નવ દિવસમાં ડ્રેનેજ ચોકઅપ-ઓવરફ્લો અને ડ્રેનેજ મેઇન્ટેનન્સને લગતી 5,669 ફરિયાદ: સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની પણ 1210 રાવ
ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદમાં રાજકોટ મહાનગર પાલિકાનું ડ્રેનેજ નેટવર્ક વેર-વિખેર થઇ જતું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા નવ દિવસ દરમિયાન કોર્પોરેશનના કોલ સેન્ટર, મોબાઇલ અને વેબસાઇટ પર ડ્રેનેજને લગતી 5,669 ફરિયાદો નોંધાઇ છે. જ્યારે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદમાં પણ છેલ્લા એક સપ્તાહ દરમિયાન સારો એવો વધારો નોંધાયો છે. અલગ-અલગ 29 પ્રકારની 9,787 ફરિયાદો આજ સુધીમાં નોંધાઇ ચુકી છે.
કોર્પોરેશન દ્વારા કોલ સેન્ટર, મોબાઇલ એપ્લીકેશન અને ઓનલાઇન એમ અલગ-અલગ ત્રણ પ્રકારે શહેરીજનો પાસેથી અલગ-અલગ બ્રાન્ચને લગતી ફરિયાદો લેવામાં આવે છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડ્રેનેજ શાખાને લગતી 5,629 ફરિયાદ નોંધાઇ છે.
જેમાં રોડ પર ગટરના પાણી વહેતા હોવાની 87 ફરિયાદ, ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાની 2,921 ફરિયાદ, ડ્રેનેજનો કચરો ઉપાડવામાં આવતો ન હોવાની 102 ફરિયાદ, ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવાની 2055 ફરિયાદ અને પાઇપ ગટર તૂટી હોવાની 68 સહિત ફરિયાદો નોંધાઇ છે. જ્યારે ડ્રેનેજ મેઇન્ટેનન્સની કામગીરીને લગતી 436 ફરિયાદ નોંધાઇ છે. સામાન્ય છાંટામાં પણ કોર્પોરેશનની સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જાય છે. એક સપ્તાહમાં રોશની શાખાને લગતી 510 ફરિયાદો નોંધાઇ છે.
આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને શાખાને લગતી 1405 ફરિયાદ, બાંધકામ શાખાને લગતી 529 ફરિયાદ, સિટી બસને લગતી 65 ફરિયાદ, મરેલા ઢોર અંગેની 72 ફરિયાદ, દબાણ હટાવ શાખાને લગતી 46 ફરિયાદ, ગાર્ડન શાખાને લગતી 148 ફરિયાદ અને વોટર વર્ક્સ શાખાને લગતી 422 સહિત કુલ 9,787ફરિયાદો કોર્પોરેશનના ચોપડે નોંધાઇ છે.