લેન્ડ ગ્રેબીંગ હેઠળની કાર્યવાહીથી બચવા માટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યા અને જમીન ખાલી કરવા રૂ.5 કરોડ માગ્યાનો આક્ષેપ
અબતક,રાજકોટ
શહેરની ભાગોળે આવેલી ભીચરીની કરોડોની કિંમતની જમીનના વિવાદ અંગે વિજય સોલંકી નામનો યુવક પરિવાર સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે આવી ફિનાઇલ પી આત્મવિલોપન કરવાની ઘટના અંગે બિલ્ડર કમલેશ રામાણીએ પત્રકાર પરિષદ યોજી વિજય સોલંકીએ પૈસા પડાવવા નાટક કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.
હાજાપર અમરગઢના વિજય જીવણભાઇ સોલંકીએ ભીચરી સર્વે 177ની જમીન ખાલી કરાવવા માટે કમલેશભાઇ રામાણી પોલીસની મદદ લઇ ધમકાવતા હોવાના આક્ષેપ સાથે ગઇકાલે પોલીસ કમિશનર કચેરી ખાતે જઇને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.આ અંગે બિલ્ડર કમલેશભાઇ રામાણીએ પત્રકાર પરિષદ યોજી ભીચરીની જમીન હજી પોતે ખરીદ ન કરી હોવાનું પરંતુ પોતાને ખરીદ કરવાની ઇચ્છા હોવાનું અને જમીન માલિક અનિલભાઇ ખૂંટ સાથે વાતચીત થયાનું જણાવી પોતે ભીચરી સર્વે નંબર 177ની જમીન ખરીદ કરવાની વાત ચીત ચાલી રહી છે જ્યારે વિજય સોલંકીના કબ્જામાં સર્વે નંબર 77 છે એટલે પોતાને વિજય સોલંકી સાથે જમીન વિવાદ ન હોવાનું જણાવ્યું હતું.જમીન માલિક અનિલભાઇ વિઠ્ઠલભાઇ ખૂંટે જિલ્લા કલેકટર કચેરીમાં પોતાની જમીનમાં વિજય સોલંકીએ ગેર કાયદે કબ્જો કર્યા અંગેની લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હોવાથી તેની સામે કાર્યવાહી ન થાય તે માટે આત્મવિલોપનનું નાટક કર્યાનું અને રૂા.5 કરોડની માગણી સાથે પોતાની ઓફિસે આવ્યાનું કમલેશભાઇ રામાણીએ જણાવ્યું હતું. આ સમગ્ર મામલે પોતાને કંઇ લેવા દેવા ન હોવા છતાં વિજય સોલંકી દ્વારા કરાયેલા ખોટા આક્ષેપના કારણે પોતાની માનહાની થઇ હોવાથી ટૂંક સમયમાં વિજય સોલંકી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની અને માનહાનીનો દાવો કરવાનું પત્રકાર પરિષદમાં કમલેશભાઇ રામાણીએ જણાવ્યું છે.