ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની છૂટછાટ જાહેર કરી છે. ત્યારે આ અશંત દારૂબંધી હટાવવી કેટલી યોગ્ય છે ? તેને લઈને રાજ્યભરમાં અત્યારે ચોરે અને ચોકે ચર્ચા જાગી છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તેના સ્થાપનાકાળથી છે. ગિફ્ટ સિટીએ અત્યારે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે અહીં દેશ-વિદેશના મોટા રોકાણકારો આવી રહ્યા છે. હવે આ હદે વિકાસ થયો ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં સુવિધાઓ વધારવી પડે. આવા વિચાર સાથે ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીથી રાહત આપી છે. પણ સાથે કડક નિયમો પણ બનાવ્યા છે કે ત્યાંની કંપનીના માલિકો અને કર્મચારીઓ તેમજ કંપનીના ઓથોરાઈઝ વિઝિટર્સ માટે જ પરમીટની વ્યવસ્થા કરવામાં આવશે. આ પરમીટના આધારે તેઓને નિયર હોટેલ અને રેસ્ટોરન્ટમાં ત્યાંના એક કર્મચારીની હાજરીમાં દારૂ પીરસાશે.

નિયમો તો કડક છે પણ તેની ચુસ્ત અમલવારી જરૂરી બની રહેશે. કારણકે મર્યાદામાં રહીને અપાયેલી આ છુટનો ગેરઉપયોગ ન થાય તે પણ જરૂરી છે. નહિતર ગાંધીના ગુજરાતના સત્તાધારી ભાજપને કલંક લાગશે. આ માટે તંત્ર અને પદાધિકારીઓએ સાબદુ પણ રહેવું પડશે.

ગુજરાતમાં દારૂબંધી છે છતાંય છાને ખૂણે મોટા પ્રમાણમાં દારૂ પીવાય છે તસ વાસ્તવિકતા છે. દારૂ મોટા પ્રમાણમાં પકડાઈ પણ છે. ત્યારે લોકોમાં બે મત ચાલી રહ્યા છે કે દારૂબંધી હટાવવી દેવી જોઈએ, આમ પણ છુપી રીતે બેફામ દારૂ પીવાય છે. તો પછી દારૂની છૂટ આપી દેવી જોઈએ. જેથી તંત્ર વાહકોના ખિસ્સાને બદલે વેરા તરીકે ગુજરાત સરકારની તિજોરીમાં પૈસા જાય.

બીજો વર્ગ એવો પણ છે જે એવી માન્યતા ધરાવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે તે સારું જ છે. આ માન્યતા હકીકતની નજીક પણ છે. કારણકે દારૂબંધી છે એટલે ગુજરાતમાં શાંતિ છે. છાને ખૂણે ભલે દારૂ પીવાય છે પણ  સુરક્ષા અને તંત્રના ડરને કારણે લોકો છુપાઈને પીવે છે. જો દારૂબંધી હટી જાય તો જે લોકો ડરના માર્યા દારૂથી દૂર છે તે પણ દારૂની લતે ચડી જાય.

આમ દારૂબંધીએ રાજ્યમાં પ્રમાણમાં શાંતિ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી રાહત સરકારે આપી છે તો સરકારનું આની પાછળ વિકાસને બ્રેક ન લાગવા દેવાનું તર્ક છે. પણ સામે સરકારની જવાબદારી પણ વધી જાય છે. કારણકે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કર્યા બાદ સુરક્ષાનો મુદ્દો અને નિયમોમાં છીંડા ન પડે તે મુદ્દો બરાબર ગાંઠ મારીને રાખવો પડે તેમ છે. આમ કહીએ તો રાજ્ય સરકારે વિકાસ માટે એક જોખમ લીધું છે. હવે એ જોખમ કા તો અર્થતંત્ર માટે ફળશે અથવા તો આબરૂમાં દાગ પણ લગાવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.