આજે વિશ્વ રંગભૂમિ દિવસ
જુની રંગભૂમિના જામનગરના પીઢ કલાકારોની અબતક સાથેની ખાસ મૂલાકાત
શ્રેષ્ઠ નાટકો યુગો સુધી અમર રહેશે: પિયુષ ભટ્ટ
‘નાટક’માં હું તમારી સામે લાઈવ છું: યોગી ઠાકર
આજે 27 માર્ચ એટલે વિશ્ર્વ રંગભૂમિ દિવસ સમગ્ર વિશ્ર્વમાં ઉજવવામાં આવે છે. વિશ્ર્વ રંગભૂમિ દિવસનો પ્રારંભ 1961માં આંતર રાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. રંગભૂમિના મૂળ-વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. જે શ્રૃષ્ટિ ઈશ્ર્વરે રચી છે. અને એમાં માણસ, અન્ય જીવો અને પ્રકૃતિ શ્ર્વસે છે. એનો સર્જનહાર ઈશ્ર્વર આ રંગભૂમિનો સુત્રધાર છે. આપણે બધાતો રંગમંચની કટપુતળીઓ સમાન છીએ જેમની દોરી ઈશ્ર્વરના હાથમાં જ છે.
‘ભગવદ ગો મંડલ’ ગ્રંથના આધારે માની શકાય કે પૂર્વ 1280માં ગુજરાતીમાં પહેલુ નાટક લખાયું ત્યારબાદ 1851માં નર્મદે ‘બુધ્ધિવર્ધક’ નામની સંસ્થા શરૂ કરી એજ અરસામાં સેકસપિયર કલબની સ્થાપના મુંબઈમાં થઈ આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય માનવામાં આવે છે. આ એ સમય હતો જયારે સ્ત્રીપાત્રો રંગમંચ ઉપર આવતા નહીં તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોનો અભિનય કરતા ત્યારબાદ ધીમેધીમે રંગમંચનું મહત્વ અને પ્રસિધ્ધિ વધતી ગઈ તેમ તેમાં બદલાવો આવતા રહ્યા. આજે જે રીતે રંગમંચ પર નાટકો ભજવાય છે તેને આધુનિક યુગ હાઈટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઈટસ, સાઉન્ડ, લેપટોપ, પેનડ્રાઈવ, ટેબલેટ, પોર્ટેબલ હાર્ડડિસ્ક, એકટીંગ વગેરેમાં અલ્ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે રંગમંચના કાર્યક્રમો લાઈવ હોય છે. જે થયું તે થયું જ. સ્ટેજ ઉપર ડાયરેકટ ટેઈક જ હોય છે. રીટેક થતો જ નથી.
ગુજરાતી રંગમંચ પર ભજવાતા નાટકોએ ગુજરાતી ભાષા અને સાહિત્ય વારસાનો એક અમૂલ્ય ભાગ છે. રંગમંચ પર સુખ અને દુ:ખ, પ્રેમ અને ક્રોધ, વેર-ઝેર, તારૂને મારૂ, ગૃહસંચાર, સમાજની વાસ્તવિકતા, માનવી જીવન સાથે સંકડાયેલી અનેક બાબતો નાટકો રૂપી ભજવાય રહી છે. જયાં ભાષા જીવે છે. ત્યાં સંસ્ક્ૃતિ પણ જીવે છે. ગુજરાતી રંગમંચ એ ગુજરાતી ભાષા અને સાહિત્યને બચાવવાનો એક પ્રયાસ છે.
આજે સમગ્ર વિશ્ર્વ જયારે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ‘અબતક’ દ્વારા જામનગરના જુની રંગભૂમિ સાથે છેલ્લા પચાસ વર્ષથી સંકળાયેલા અને અનેક ગુજરાતી -હિન્દી નાટકોમાં અભિનય દિગ્દર્શન-લેખન સાથે આજ પણ કલા રૂપી ઝરણું વહાવી રહ્યા છે. તેવા વડીલ કલાકારો યોગેશભાઈ ઠાકર કે જેઓ જામનગરમાં અને કલાક્ષેત્રમાં લોકો યોગી ઠાકર નામથી જાણે છે. જયારે બીજા કલાકાર પિયુષભાઈ ભટ્ટ કે જેઓ એસ.બી.આઈ.ના નિવૃત મેનેજર કે જેઓ આજે પણ નવસીલ આર્ટસ કલા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી તરીકેની સેવાઓ ઉપરાંત નાટય ક્ષેત્રે દિગ્દર્શન લેખન વગેરેમાં આજ પણ પ્રવૃત્તિમય રહ્યા છે. અને આ બંને કલાકારો આજ પણ નાટય જુની રંગભૂમિનું જતન કરી રહ્યા છે.
‘અબતક’ની મુલાકાતમાં યોગેશભાઈ ઠાકરે જણાવ્યું હતુ કે ધો.9ના અભ્યાસની સાથે સાથે શરૂ કરેલી અભિનય યાત્રા આજ પણ અવિરત ચાલુ રાખી છે. સાડાચાર દાયકાની અભિનય યાત્રામાં વહુ માથાની મળી, નાટક તેમજ ગુજરાતી ફિલ્મ ધરતીનો ધબકાર સહિત અનેક નાટકો, ફિલ્મોમાં અભિનય કર્યો છે. અને મંત્રીઓ-સામાજીક શ્રેષ્ટિઓ તેમજ રંગભૂમિના ડાલામથા કલાકારો દ્વારા એવોર્ડ મેળવ્યા છે.
આ પ્રસંગે તેઓએ જુની રંગભૂમિના ખેરખા કહી શકાય તેવા ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવીંદ પંડયા, પી.ખરસાણી, રમેશ મહેતા, વગેરે કલાકારોને યાદ કરી જુના સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓએ એમ પણ જણાવ્યું હતુ કે લોકોએ નાટક જોવા જવું જોઈએ કારણ કે ‘નાટક’ લાઈવ પરફોરર્મન્સ છે. જેમાં કલાકારો ઘણુ આપી શકે અને શ્રોતાઓ તેમાં ઘણુ મેળવી શકે. જયારે નાટકક્ષેત્રનાં પીઢ દિગ્દર્શક, લેખક અને અભિનય સાથે જોડાયેલા પિયુષભાઈ ભટ્ટે ‘અબતક’ને જણાવ્યું હતુ કે જામનગરમાં આજે પણ શહેરની બધી કલા સંસ્થાઓને સાથે લઈ આજના રંગભૂમિ દિવસની સૌ ઉજવણી કરીએ છીએ તેઓએ ‘નાટક’ વિષે વધુ પ્રકાશ પાડતા એમ પણ જણાવ્યું હતુકે દ્વિઅર્થી નાટકોનું બહુ મૂલ્ય રહેતુ નથી. તેઓએ કલાકારોને પણ એવા નાટકો રજુ કરવા જોઈએ કે નાટકો જોવા માટે લોકો મજબુર બને આમ કલાકારો સાથે લોકોને પણ ટકોર કરી હતી. કે ડીઝીટલ યુગમાં પણ ‘નાટકો’ જોવા જોઈએ કારણ કે તેમાં કલાકાર લાઈવ હોય છે. જેથી સામાજીક જીવનમાં વણાયેલા નાટકો દ્વારા પણ આજની યુવા પેઢીને આપણી સંસ્ક્ૃતિના દર્શન કરાવી શકાય.
જોકે, જુની રંગભૂમિના જામનગરના કલાકારો યોગેશભાઈ ઠાકર અને પિયુષભાઈ ભટ્ટે ‘અબતક’ સાથેની ગોષ્ઠિમાં રંગભૂમિ અંગે ઉડાણ પૂર્વકની વિસ્તૃત માહિતીઓ આપી હતી જેમાંના અમુક અંશો આજ વિશ્ર્વ રંગભૂમિ દિવસે રજૂ કરવાનો અબતકનો આ પ્રયાસ આપ સૌને ગમશે.
અભિયના ઓજસ પાથરતા ‘યોગી ઠાકર’ દ્વારા રકતદાનનો સેવાયજ્ઞ
જુની રંગભૂમિના જામનગરના કલાકાર યોેગેશભાઈ ઠાકરે રંગમંચ પર અભિનયના ઓજસ પાથરવાની સાથે સાથે સમાજ સેવામાં પણ એટલી જ રૂચી રાખી છે. તેઓએ અત્યાર સુધીમાં સવાસોથી વધુ વખત રકતદાન કરી સમાજ જીવનમાં અને ખાસ કરીને કલાક્ષેત્રમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું છે.