સરકારે રશિયા સાથે હાથ મિલાવી જીપીએસ સિસ્ટમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી

કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, આગામી બે વર્ષમાં ભારતના હાઈવે ટોલ બુથ વગરના થવા જઈ રહ્યાં છે. એસોચેમ ફાઉન્ડેશનના સંબોધનમાં નીતિન ગડકરીએ નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં ટોલબુથને દૂર કરી જીપીએસ સીસ્ટમ (ગ્લોબલ પોઝીશ્નીંગ સીસ્ટમ) આધારીત થશે. જેનાથી હવે ટોલ બુથની જરૂરીયાત રહેશે નહીં.

એક શહેરમાંથી બીજા શહેરમાં કે અન્ય રાજ્યમાં જવા માટે વાહન ચાલકોએ હાઈ-વે પરથી પસાર થવું પડતું હોય છે. હાઈવે ઉપર અમુક ચોક્કસ અંતરે ટોલ બુથ ખાતે ટોલ ભરવા વાહન ચાલકોએ કતારમાં ઉભુ પણ રહેવું પડતું હોય છે. તેથી હવે વાહન ચાલકો માટે સારા સમાચાર આવી રહ્યાં છે કે, આગામી બે વર્ષમાં દેશના તમામ હાઈવે ટોલ બુથ ફ્રી થઈ જશે. જો કે, આ વાત સાંભળતા એક પ્રશ્ર્ન ચોકકસ ઉદ્ભવે કે, ટોલ બુથ દૂર થતાં ટોલ ભરવો પડશે કે કેમ ? ત્યારે વાહન ચાલકોએ ટોલ તો ભરવાનો જ છે પરંતુ હવે જીપીએસ સીસ્ટમ થકી ઓનલાઈન ટોલની ચૂકવણી વાહન ચાલકોએ કરવી પડશે. આ નિર્ણયથી વાહન ચાલકોનો સમય ચોકકસ બચી જશે. એસોચેમ  ફાઉન્ડેશન સપ્તાહ અંતર્ગત કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ સંબોધન કરતા કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં દેશના તમામ હાઈવે ટોલ બુથ વગરના થવા જઈ રહ્યાં છે. સરકારે નવી કલેકશન સીસ્ટમ વિકસાવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના માટે હાલ સરકારે રશિયન સરકાર સાથે હાથ મિલાવી નવી સીસ્ટમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર દેશમાં આગામી દિવસોમાં જીપીએસ આધારીત સીસ્ટમ વિકસાવવામાં આવશે જેથી વાહન ચાલકોએ ટોલ બુથ ખાતે સમય વેડફવો નહીં પડે. પરંતુ તેની સામે વાહન ચાલકોના વાહનમાં જીપીએસ સીસ્ટમ વિકસાવી બેંક ખાતાને જોડી ટોલબુથના નાણા સીધા ખાતામાંથી ઉપાડી લેવામાં આવશે. હાલના સમયમાં આધુનિક કોમર્શીયલ વાહનો જીપીએસ સીસ્ટમ આધારીત હોય છે પરંતુ જૂના વાહનોમાં પણ જીપીએસ સીસ્ટમ વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય બાબત છે કે, ટૂંક સમયમાં જ સરકારે ટોલ બુથ ખાતે ફાસ્ટટેગ સીસ્ટમ અમલી બનાવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ હતો કે વાહન ચાલકોએ ટોલ બુથ ખાતે સમય બગાડવો પડે નહીં. જે બાદ સરકારે આ દિશામાં વધુ એક નિર્ણય લીધો છે. નીતિન ગડકરીના મત મુજબ જીપીએસ આધારીત સીસ્ટમ વિકસાવ્યા બાદ ફકત પાંચ વર્ષમાં નેશનલ હાઈવે ઓથોરીટી રૂા.૧.૩૪ ટ્રીલીયનની કમાણી કરશે. ગડકરીએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, અમે જીપીએસ આધારીત સીસ્ટમનું નિરીક્ષણ કર્યું છે અને રશિયન સરકાર સામે મળીને આ પ્રોજેકટ પર કામ કરી રહ્યાં છીએ. અમારી અપેક્ષા મુજબ ૨ વર્ષના સમયગાળામાં આ સીસ્ટમ તૈયાર થઈ જશે. એકવાર સીસ્ટમ વિકસાવ્યા બાદ તમામ વાહન ચાલકોના વાહનને તેમના બેંક એકાઉન્ટથી જોડી દેવામાં આવશે અને ટોલ બુથ સ્વરૂપના નાણા સીધા તેના બેંક એકાઉન્ટમાંથી ઉપાડી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.