- અસુવિધા કે લિયે ખેદ હૈં….
- માર્ચ માસમાં 13 દિવસ સુધી કામગીરી બંધ રહ્યા બાદ ફરી એકવાર ટેક્નિકલ કારણોસર ટેસ્ટ ટ્રેક ઠપ્પ થશે
રાજકોટ સહીત રાજ્યભરની આરટીઓ કચેરી ખાતે વધુ એકવાર ટેક્નિકલ કારણોસર બે દિવસ સુધી ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ રહેનાર છે. અગાઉ માર્ચ મહિના સતત 13 દિવસ સુધી રાજ્યભરમાં ડ્રાયવીંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ રહેતા હજારો અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યા બાદ આજે અને આવતીકાલે બે દિવસ ફરીવાર ટેસ્ટ ટ્રેક સહીતની ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ રહેનારી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી કરતા સારથી પોર્ટલમાં ઇમરજન્સી ડેટાબેઝ મેઈન્ટેનન્સની કામગીરી ચાલુ કરવામાં આવી હોય તે હેતુંથી તા.16/05/2024 અને તા.17/05/2024 એમ બે દિવસ સુધી ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત તમામ કામગીરી તેમજ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે તેવું વાહન વ્યવહાર વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું છે કે, તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ અન્ય દિવસ માટે પુન:આયોજિત કરવામાં આવશે. આ સમસ્યાના શક્ય એટલા જલ્દી સમાધાન માટે એન.આઇ.સી. ટીમ સતત પ્રયત્નશીલ છે અને અરજદારોને થયેલ અસુવિધા બદલ ખેદ છે.
ઉલ્લેખનીય બાબત છે કે, ગત તા. 15 માર્ચથી ટેક્નિકલ કારણોસર ટેસ્ટ ટ્રેક બંધ થતાં રાજકોટના 10 હજાર સહીત રાજ્યભરના લાખો અરજદારોએ હાલાકી ભોગવી હતી. ગત 15મી માર્ચથી ટેસ્ટ ટ્રેક બંધ થતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફકત રાજકોટ જિલ્લાના 10 હજાર અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 28 માર્ચ સુધી એટલે કે 13 દિવસ સુધી પોર્ટલ બંધ રહેતા ડ્રાયવિંગ લાયસન્સ કામગીરી ઠપ્પ થઇ હતી.