ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી યુવતીઓ સેનેટરી પેડ સહિતની વસ્તુનો આડેધડ નિકાલ કરતી હોય છાશવારે ડ્રેનેજ ચોકઅપ : મ્યુનિ. કમિશનર સુધી પહોચતી ફરિયાદ: લત્તાવાસીઓ ત્રાહિમામ
મ્યુનીસિપલ કમિશ્નરના બંગલાની સામે જ આવેલા રામકૃષ્ણનગરમાં ગર્લ્સ હોસ્ટેલના પાપે ડ્રેનેજનાં ગંધાતા પાણી રાજમાર્ગો પર વહી રહ્યા છે. અવાર નવાર રજૂઆત કરવા છતા સમસ્યાનો કાયમી નિવેડો ન આવતા સ્થાનિક લતાવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
શહેરના વોર્ડ નં.૭માં આવેલા રામકૃષ્ણનગરમાં સ્વ. મીનાબેન જયંતિભાઈ કુંડલીયા ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. હોસ્ટેલમાં રહેતી યુવતીઓ દ્વારા સેનેટરી નેપકીન સહિતના કચરાનો નિકાલ ડ્રેનેજમાં કરવામાં આવે છે.જેના કારણે છાશવારે ડ્રેનેજ લાઈન ચોકઓપ થઈ જાય છે. અને ડ્રેનેજનાં ગંધાતા પાણી રાજમાર્ગો પર વહે છે. અને લોકોના ઘર સુધી પહોચી જતા હોય સ્થાનીક રહેવાસીઓ ભારે ત્રાહીમામ પોકારી ગયા છે.
સ્થાનીકો દ્વારા આ અંગે અનેકવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે. છતા નિભંર તંત્ર દ્વારા ગર્લ્સ હોસ્ટેલ સામે કયારેય લાલ આંખ કરવામાં આવતી નથી. જયારે કોલ સેન્ટરમાં ડ્રેનેજ ઉભરાતી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવે અને ડ્રેનેજ સાફ કરવા માટે માણસો તથા મશીનરી મોકલવામાં આવે ત્યારે ડ્રેનેજ લાઈનમાંથી સેનેટરી નેપકીનનો કચરો જંગી માત્રામાં મળી આવે છે. આ અંગે રામકૃષ્ણનગરનાં લોકોએ હોસ્ટેલ સંચાલકોને પણ અવાર નવાર રજૂઆત કરી છતા હોસ્ટેલમાં વસવાટ કરતી યુવતીઓની કુટેવ સુધરતી નથી ડ્રેનેજના પાણી રોડ અને ત્યારબાદ લોકોનાં આંગણા સુધી પહોચી જતા હોવાના કારણે અહી રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત જણાય રહી છે. છેલ્લા બે -ત્રણ વર્ષથી આવી સમસ્યા છે. અને હવે સમસ્યા રોજીંદી બની ગઈ છે. જેનાથી નારાજ રામકૃષ્ણનગરનાં લતાવાસીઓ હવે સામુહિક ધોરણે પોતાના વોર્ડનાં કોર્પોરોટર, કોર્પોરેશનના પદાધિકારીઓ અને મ્યુનીસીપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. જ‚ર પડે હોસ્ટેલ ખાતે ધરણા પર બેસી જવાના મૂડમાં છે.