નિષ્ણાતના મત અનુસાર રાત્રે દૂધમાં એક ચમચી ખાંડ લઈએ તો ખૂબ જ સારી ઊંઘ મળી શકે છે, એક હેલ્ધી જીવનની કામના કરતી વ્યક્તિ જો પૂરતા કલાકોની ઊંઘ લે અને પોષણયુક્ત ખોરાક ખાય તો મોટા ભાગની હેલ્થ સચવાઈ જ રહે છે. ખોરાક અને ઊંઘનો સીધો સંબંધ છે, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જો હેલ્ધી રહેવા માગતી હોય તો ડાયટ અને એક્સરસાઇઝથી પણ વધુ ધ્યાન જે બાબત પર આપવું જોઈએ એ છે ઊંઘ. આખા દિવસ દરમ્યાન શરીરમાં જેટલી તોડફોડ થઈ હોય એ રિપેર ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ રાત્રે સૂઈ જાય. ઊંઘ દરમ્યાન જ તેનાં બધાં જ અંગ-ઉપાંગોને આરામ મળે છે અને એ આરામ અત્યંત જરૂરી છે. ઊંઘને ખોરાક સાથે સીધો સંબંધ છે. ભૂખ્યા પેટ વ્યક્તિને ઊંઘ નથી આવતી અને વધુપડતા ભરેલા પેટે ભયંકર ઊંઘ આવે છે. આ તો થઈ ખોરાકની ક્વોન્ટિટીની વાત. કોઈ દિવસ બહારનું તીખું-તમતમતું, મસાલેદાર ભોજન ખાધું હોય તો વ્યક્તિને જલદી ઊંઘ આવતી નથી. એ જ રીતે ચા-કોફી વધારે પિવાઈ ગયાં હોય તો થાક લાગવા છતાં પણ સમયસર ઊંઘ આવતી નથી. હકીકત એ છે કે સમયસર પોષણયુક્ત સૉત્વક ખોરાક અને યોગ્ય પૂરતી ઊંઘ આ બે જ વસ્તુનું ધ્યાન જે વ્યક્તિ રાખતી હોય તેણે તેની હેલ્થ વિશે વધુ ચિંતા કરવાની જરૂર હોતી નથી.
પોષણની કમી અને સ્લીપ ડિસઑર્ડર
ખોરાકની અસર આપણા સમગ્ર શરીર અને એનાં કાર્યો પર પડે છે. એ જ રીતે એની અસર ઊંઘ પર પણ પડે જ છે. ખોરાક આપણને પોષણ આપે છે અને જો એ પોષણ પૂરતું ન હોય તો એની અસર ઊંઘ પર પણ પડે છે. આપણા શરીરમાં એક હોર્મોન છે, જેનું નામ છે મેલેટોનિન. આ હોર્મોન રાત્રે અંધારું થાય ત્યારે ઍક્ટિવ બને છે, શરીરને રિલેક્સ કરે છે અને વ્યક્તિને ઉંઘાડવામાં મદદ કરે છે. આ મેલેટોનિનના ઉત્પાદનમાં કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે. જો કેલ્શિયમની ઊણપ હોય તો મેલેટોનિનના ઉત્પાદનમાં તકલીફ શરૂ થાય છે. કેલ્શિયમ સિવાય બીજાં કયાં પોષકતસવો સારી ઊંઘ લાવવા પાછળ જવાબદાર છે એ વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાનાં સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, મેગ્નેશિયમની ઊણપ સરજાય તો લાંબા ગાળાનો અનિદ્રાનો રોગ થઈ શકે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં મિનરલ્સની ઊણપ હોય તો થોડા કલાકમાં જ ઊંઘ ઊડી જાય છે અને પાછી જલદી આવતી નથી. આમ ઊંઘની ક્વોલિટી પર અસર પડે છે. જો વ્યક્તિમાં આયર્નની ઊણપ હોય તો રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ નામની બીમારી થાય છે, જેમાં સતત પગ હલાવતા રહેવાની ઇચ્છા થાય છે; જેથી વ્યક્તિ સૂઈ જ નથી શકતી. આ તકલીફ પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાં વધુ થાય છે. વિટામિન ઉની ઊણપ હોય તો વ્યક્તિ દિવસ દરમ્યાન વધુ સૂતી રહે છે. એ જ રીતે વિટામિન ગ્૬ની ઊણપ હોય તો સાઇકોલોજિકલ પ્રોબ્લેમ્સ શરૂ થઈ જાય છે, જે ઊંઘમાં ખલેલ પહોચાડ્યા કરે છે.
ખોરાક અને સ્લીપ ઍપ્નિઆ
ખોરાક અને ઊંઘ વચ્ચેના સંબંધને સમજાવતાં ડોકટર કહે છે, જ્યારે ઊંઘ પૂરી ન થઈ હોય ત્યારે એને કારણે ઉદ્ભવતું સ્ટ્રેસ વ્યક્તિના પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. તાત્કાલિક એનર્જી આપતાં એનર્જી બૂસ્ટર ડ્રિન્ક, શુગર અને કેફિન ધરાવતાં પીણાંઓ; જેમાં ચા અને કોફીનો પણ સમાવેશ થાય છે એ પાચનતંત્રને અસર કરે છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. જે લોકોને ઍસિડિટીનો પ્રોબ્લેમ છે, ખાસ કરીને ખાટા ઓડકારનો પ્રોબ્લેમ છે જેમાં ઍસિડ અન્નનળી મારફતે ઉપર આવે છે એ રાત્રે સૂતી વખતે ખૂબ વધી જાય છે. ખાટા ઓડકારની તકલીફ રાત્રે સૂતી વખતે નાકમાંથી આવતો સિસોટી જેવો અવાજ, લાંબા ગાળાનો રાત્રે વધી જતો કફ અને સ્લીપ ઍપ્નીઆ જેવા રોગો સાથે સંબંધિત છે.
દૂધ અને સાકર
સારી કક્ષાની ઊંઘ માટે કયા પ્રકારનો ખોરાક મદદરૂપ થઈ શકે છે એ બાબતે વાત કરતાં ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ડોકટર છે, આપણા શરીરમાં સેરોટોનિન નામનું કેમિકલ જો વ્યવસ્થિત પ્રમાણમાં હોય તો જ આપણને સારી ઊંઘ આવી શકે છે.
સેરોટોનિન કોઈ ખાદ્ય પદાર્થમાંથી સીધું મળતું નથી. પરંતુ ટ્રિપ્ટોફેન નામનું અમીનો ઍસિડ એને બનાવવામાં મદદરૂપ થાય છે, જે ખૂબ જ સરળતાથી દૂધમાંથી મળે છે. રાત્રે હૂંફાળા દૂધમાં થોડી ખાંડ કે ખડી સાકર નાખીને પીવાનું ઊંઘ માટે લાભદાયી માનવામાં આવે છે. દૂધમાં રહેલું ટ્રિપ્ટોફેન સેરોટોનિન બનાવી તો દે છે, પરંતુ એ શરીરમાં વ્યવસ્થિત ઍબ્સોર્બ થાય એ માટે ખાંડની જરૂર પડે છે. ઘણા લોકો ખાંડ એટલે નથી નાખતા હોતા કે તેમને લાગે છે કે એનર્જી મળી જશે તો ઊંઘ નહીં આવે. પરંતુ એવું નથી. ખાંડ વ્યક્તિને રિલેક્સ કરે છે, જેના વડે સ્ટ્રેસ દૂર થઈને ઊંઘ સારી આવે છે. ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો ખડી સાકર પણ ચાલી શકે છે. જેમને રાત્રે સૂવા છતાં તરત ઊંઘ ન આવતી હોય તેમના માટે આ કામનું છે.
શું લઈ શકાય?
સારી ઊંઘ માટે જરૂરી છે કે તમારો ખોરાક એવો હોવો જોઈએ જે તમારી નસોને રિલેક્સ રાખે, ટેન્શન ઊભું ન કરે. આવા રિલેક્સિંગ ફૂડ દિવસ દરમ્યાન પણ ખાવા જોઈએ. એ વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, રિલેક્સિંગ ફૂડમાં એક છે ગુલકંદ. ગુલાબ અત્યંત રિલેક્સિંગ ફૂડ છે અને એમાં રહેલી સાકર ઍબ્સોર્પ્શન માટે ઉપયોગમાં આવે છે. દિવસ દરમ્યાન ક્યારેય પણ ગુલકંદ ખાઈ શકાય છે. આ સિવાય ઘી પણ રિલેક્સિંગ અને ઊંઘ માટે ઉપયોગી ખોરાક છે. નસોને એ રિલેક્સ રાખે છે. ગુલકંદ અને ઘી જેવા પદાર્થોને દિવસ દરમ્યાન ગમે ત્યારે રોજિંદા ખોરાકમાં લઈ શકાય છે. આ સિવાય ઊંઘ માટે અત્યંત ઉપયોગી જાયફળ છે. વળી જાયફળ એકદમ સેફ પણ છે. બાળકોથી લઈને વૃદ્ધ કોઈ પણ એને લઈ શકે છે. જે બાળકો ખૂબ જ હાઇપર હોય અને રાત આખીસૂતાં જ ન હોય તેમને પા ચપટી જેટલું જ જાયફળ દૂધમાં ભેળવીને પીવડાવવામાં આવે તો તેમને સરસ ઊંઘ આવી શકે છે.