ગુજરાત ભરમાં સૂર્યનમસ્કાર થકી નવા વર્ષના પ્રભાતને વધાવવામાં આવ્યુ ત્યારે અબતક પરિવારની દ્રષ્ટિબેન વખારીયા રાજય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં મહિલા વિભાગમાં રાજય કક્ષાએ બીજા નંબરે વિજેતા બની રાજકોટ અને અબતક પરિવારનું ગૌરવ બન્યા છે.
અબતકના મેનેજીંગ ડિરેક્ટર સતિષકુમાર મહેતાને પણ દ્રષ્ટિબેન વખારીયા યોગા અને સુર્ય નમસ્કાર બખુબી રીતે શિખવાડી રહ્યા છે
સૂર્ય નમસ્કાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં રંગીલુ શહેર રાજકોટ બન્યું ‘સહભાગી’
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પુરસ્કાર એનાયત કરાયો
અબતકના મેનેજીંગ ડિરેક્ટર સતિષકુમાર મહેતાને પણ દ્રષ્ટિબેન વખારીયા યોગા અને સુર્ય નમસ્કાર બખુબી રીતે શિખવાડી રહ્યા છે
યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંધની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકેઉજવવામાં આવે છે.યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.
જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું વોર્ડ કક્ષાનું આયોજન તા.19/12/2023ના રોજ, ઝોન કક્ષાનું આયોજન તા.23/12/2023નાં રોજ અને મહાનગરપાલિકા કક્ષાનું આયોજન તા.26/12/2023ના રોજ કરવામાં આવેલ. રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા તા.30/12/2023ના રોજ યોજાઈ અને તેમાં વિજેતા થનાર સ્પર્ધકોને આજ તા.01/01/2024ના રોજ મોઢેરા ખાતે યોજાનાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં પુરષ્કાર એનાયત કરવામાં આવેલ. રાજ્યમાં કુલ 108 સ્થળોએ યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસાર કરવામાં આવ્યુ. ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ માટે આ 108 સ્થળો પૈકી 50 સ્થળો નક્કી કરવામાં આવેલ જેમાં રાજકોટના એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો પણ સમાવેશ થયો હતો અને ત્યાં 1000થી વધુ લોકો સામૂહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા અને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝની ટીમ પણ આ સ્થળ પર હાજર રહી હતી.
દેશમાં ગુજરાતમાં સૌથી પહેલો રેકોર્ડ સર્જવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આજે નવા વર્ષની વહેલી સવારે દેશનો સૌથી પહેલો રેકોર્ડ આપણા ગુજરાતના નામે છે. આજે દેશના પ્રધાનમંત્રી દ્વારા જે યોગને મહત્વ આપવામાં આવ્યું છે તે બદલ યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યું છે. 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૂર્ય ઉર્જાનું મહત્વ સમજાવ્યું. આજે રાજ્ય કક્ષાના સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજી ઉષ્મા અને નવા વર્ષની પ્રથમ કિરણનું મહત્વ સમજાવી આ સ્પર્ધા યોજી છે.
મોઢેરા ખાતે ઉપસ્થિત રહેલ રાજ્યના ગૃહ, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવેલ કે, છેલ્લા એક મહિનામાં 15000 ગામ/જિલ્લામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવતી હતી જેમાં 15000 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.ગુજરાતના ખૂણે ખૂણેથી વિજેતા થયેલ સ્પર્ધક અત્રે મોઢેરા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ઉપસ્થિત રહેલ છે.
આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાઈઓ-બહેનોમાં અલગ અલગ કેટેગરીમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય વિજેતાને ઇનામ આપવામાં આવ્યા જેમાં, પ્રથમ વિજેતાને રૂ.2,50,000નું ઇનામ, દ્વિતીય વિજેતાને રૂ.1,75,000નું ઇનામ, તૃતીય વિજેતાને રૂ.1,00,000નું ઇનામ આપવામાં આવેલ.મોઢેરા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બે કેટેગરીમાં યોજેલ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકો જેમાં, ભાઈઓમાંપ્રથમ વિજેતાગમાર કલ્પેશ-સાબરકાંઠા, દ્રિતીય વિજેતા અનિલ બાંભણિયા-ગીર સોમનાથ અને તૃતીય વિજેતા રાઠવા કરણભાઈ-છોટા ઉદયપુર, બહેનોમાં પ્રથમ વિજેતા યાના પટેલ-આણંદ, દ્રિતીય વિજેતા દ્રષ્ટિ વખારીયા-રાજકોટ અને તૃતીય વિજેતા પૂજા પટેલ-મહેસાણાને ઇનામો આપવામાં આવેલ.
રાજકોટ ખાતે તા.01/01/2024નાં રોજ સવારે 07:00 કલાકે ત્રણ સ્થળો જેમાં વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ પરિસર, રેસકોર્સ , મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ચોક પાસે અને એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પ્રેમ મંદિરથી આગળ, વિમલનગર મેઈન રોડ, લોટ્સ એવન્યુ એપાર્ટમેન્ટ સામે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોઢેરા ખાતે યોજાનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થયુ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ પરિસર, રેસકોર્સ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલિયા, ડેપ્યુટી કલેકટર નિશા ચૌધરી, કોર્પોરેટર જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, ઇલાબેન ઉપસ્થિત રહેલ હતા.
મહાત્મા ગાંધી મ્યુઝીયમ, રાજકોટ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, કોર્પોરેટર મંજુબેન કુંગસિયા, રસીલાબેન સાકરીયા, રાજકોટ શહેર-1 પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, રાજકોટ શહેર પૂર્વ વિભાગના મામલતદાર ચાવડા, એમ.જી.એમ.ના પ્રોજેક્ટ મેનેજર બી.એલ.કાથરોટીયા, મેનેજર વી.ડી.ઘોણીયા, અગ્રણી ઘનશ્યામભાઈ કુંગસિયા, યોગ બોર્ડના ટ્રેનર, કાર્યક્રમમાં ભાગ લીધેલ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પ્રેમ મંદિરથી આગળ, વિમલનગર મેઈન રોડ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ મંત્રીશિલ્પાબેન જાવીયા,કોર્પોરેટર ડો.રાજેશ્રીબેન ડોડીયા, આસી. કલેકટર દેવ આહુતિ, શિક્ષણ સમિતિના સભ્ય સંગીતાબેન છાયા, ડો.દર્શનાબેન પંડ્યા, મગનભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, જીતુભાઈ કાટોડીયા, ચેતનભાઈ સુરેજા, વિનુભાઈ સોરઠીયા, દુર્ગાબા જાડેજા ઉપસ્થિત રહેલ.