રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના સાતે સાત દુ:શાસનો જો મળે તો ચિર પુરી શકાય: દેશના સૌથી જૂના રાજકીય પક્ષની હાલત પ્રાદેશીક પક્ષ કરતાં પણ ‘પતલી’

મહાભારતમાં પાંચાલી અર્થાત દ્રોપદીનું ભરી સભામાં ચિર હરણ કરનાર કૌરવ પક્ષનો દુ:શાસન હતો. જે ઓળખાય ગયો હતો. જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ ચિત પૂર્વા હતા. વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારોને મત આપવાના બદલે હરિફ પક્ષના ઉમેદવારને મત આપી ગુજરાતમાં સાત ધારાસભ્યો એ ક્રોસ વોટીંગ કરી કોંગ્રેસનું ચિરહરણ કરી નાંખ્યું છે. હવેઆ દુ:શાસનને શોધવા પક્ષ માટે મુશ્કેલ બની ગયું છે. જો દુ:શાસન મળે તો જ પક્ષના ચીર પુરી શકાય તેમ છે.

દેશના 1પમાં રાષ્ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રોપદી મુર્મુ તોતીંગ લીડથી સાથે વિજેતા બન્યા છે. આગામી સોમવારે તેઓ વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રના મહામહિમ તરીકે શપથ ગ્રહણ કરશે આ સાથે ભારતમાં એક નવા યુગનો આરંભ થશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 16 રાજયોમાંથી 104 ધારાસભ્યોએ અને 17 સંસદ સભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુ હતું. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુ છે. રાજયના કોંગ્રેસનું ચિરહરણ કરનાર દુ:શાસનને શોધવો હવે મુશ્કેલી બની ગયો છે. હવે ક્રોસ વોટીંગ કરનાર આ સાતેય ધારાસભ્યો વંડી પર બેઠા છે જે ગમે ત્યારે પક્ષ પલ્ટાની ચાદર ઓઢી લે તેવી દહેશત પણ કોંગ્રેસને અંદર ખાતે સતાવી રહી છે.

રાષ્ટ્રપતિની ચુંટણીમાં કોઇપણ પક્ષ દ્વારા વ્હીપ જારી કરી શકાતો નથી. રાજયસભાની ચૂંટણીની માફક ધારાસભ્યોએ અહીં સાંસદો પણ મત આપી પક્ષના નિયુકિત કરાયેલા પ્રતિનિધિને બેલેટ પેપર બતાવવાનું રહેતું નથી. આવામાં કયાં ધારાસભ્યએ ક્રોસ વોટીંગ કર્યુ તે શોધવું મુશ્કેલ બની જાય છે ગુજરાતમાં ભાજપ પાસે કુલ 111 ધારાસભ્યો છે છતાં દ્રોપદી મુર્મુને 1ર1 મતો પ્રાપ્ત થયા. જેમાં ભાજપના 111 ધારાસભ્યો ઉપરાંત એનસીપીના એક અને બીટીપીના બે ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસના 64 પૈકી સાત ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુ છે. આદિવાસી સમાજના જ ધારાસભ્યોએ પોતાના અંતર આત્માનો અવાજ સાંભળી દ્રોપદી મુર્મુને મત આપ્યો હોવાની પણ સંભાવના રહેલી છે. પરંતુ હવે પક્ષનું ચિર હરણ કરી લેનારા એક નહી સાત-સાત શકુનીઓને શોધવા કોંગ્રેસ માટે મુશ્કેલ બની ગયું છે. કોંગ્રેસ કેટલાક ધારાસભ્યો રાષ્ટ્રપતિની ચુંટણી બાદ ફોન ઉપાડતા બંધ થઇ ગયા છે તો અમુકના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે.

માત્ર ગુજરાત જ નહીં દેશના 16 રાજયમા: 104 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિની ચુંટણીમાં ક્રોસ વોટીંગ કર્યુ હતું. જયારે ટીએમસીના 17 સાંસદોએ પણ પોતાની અંતર આત્માનો અવાજ સાંભળીને દ્રોપદી મુર્મુને મત આપ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસના સાત ધારાસભ્યો ફુટેલા નિકળ્યા છે. જે પક્ષ માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે વિધાનસભાની ચુંટણીના આડે હવે માત્ર ચારથી પાંચ મહિનાનો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિની ચુંટણીમાં સાત-સાત ધારાસભ્યોનું ક્રોંસ વોટીંગ પક્ષ માટે ચિંત વધારી રહ્યું છે. હવે ચિરહરણ કરનાર દુ:શાસન મળે તેમ નથી આવામાં કોણ હવે કૃષ્ણ બની ચિરપુરશે તે મોટો સવાલ છે દ્રોપદી મુર્મુને કુલ 6,76,803 મતો મળ્યા હતા. જેની સામે યશવંતસિન્હાને 3,80,177 મતો મળ્યા છે.

રાષ્ટ્રપતિ પદથી ચુંટણીમાં ગુજરાતમાં સાત ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતા હવે કોંગ્રેસને ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ચિંતા સતાવવા લાગી છે જો તેમાં પણ ક્રોસ વોટીંગ થશે તો ચુંટણી વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસને તુટતી બચાવવા પક્ષ માટે મોટો પડકાર બની જશે.

મફતની રેવડીથી ભાજપ પરેશાન!!!

આડેધડ મફત આપવાની જાહેરાતો દેશના અર્થતંત્રને માયકાંગલું બનાવી દેશે

અનેક રાજ્યમાં સરકારો ભાજપને ટક્કર આપવા માટે મફતની રેવડી આપી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસનો વિકલ્પ બનીને રાષ્ટ્રીય કક્ષાએ ઉભરી રહેલી આમ આદમી પાર્ટી પણ મફતની રેવડીની ધડાધડ જાહેરાતો કરી રહી છે. દિલ્હી અને પંજાબમાં પણ આવી જ જાહેરાતોથી તેઓએ સરકાર બનાવી હોવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે. હવે આ મફતની રેવડીએ જાણે ભાજપની ચિંતા વધારી દીધી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપ હવે આનો કોઈ રસ્તો કાઢવા માંગે છે. બીજી તરફ નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે જો રાજકીય પક્ષો આડેધડ મફત આપવાની જાહેરાતો કર્યા કરશે તો અર્થતંત્રને મોટા ફટકા પડશે. આ રાજકીય પક્ષો અર્થતંત્રની કોઈ પરવાહ કર્યા વગર જ માત્ર સરકાર બનાવવા પ્રજાને મફતની લ્હાય આપી રહ્યા છે.

ભારતની હાલત શ્રીલંકા અને પાકિસ્તાન જેવી થઈ શકે છે!!

એક તરફ ડોલર ખૂબ મજબુત થઈ રહ્યો હોય વિશ્વના મોટાભાગના દેશની કરન્સી ડોલર સામે નબળી પડી રહી છે. અર્થતંત્ર અત્યારે પીડાઈ રહ્યું છે. ત્યારે તેને બુસ્ટર ડોઝ આપવા સરકાર સતત પગલાં લઈ રહ્યું છે. તેવામાં જો પ્રજાને આડેધડ મફત આપવાનું ચાલુ કરવામાં આવશે તો ભારતની સ્થિતિ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી થઈ જતા વાર નહિ લાગે.

પ્રજાને મફતનું ખાવાની ટેવ પડાવવા કરતા પ્રજાને સક્ષમ બનાવવી જોઈએ

નિષ્ણાંતોના મતે મફતનું આપીને પ્રજાને તેની ટેવ પડાવવી આર્થિક અને સામાજિક રીતે પણ અયોગ્ય છે. જો ખરેખર પ્રજાને પ્રગતિ કરાવવી હોય તો તેને મફતનું આપવા કરતા એટલા સક્ષમ બનાવવા જોઈએ કે તેઓ પોતાની જરૂરિયાતની વસ્તુ જાતે જ ખરીદી શકે. એટલે કે પ્રજા માટે તકો સર્જવી જોઈએ, રોજગારી વધારવી જોઈએ આવું બધું કરીને પ્રજાને એટલી સક્ષમ બનાવી દેવી જોઈએ કે તે જાતે મહેનત કરી પોતાની જરૂરિયાત સંતોષી શકે.

સાત દુ:શાસનો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ચીરહરણ કરશે

ગુજરાત કોંગ્રેસને સતત ભય સતાવી રહ્યો છે

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના સાત ધારાસભ્યો એ દુ:શાસન બની પક્ષનું જ ચીરહરણ કર્યુ હતું. આ સાતને શોધવા પક્ષ માટે રૂના ઢગલા માંથી સોઇ શોધવા જેવું મુશ્કેલ કામ બની ગયું છે. હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ક્રોસ વોટીંગથી બચવા માટે કોંગ્રેસ કેવું સ્ટેન્ડ લે છે તેના પર બધાની મી મંડાયેલી છે કારણ કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદિવાસી સમાજમાંથી આવતા હોય આદિવાસી ધારાસભ્યોએ તેઓની તરફેણમાં મતદાન કર્યુ હોવાનું કહી કોંગ્રેસ મન બનાવી લેશે. પરંતુ ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં પણ જો આ ઘટનાનું પુનરાવર્તન થશે તો એક વાત નકકી થઇ જશે કે આ સાતેય દુ:શાસનો વંડી પર બેઠા છે અને ગમે ત્યારે કેસરિયા કરશે.

ક્રોસ વોટીંગ કરનારા ધારાસભ્યોને શોધવા કોંગ્રેસ કમિટી બનાવશે

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના સાત જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતા દિલ્હી સુધી તેના ઘેરા પડઘા પડ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પણ ક્રોસ વોટીંગનો સીલસીલો યથાવત રહે તો આ ઘટના કોંગ્રેસ માટે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ઘાતક સાબિત થઇ શકે તેમ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષ દ્વારા વ્હિપ અપાતી નથી. આવામાં ક્રોસ વોટીંગ કરનાર ધારાસભ્યોને શોધવા મહામુશ્કેલ છે. છતાં કોંગ્રેસ દ્વારા ક્રોસ વોટીંગ કરનાર તમામ ધારાસભ્યોને શોધવા માટે આગામી દિવસોમાં એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી ઝીણવટભરી તપાસ કરી સાત ધારાસભ્યોને શોધી કાઢશે. જો કે, તેના નામ જાહેર કરવામાં આવશે કે કેમ તેની સામે પણ મોટો સવાલ ઉભો છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદિવાસી હોય કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની હાલ પ્રબળ સંભાવના જણાઇ રહી છે. આજે કમિટી બનાવવાની જાહેરાત ચોક્કસ કરવામાં આવી છે પરંતુ કમિટીની રચના ક્યારે કરશે અને તેમાં કેટલા સભ્યો અને તેમાં કોણ-કોણ હશે તે જોવાનું રહ્યું?

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.