ડરો મત સાવચેતી જરૂરી
ફકત એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં બમણો ઉછાળો : દૈનિક કેસો 5 હજારને પાર
એક તરફ કોરોનાનો ફૂંફાડો અને બીજી બાજુ અનિયમિત વાતાવરણે માઠી અસર સર્જી છે. હાલ ગુજરાત સહીત અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના લીધે વાતાવરણ ખુબ જ અનિયમિત બન્યું છે. કદાચ ગત શિયાળું ઇતિહાસમાં સૌથી વધુ ગરમ રહ્યું હશે ત્યારે હવે ઉનાળો પ્રમાણમાં ઠંડો જોવા મળી રહ્યો છે. વાતાવરણની અનિયમિતતા માટે મનુષ્યનું શરીર તૈયાર નથી જેના લીધે ઇમ્યુનીટી સિસ્ટમ નબળું પડી રહ્યું છે પરિણામે કોરોના જેવા વાયરસ હાવી થઇ રહ્યા છે.
કેરળ, દિલ્હી સહિતના રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં તીવ્ર ઉછાળાને કારણે ભારતની દૈનિક સંક્રમિત દર્દીઓની સંખ્યા પાછલા દિવસની સરખામણીએ 20% થી વધી ગઈ છે, જે ગયા વર્ષે 22 સપ્ટેમ્બર પછી પ્રથમ વખત 5,000ની સપાટીને વટાવી ગઈ છે. અન્ય ઉત્તરીય રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને યુપીમાં પણ કોરોના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અહેવાલ મુજબ ભારતમાં બુધવારે 5,335 નવા કેસ નોંધાયા છે. કેરળની સંખ્યા વધીને 1,912 થઈ ગઈ છે. જયારે મૃત્યુની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 2, કર્ણાટકમાં 2, કેરળમાં 1 અને પંજાબમાં 1 દર્દીઓના મોત થયાં છે.
દૈનિક કેસોની સાત દિવસની સરેરાશ એક સપ્તાહમાં બમણી થઈ ગઈ છે. પાછલા અઠવાડિયે (30 માર્ચ-5 એપ્રિલ) દરમિયાન ભારતમાં 26,361 નવા કેસ નોંધાયા છે, જે અગાઉના સાત દિવસમાં નોંધાયેલા સંખ્યા (13,274) કરતા બમણા છે. છેલ્લા સાત દિવસમાં કુલ 48 મૃત્યુ થયા છે, જે અગાઉના સમયગાળામાં 38 હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હજુ સુધી હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. જો કે, અમે રાજ્યોને સલાહ આપી છે કે હોસ્પિટલોને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવે.
છેલ્લા સાત દિવસમાં કેસ ત્રણ ગણા વધવા સાથે કેરળમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે, જે મહારાષ્ટ્રને વિસ્થાપિત કરે છે જ્યાં આ સમયગાળા દરમિયાન 3,878 કેસ નોંધાયા હતા. કોરોના કેસો મામલે દિલ્હી 2703 કેસ સાથે ત્રીજો નંબર ધરાવે છે. જે અગાઉના સાત દિવસના કુલ 1,190 ની સરખામણીમાં 2.3 ગણો વધારે છે.
રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 2142ને આંબી : 1 મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 327 નવા દર્દીઓ સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 2142ને આંબી ગઈ છે. સૌથી વધુ 95 નવા કેસ સાથે અમદાવાદમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 681એ પહોંચી છે. જયારે સુરતમાં 29 નવા દર્દીઓ સાથે આંકડો 230એ પહોંચ્યો છે. વડોદરામાં 28 નવા સંક્રમિત દર્દીઓ નોંધાયા છે જેના લીધે સક્રિય કેસો 277એ પહોંચ્યા છે જયારે રાજકોટ શહેરમાં 4 અને ગ્રામ્યમાં 13 નવા દર્દીઓ સાથે કુલ સક્રિય કેસોની સંખ્યા 179એ પહોંચી છે. 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાને લીધે 1 મોત નોંધાયું છે.
વધતા જતા કેસો વચ્ચે આજે મનસુખભાઇ માંડવીયા રાજ્યના આરોગ્ય પ્રધાનો સાથે કરશે બેઠક
દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલય સતત હરકતમાં છે. દૈનિક કેસો 5 હજારને પાર પહોંચતા આજે બપોરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરનારા છે. આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય આવે તો પણ નવાઈ નહીં. હાલ સતત કોરોના કેસોની સમીક્ષા કરવામાં આવી રહી છે.
અનિયમિત વાતાવરણે લોકોની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દીધી!!
અનિયમિત વાતાવરણે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ધરખમ ઘટાડો લાવી રહ્યું છે. દિવસે ગરમી અને રાત્રી ઠંડીના અહેસાસ વચ્ચે મનુષ્ય શરીર વાતાવરણ સામે લડવા તૈયાર ન હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિમાં નોંધાપત્ર ઘટાડો થતો હોય છે. તેવા સમયમાં કોરોના જેવા વાયરસ હાવી થતાં લોકો ફલૂ, વાયરસબો શિકાર થતાં હોય છે અને તે પણ એક કારણ છે કે, કોરોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.