ધ્રાંગધ્રા સબજેલ કાચા કામના કેદીઓ માટે સ્વર્ગ સમાન છે તે હકીકત છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવાથી કેટલીક વખત મુશ્કેલીથી મળતો દારૂ સબજેલમાં કેટલાક કેદીઓને ખુબ જ આરામથી મળી જાય છે તેવામાં અગાઉ અહીં કેટલીય વખત કેદીઓ પાસેથી મોબાઈલ, ચાર્જર, વિદેશીદારૂ તથા બિયરના ટીન સહિત છરી પણ મળી આવી છે તેવામાં જેલ પ્રશાસનમાં રહેલા પોલીસ ગાર્ડ પર અનેક વખત આ બાબતે સવાલો પણ ઉઠયા છે
જોકે ધ્રાંગધ્રાની સબજેલમાં એક જ પ્રવેશ દ્વારા હોવાથી તમામ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આપ-લે મુખ્યદ્વારથી જ પોલીસ ગાર્ડની રહેમ નજર નીચે જ થતી હોય છે ત્યારે ફરી એક વખત સબજેલ પાટડીના લાંચીયા અધિકારીઓને વીઆઈપી સુવિધા આપવાને મામલે ચર્ચામાં આવી છે. જેમાં હાલમાં જ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં કલાસ-વન અધિકારી સહિતના બે સરકારી કર્મચારીઓ મોટી તગડી લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયા હતા ત્યારે આ બંને અધિકારીઓ પર લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ફરિયાદ નોંધી ધ્રાંગધ્રા કોર્ટમાં હાજર કરાયા હતા પરંતુ પોતાના રૂપિયાના જોરે જામીન મંજુર કરાવવા ખુબ જ મહેનત કરી હોવા છતાં પણ ધ્રાંગધ્રા મેજીસ્ટ્રેટ દ્વારા તેઓના જામીન નામંજુર થતા હવે આ બંને અધિકારીઓને અંદાજે દસેક દિવસ સુધી ધ્રાંગધ્રા સબજેલની હવા ખાધા વગર છુટકારો ન હતો જેથી આ બંને લાંચીયા અધિકારીઓ દ્વારા પોતાની નોકરીના પાવર અને રૂપિયાના જોરથી ધ્રાંગધ્રા સબજેલમાં પણ વીઆઈપી સુવિધાની યોજના ઘડી લીધી છે.
જયારે આંતરીક સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા સબજેલમાં રહેલા આ બંને અધિકારીઓની એન્ટ્રી બેરેક નંબર-૧માં તો થઈ છે પરંતુ જયારથી અધિકારીઓએ સબજેલમાં પ્રવેશ કર્યો ત્યારથી જ તેઓને સબજેલની ઓફિસમાં જ રખાયા છે ત્યારે ખરેખર કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ પરંતુ સબજેલનું પ્રશાસન પોતે આ વાતને ખોટી સાબિત કરી આ બંને અધિકારીઓને પોતાના ઘર જેવી વીઆઈપી સુવિધા પાડતા ધ્રાંગધ્રા સબજેલમાં પ્રશાસન પર કેદીઓ સાથે વ્હાલા-દવલાની નીતિ અપનાવી સરકારી અધિકારીઓને વીઆઈપી સુવિધા પુરી પાડવાનો આક્ષેપ થઈ રહ્યો છે.