રાજ્ય સરકારે આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં 25 નવેમ્બરથી 16 ચેક પોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેમજ 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ હવે નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં.
વાહન ચાલકો ટેક્સ અને ફી parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ચેકપોસ્ટ પર રૂ. 332 કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે.
રાજ્ય સરકાર મુજબ, આ નિર્ણયને કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે અને ધંધા રોજગારમાં ગતિ આવશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત વાહન ચાલકો માર્ગદર્શન અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર(079)23257808 અને 23251369 પર રજૂઆત કરી શકશે. તેમજ ઈમેલ અને વેબસાઈટ cot.gujarat.gov.in પરથી વધારાની માહિતી મેળવી શકશે.