મંજુર કરાયેલાં 1.23 કરોડ આવાસ પૈકી હજુ પણ 98.4 લાખ આવાસનું નિર્માણ કાર્ય બાકી!!!
શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)ની સમય મર્યાદા વધુ બે વર્ષ માટે લંબાવી માર્ચ 2024 કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ’વંચિત’ને તેમના ’સ્વપ્નનું ઘર’ આપવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ એટલે 1 કરોડ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર આપવાનો લક્ષ્યાંક હતો. આ યોજનાની શરૂઆત જૂન, 2015માં કરવામાં આવી હતી અને 7 વર્ષમાં લક્ષ્યાંક પૂર્ણ કરી માર્ચ, 2022 સુધીમાં તમામ લોકોને તેમના ઘરનું ઘર આપી દેવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હાલ સુધીમાં 58.7 લાખ લોકોને જ આવાસની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કુલ
1.23 કરોડ આવાસને મંજૂરી આપી હતી જે પૈકી હજુ 98.4 લાખ આવાસ નિર્માણના તબક્કામાં છે.
શહેરી વિસ્તારોમાં દરેક પરિવારને પાકી છત પૂરી પાડવા માટેની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જૂન,2015માં શરૂ કરવામાં આવી હતી અને સરકારે શરૂઆતમાં માર્ચ,2022ની સમયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ રાજ્યોની વધુ માંગને કારણે વધુ મકાનો મંજૂર થતાં હવે બાંધકામ પૂર્ણ થવામાં વધુ સમય લાગશે, તેવું સૂત્રોએ જણાવ્યું છે.
કેન્દ્રએ આ ફ્લેગશિપ સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1.23 કરોડ મકાનો મંજૂર કર્યા છે અને તેમાંથી લગભગ 98.4 લાખ મકાનો ગ્રાઉન્ડ થયા છે એટલે કે બાંધકામ શરૂ થઈ ગયું છે. સરકારી ડેટા અનુસાર, લગભગ 58.7 લાખ મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે અથવા બાંધકામ પૂર્ણ કરી લેવાયાં છે.
ગુજરાતમાં 7.3 લાખ મકાનોનું કાર્ય પૂરું કરવામાં આવયહ છે, મહારાષ્ટ્ર 6.7 લાખ અને મધ્યપ્રદેશમાં 5 લાખ, તમિલનાડુમાં 4.7 લાખ મકાનો પૂર્ણ કરાયાં છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં કેબિનેટે આવાસ યોજનાના ગ્રામીણ ઘટકને માર્ચ,2021 પછી માર્ચ,2024 સુધી લંબાવવાની મંજૂરી આપી હતી, જેને પીએમએવાય-ગ્રામીણ તરીકે ઓળખવામાં આવે છે.
મુદ્દત લંબાવવા પાછળ જવાબદાર પરિબળો ક્યાં?
આવાસ યોજનાની મુદ્દત પાછળ ઠેલવી પડશે તેની પાછળના કારણો અંગે સમીક્ષા કરવામાં આવે તો પ્રથમ તો બે વર્ષ કોરોના મહામારીના ગાળા દરમિયાન તમામ કાર્યો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. અન્ય કારણોમાં ક્યાંક સરકારી બાબુઓની ચંચુપાત પણ જવાબદાર છે. ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે પણ નિર્માણકાર્યમાં ધાર્યા કરતાં વધુનો સમય લાગી રહ્યો છે જેના કારણે વધુ બે વર્ષ સુધી મુદ્દત લંબાવાની જરૂરિયાત ઉભી થઇ છે.
ઍફોર્ડેબલ હાઉસિંગનો પ્રોજેકટ ખરા અર્થમાં ‘ઍફોર્ડેબલ’?
પ્રધાનમંત્રી આવાસને ઍફોર્ડેબલ હાઉસિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અંગ્રેજી શબ્દ ’ઍફોર્ડેબલ’નો અર્થ ’સૌને પોષાય’ તેવો થાય છે એટલે કે સમાજના દરેક વર્ગને તેમના બજેટમાં પોષાય તેવું ઘરનું ઘર. હવે જ્યારે વાત ઍફોર્ડેબલ હાઉસિંગ કરવામાં આવતી હોય તો રાજકોટમાં થ્રી-બીએચકેના ફ્લેટની કિંમત અગાઉ 24 લાખ રૂપિયા રાખવામાં આવી હતી પરંતુ ઍફોર્ડેબલ હાઉસિંગનો આ પ્રોજેકટ સૌને પોષાય તેવો ન હતો જેથી મનપાએ ભાવમાં 6 લાખનો ઘટાડો કરતા 18 લાખની કિંમતના ફ્લેટ માટે ફરીવાર ફોર્મ જાહેર કર્યા હતા. 700 જેટલા આવાસ માટે ફક્ત 289 જેટલા ફોર્મ જ રજૂ થયા જેથી આ આવાસ ખરેખર ઍફોર્ડેબલ છે કે કેમ? તેવો સવાલ ઉઠ્યો છે. શું મનપાએ ભાવ નક્કી કરતા પૂર્વે આ કિંમત કેટલા અંશે ઍફોર્ડેબલ હશે તેવો વિચાર નહીં કર્યો હોય? તેવો પણ સવાલ ઉઠ્યો છે.