર્ષક સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાના જણાવ્યા અનુસાર કોઈપણ વિદ્યાર્થીની સફળતાની પાછળ જેમ શ્રેષ્ઠ શાળાનું યોગદાન હોય છે તેવી જ રીતે કોઈ પણ શાળાની સફળતાની પાછળ તેના શ્રેષ્ઠ આચાર્યનું યોગદાન રહેલું હોય છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સર્વ પ્રથમ વખત રાજકોટ જિલ્લાની 500થી વધારે શાળાના આચાર્યોને દ્રોણાચાર્ય એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે.
આ એવોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રેષ્ઠ શાળા બનાવવામાં જેમનું યોગદાન હોય છે, જે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ સંચાલક વચ્ચે એક ઉત્કૃષ્ટ જોડાણનું કામ કરે છે અને જે શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કાર્યો માટેની જવાબદારી વહન કરતા હોય છે, તેમજ સારા આચાર્ય કે જે મળવા મુશ્કેલ હોય છે અને જેમને ભૂલવા અશક્ય હોય છે. એવા રાજકોટ જીલ્લાની જુદી જુદી સ્વનિર્ભર શાળાના આચાર્યોને સન્માનીત કરવાનો આ અનોખો પ્રસંગ રાજકોટને આંગણે યોજાયો છે. સમગ્ર શિક્ષણ જગતમાં પોતાના શિક્ષકો અને આચાર્યો માટે આદરભાવ અને સત્કારભાવ જળવાઈ અને શિક્ષકોનું સન્માન સમાજમાં હમેશા ઉત્કૃષ્ટ રહે એવા ઉદેશ્યથી આ દ્રોણાચાર્ય એવોર્ડનું આયોજન કરવામાં આવેલ છે.
વિદ્યાર્થી અને શાળાની સફળતા પાછળ સિંહફાળો આપનાર આચાર્યના સન્માનનું સૌભાગ્ય : ડી વી મહેતા
અબતક સાથેની વાતચીતમાં ડી વી મહેતાએ જણાવ્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થીની સફળતા પાછળ તેની શાળાનો વિશેષ ફાળો હોય છે એ જ પ્રકારે કોઈપણ શાળાની સફળતા પાછળ તેના આચાર્યનો ફાળો હોય છે તથા તેમનો ખૂબ મોટું યોગદાન હોય છે. આવા આચાર્યોને દ્રોણાચાર્ય એવોર્ડ થી સન્માનિત કરવાનું સૌભાગ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટને મળ્યો છે. ત્યારે હું સર્વ પ્રથમ હું તમામ આચાર્યને અભિનંદન આપીશ સાથે સાથે આ આચાર્યને એવોર્ડ મળે છે ત્યારે તેમને સન્માનની સાથે તેમની જવાબદારી પણ વધે છે. એવું અમે માનીએ છીએ તથા આ એવોર્ડ 500 થી વધારે આચાર્યોને મળેલ છે.
એવોર્ડ મેળવી ગર્વની લાગણી અનુભવીએ છીએ : આચાર્ય
અબતક સાથેની વાતચીતમાં નોબલ શૈક્ષણિક સંકુલના મોનાલી જોશી જણાવે છે કે, મને પહેલી વખત આ એવોર્ડ મળ્યો છે તથા મને ખૂબ ગર્વની લાગણી અનુભવાય રહી છે. મારો હંમેશા પ્રયત્ન હોય છે કે મારી સ્કૂલ અને મારા વિદ્યાર્થીઓને હું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકું.